Aapnu Gujarat
ગુજરાત

એલજી હોસ્પિટલમાંથી માસુમ બાળક રહસ્યમયરીતે લાપત્તા થયો

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં પાંચ દિવસ અગાઉ ગુમ થયેલ ૧ર વર્ષીય બાળકના મામલે આખરે મણિનગર પોલીસે આખરે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. એલજી હોસ્પિટલમાં લાંભાનું એક દંપતી તેમના દોઢ વર્ષના પુત્રને સારવાર માટે લાવ્યું હતું, જેની દેખરેખ કરવા માટે તેમના અન્ય બે પુત્ર પણ સાથે આવ્યા હતા. તેમાંથી ૧૨ વર્ષનો રાહુલ નામનો બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. રેલ્વે સ્ટેશન, કાંકરિયા વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારો અને સગાવ્હાલા-મિત્રવર્તુળ કે પરિચિતોમાં શોધખોળ કરવા છતાં માતા-પિતાને ગુમ થયેલા સંતાનની કોઇ ભાળ નહી મળતાં તેઓ ચિંતામાં ગરકાવ બન્યા છે., બીજીબાજુ, બાળકના પિતાએ પોતાના સંતાનનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યકત કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાંચ દિવસ પહેલાં એક ગરીબ દંપતિનો ૧ર વર્ષનો પુત્ર રાહુલ ટિફિન આપવા માટે એલજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગયો હતો અને ત્યાંથી તે એકાએક ગાયબ થઇ ગયો હતો. એલજી હોસ્પિટલના પીડિયાટ્રિક યુનિટ-૧માં લાંભાના રહેવાસી દિનેશ શર્માનો દોઢ વર્ષનો પુત્ર આયુષ શર્મા સારવાર લઇ રહ્યો છે. છેલ્લા ૧ર દિવસથી આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હોઇ ગત તા.ર૭ મેના રોજ બપોરના ૧ર વાગ્યે તેનો ૧ર વર્ષનો ભાઇ રાહુલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ નજીકના બગીચામાં એક સ્વૈચ્છિક સંસ્થાને ભોજનનું ટિફિન આપવા ગયો હતો તે સમયથી તે અચાનક ગુમ થઇ ગયો હતો. રાહુલને શોધવા માટે તેનાં માતા-પિતા તેમજ સગાં-વહાલાંએ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, જોકે રાહુલ નહીં મળી આવતાં તેઓ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. મણિનગર પોલીસે ફરિયાદ નોંધવા માટે આનાકાની કરીને તેઓને ધક્કા ખવડાવ્યા હતા. આ મામલે રાહુલના પિતા દિનેશ શર્મા કહે છે કે મણિનગર પોલીસ સ્ટેશનમાં એ જ દિને રાહુલના ગુમ થયા અંગેની ફરિયાદ લખાવવા ગયો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. પરંતુ હવે સમગ્ર મામલો ચગતાં મણિનગર પોલીસે આ કેસમાં આખરે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. મણિનગર પોલીસે રાહુલના ગુમ થવાના મામલે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવા માટેની તજવીજ શરૂ કરી હતી પરંતુ ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે, કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાથી સંકુલના સીસીટીવી પણ બંધ હતા, જેથી પોલીસને તપાસમાં મુશ્કેલી પડી રહી છે.

Related posts

એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડનારી ટોળકી પકડાઈ

aapnugujarat

ગુજરાત પધારી રહેલાં મોદી અને અમિત શાહનાં સ્વાગતની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાની સ્વ-સહાય સંસ્થાની મહિલાઓ દ્વારા ઘેરબેઠા રોજના ૧૪૫૦ તૈયાર કરાતા ખાદીના માસ્ક….

editor

Leave a Comment

UA-96247877-1