Aapnu Gujarat
ગુજરાત

જય શાહ પ્રશ્ને મોદી કેમ મૌન છે : રાહુલનો ફરીવખત સવાલ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી ગુજરાતની મુલાકાત દરમ્યાન પોરબંદર, સાણંદ, અમદાવાદ સહિતના સ્થળોએ નોટબંધી અને જીએસટીને લઇ મોદી સરકાર અને ભાજપ પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આશ્વાસન આપ્યું હતું કે, ગુજરાતનો વિકાસ મોદી કે ભાજપના લીધે નથી થયો પરંતુ ગુજરાતની જનતા, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને સામાન્ય નાગરિકના કારણે થયો છે. ગુજરાતની જનતામાં ભરપૂર શકિતઓ છે. ભાજપના શાસનમાં તમારી શકિતઓનો ઉપયોગ થયો નથી. કોંગ્રેસની સરકાર આવશે તો, દરેક ગુજરાતીની શકિતનો પ્રયોગ અમે કરીશું. અમે તમામ લોકોને સાથે લઇને ચાલીશું અને અમારી સરકાર એ તમારી પોતાની સરકાર હશે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લેતાં જણાવ્યું કે, નોટબંધીએ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ હતી અને સ્વયં મોદીજીએ હિન્દુસ્તાનના ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, નાના દુકાનદારો, વેપારીઓ, મહિલાઓ, બહેનો બધાને લાઇનમાં લગાવી દીધા અને બેંકોના પાછલા દરવાજેથી હિન્દુસ્તાનના તમામ ચોરોએ પોતાનું કાળુ નાણું સફેદ કરાવી દીધું. આ બહુ આઘાતજનક અને લોકશાહીના ઇતિહાસમાં કાળા દિવસ સમાન ઘટના છે. કારણ કે, નોટબંધી દરમ્યાન ૧૦૦થી વધુ નિર્દોષ નાગરિકો મોતને ભેટયા અને લાખો લોકો બેરોજગાર થઇ ગયા. આટલુ ઓછું હોય તેમ નોટબંધીના પ્રહાર બાદ મોદી સરકારે જીએસટીનો વજ્રાઘાત લોકોને માર્યો, ખાસ કરીને નાના દુકાનદારો, વેપારીઓ અને મધ્યમ કદના ઉદ્યોગકારો ખતમ થઇ ગયા. રાહુલે આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો કરોડોનો નફો અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સેબી દ્વારા દંડ ફટકારવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સવાલો કરતાં જણાવ્યું હતું કે, મોદીજી દેશના યુવાઓ અને જનતાને એ સમજાવે કે, અમિત શાહના પુત્ર જય શાહની કંપની રૂ.૫૦ હજાર કરોડમાંથી રૂ.૮૦ કરોડનો નફો કરતી કેવી રીતે થઇ ગઇ? ગુજરાતમાં લાકો બીઝનેસમેન છે તેઓ પણ સમજવા માંગે છે કે, ત્રણ મહિનામાં રૂ.૫૦ હજારમાંથી રૂ.૮૦ કરોડનો નફો કેવી રીતે થાય ? બધા સમજે છે કે, આટલો બધો નફો બેઇમાની અને ચોરી કર્યા સિવાય શકય નથી અને મોદીજી કહેતા હતા કે, ના ખાઉંગા, ના ખાને દૂંગા. પરંતુ હવે તેમનું વાકય બદલાઇ ગયું છે કે, ના બોલુંગા, ના બોલને દૂંગા. જય શાહ મુદ્દે કંઇક તો બોલો મોદીજી.
રાહુલે ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, ગુજરાતમાં માત્ર પાંચ-દસ ઉદ્યોગપતિઓનું જ ચાલે છે. ગુજરાતમાં ખેડૂતો, આદિવાસીઓની જમીન, પાણી, વીજળી છીનવીને તેમના હક્કના પાણી, વીજળી અને જમીન મોદીના માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. નર્મદાનું પાણી ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓને અપાય છે પરંતુ ખેડૂતો અને આદિવાસીઓને મળતું નથી. મોદી સરકાર અને ભાજપ વાયદાઓ કરે છે પરંતુ પાળતા નથી. રાહુલ ગાંધીએ શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લઇને પણ મોદી સરકાર અને ભાજપ પર ચાબખા વરસાવ્યા હતા. રાહુલે જણાવ્યું કે, ગુજરાતમાં ૯૦ ટકા કોલેજોનું ખાનગીકરણ થઇ ગયું છે. આજે ગરીબ આદિવાસીઓ કે ખેડૂતોના સંતાનોને ભણાવવા હોય કે કોલેજમાં મોકલવા હોય તો ખિસ્સામા પહેલાં પાંચ-દસ લાખ રૂપિયા હોવા જોઇએ પરંતુ તે તેમની પાસે નથી. આરોગ્યના ક્ષેત્રે પણ આ જ હાલત છે. લોકોને કેન્સર, હૃદયરોગ સહિતની ગંભીર બિમારીઓમાં પણ લાખો રૂપિયાના ખર્ચ વિના સારવાર મળતી નથી. જયારે કોંગ્રેસે તેના શાસિત રાજયોમાં આ સારવારો મફત ઉપલબ્ધ કરાવી હતી. બેરોજગારી પણ આજે એક પડકારસમાન ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે આપણી સ્પર્ધા ચીન સાથે છે. ચીન રોજના ૫૦ હજાર લોકોને રોજગારી આપે છે, જયારે મોદીજી માત્ર દેશમાં ૪૫૦ યુવાઓને રોજગારી આપે છે. દર વર્ષે બે કરોડ યુવાઓને રોજગારી આપવાનો તેમણે વાયદો કર્યો હતો પરંતુ તે પળાયો નથી અને આજે ગુજરાતમાં ૫૦ લાખ બેરોજગાર યુવાનો રોજગારી માટે તરસી રહ્યા છે.

Related posts

હિંમતનગર તાલુકાનાં પીપળીયા ગામમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું

aapnugujarat

બીઆરટીએસ કોરીડોરમાં એસટી પર પણ પ્રતિબંધ

aapnugujarat

ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવાર જાહેર કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1