Aapnu Gujarat
ગુજરાત

ગરવી ગુર્જરી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનો પ્રારંભ

ગુજરાત રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્‌ટ સેક્ટરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડિક્રાફ્‌ટ્‌સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગરવી ગુર્જરી-૨૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર -સેલર મીટનો ભવ્ય પ્રાંરભ કરવામાં આવ્યો હતો. ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિ કરતાં ૨૦૦ ખરીદદારો આ ચાર દિવસીય મેગા પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના કારીગરો અને ખરીદદારો વચ્ચે બી૨બી મીટીંગની ગોઠવણ કરવાનો છે.
આ આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનું ઉદ્‌ઘાટન કરતાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, પરંપરાગત હસ્તકલા-હાથશાળ કારીગરી માટે ગુજરાત સરકાર અદ્યતન સુવિધાઓના નિર્માણ માટે પ્રતિબધ્ધ છે. ગુજરાતની ભાતીગળ હસ્તકલા હાથશાળ કારીગરીના ગ્રામીણ કુશળ કારીગરો-કસબીઓને સ્વનિર્ભરતાના અવસરો આપવા સરકારે રૂ. ૪પ૦ કરોડ કુટિર અને ગ્રામોદ્યોગ હેઠળ બજેટમાં ફાળવ્યા છે. આ બાયર સેલર મીટ રાજ્યના નાના-ગ્રામીણ કારીગરો માટે એક ઉત્તમ મંચ બનશે અને તેમની ચીજવસ્તુઓને વૈશ્વિક ખરીદદારો મળી રહેશે. આ મીટ ગુજરાતના વેચાણકારો અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો બંન્ને માટે વિન-વિન સીચ્યુએશન બનશે. તેમણે ઉમેર્યું હતું કે બી-ટુ-બી મિટીંગને પરિણામે નેટવર્કીંગનો પણ વ્યાપક લાભ અને અવસરો ગ્રામીણ કારીગરોને ઘર આંગણે બેઠા પ્રાપ્ત થશે. આ પરંપરાગત અને પેઢીગત વ્યવસાયનો વારસો હવેની યુવા પેઢી જાળવી રાખે. સાથોસાથ ઇન્ટરનેટ, ગુગલ જેવા માધ્યમોથી વિશ્વના પ્રવાહોને અનુરૂપ ઇનોવેશન્સ અને ઉત્પાદનોમાં ચેન્જ લાવે તે સમયની માંગ છે તેમ પણ યુવા હસ્તકલા કારીગરોને પ્રેરણા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ પરંપરાગત વ્યવસાયો-હસ્તકલા કારીગરોને ૬ ટકા વ્યાજ સબસીડી યોજનાની ભૂમિકા પણ તેમણે આપી હતી. ગરવી ગુજરાતી પ્રોડક્ટ્‌સના ઓનલાઇન વેચાણની સુવિધા આપતી વિશેષ મોબાઇલ એપ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોન્ચ કરી હતી. યુએસએ, યુકે, જર્મની, ન્યુઝિલેન્ડ, કેન્યા, શ્રીલંકા અને ભુટાન સહિતના ૨૫ દેશોના આંતરરાષ્ટ્રીય ખરીદદારો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે. એક વિશેષ પ્રદર્શનમાં ગુજરાતના ૩૦થી વધુ આર્ટ એન્ડ ક્રાફ્‌ટ્‌સનું પ્રદર્શન કરાઇ રહ્યું છે, જે દ્વારા રાજ્યની રચનાત્મક અને વાઇબ્રન્ટ ડિઝાઇનને દર્શાવાશે. બીજા મુલાકાતીઓ તા.૫અને ૬ ઓગસ્ટના રોજે આ મીટમાં ઉપસ્થિત રહેશે.
કુટિર ગ્રામોદ્યોગ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ઈન્ટરનેશનલ બાયર સેલર મીટનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, હાથશાળ અને હસ્તકળા ક્ષેત્રે ગ્રામ્યસ્તરે કામ કરતા કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે ત્યારે આપણી પરંપરાગત કળા તેમજ વારસો ચોક્કસ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થશે. રાજયમાં હસ્તકળા અને હાથશાળ ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે ત્યારે આ કળાના આદાન પ્રદાન માટે આ બાયર સેલર મીટ અનેરૂ માધ્યમ બની રહેશે. હસ્તકળાના કારીગરો સ્વ મહેનતથી આગળ વધી રહ્યાં છે ત્યારે, રાજય સરકાર પણ આવનારા સમયમાં તેમના માલના વેચાણ માટે તેમજ વધુ ઉત્પાદન માટે પૂરતો સહયોગ આપીને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડિક્રાફ્‌ટ્‌સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગરવી ગુજરાતી પ્રોડક્ટ્‌સના પ્રમોશન અને વેચાણ માટે ચાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.
ભુટાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધ ક્રાફ્‌ટ સફારી-દુબઇ, ઇયાન સ્નો લિમિટેડ-યુકે અને યિવુ પ્રદિપ શેટ્ટી ફેશન ટ્રેડિંગ કંપની લિમિટેડ- ચાઇના દ્વારા એમઓયુ ઉપર હસ્તાક્ષર કરાયા હતાં અને તેમણે રાજ્યની હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્‌ટ પ્રોડક્ટ્‌સના વેચાણ બાબતે રૂચિ દાખવી હતી. કુટિર અને ગ્રામોદ્યોગ સચિવ સંદિપકુમારે આ પ્રસંગે જણાવ્યું કે, આજ તા.૩જી ઓગસ્ટથી ૬ઠ્ઠી ઓગસ્ટ સુધી ચાલનારા આ ઈન્ટરનેશનલ બાયર સેલર મીટમાં વિશ્વના ૨૦ જેટલાં દેશોમાંથી ૧૦૦ બાયર્સ તેમજ દેશભરમાંથી ૨૦૦ નેશનલ બાયર્સ ભાગ લઈ રહ્યાં છે. ૧૫૦ જેટલા કલાકારો દ્વારા તેમના હસ્તકળા અને હાથશાળના વિવિધ ઉત્પાદનો પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે. ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી આજે ગરવી ગુર્જરી એક વૈશ્વિક ઓળખ બની છે.

Related posts

अब भद्र प्लाजा को नया स्वरुप देने तंत्र का एक ओर अभियान

aapnugujarat

ગાધીનગરના અંબોડ મીનીપાવાગઢ મહાકાલી મંદિરે ૯મો દિળ્ય પાટોત્સવ ઉજવાયો

editor

६९१६ गांवों को ओप्टिकल फाइबर कनेक्टिवीटी से जोड़ा जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1