Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેર/જિલ્લામાં સઘન મતદાર જાગૃતિ અભિયાન : નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ સ્કીટ, ડીબેટ અને નાટક દ્વારા આપ્યો સો ટકા મતદાનનો સંદેશ

વડોદરા શહેર/જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૧૪/૧૨/૧૭ના રોજ યોજાનાર છે. વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.ભારતીના માર્ગદર્શન હેઠળ શહેર/જિલ્લામાં સઘન મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર/જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો, વ્યાપારી મંડળો, શાળા કોલેજના વિદ્યાર્થીઓના સહયોગથી મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે આજે નર્સિંગ કોલેજ, વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજની ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થિનીઓએ આગામી ચૂંટણીમાં સો ટકા મતદાનનો સંદેશો આપ્યો હતો. નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં જોવા મળતા નિરૂત્સાહ, બાનાબાજી, મારા મતથી શું ફરક પડશે, યુવાનોમાં ખાસ કરીને આજે તો રજા છે મજા કરવાની જેવી બાબતો અંગે સ્કીટ, ડીબેટ અને નાટકના માધ્યમથી સંવાદ રજૂ કરી ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે સૌને પ્રેરિત કર્યા હતા.

વિદ્યાર્થિનીઓએ લોકશાહીને મજબુત બનાવવા અને આપણા બંધારણીય હક એવા મતાધિકારનો ચૂંટણીમાં ઉપયોગ કરવા પોસ્ટર પ્રદર્શનના માધ્યમથી મતદારોમાં સંદેશો પહોંચાડ્યો હતો. અકોટા વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારી શ્રીમતી મનીષા બ્રહ્મભટ્ટે લોકશાહીના મહાપર્વ એવી વિધાનસભા ચૂંટણીમાં તમામ મતદારોએ મહત્તમ મતદાન કરવાનો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા સબંધી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સ્વીપના નોડલ અધિકારી ડૉ. સુધીર જોષીએ મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાનની વિગતો આપતાં જણાવ્યું કે, આપણો એક મત કિંમતી અને પવિત્ર છે. સૌએ આગામી ચૂંટણીમાં જાતે મતદાન કરી, સગાસબંધી, પરિવારજનો તથા આડોશ-પાડોશમાં રહેતા સૌને મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. શ્રી જોષીએ મતદાન માટે સૌને સંકલ્પ લેવડાવ્યા હતા. આ અવસરે નર્સિંગ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી દવે સહિત સ્ટાફ અને કોલેજની વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.

Related posts

શહેરો સર કરવા કોંગ્રેસ પાંચ મહાનગરના પ્રમુખ બદલશે

aapnugujarat

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો ભવ્ય પ્રારંભ

aapnugujarat

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકની સમીક્ષા હાથ ધરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1