Aapnu Gujarat
ગુજરાત

નોટબંધી-GSTથી અર્થતંત્ર પર ગંભીર ખતરો તોળાયો છે : યશવંત સિંહા

દેશના પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી યશવંતસિંહા ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે.  અમદાવાદમાં તેમણે મોદી સરકારના શાસનમાં નોટબંધી અને જીએસટી સહિતના વિવાદીત નિર્ણયોને લઇ દેશની કથળેલી અર્થવ્યવસ્થા અંગે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. તેમણે જીએસટીમાં આમૂલ પરિવર્તનની તાત્કાલિક જરૂર હોવાનું જણાવતાં કહ્યું કે, નોટબંધી અને જીએસટી જેવા ઉતાવળિયા અને વગરવિચાર્યા નિર્ણયોના કારણે દેશનો જીડીપી ગ્રોથ રેટ(આર્થિક વિકાસ દર) ચિંતાજનક રીતે ઘટીને ૫.૭ ટકા થયો છે, કદાચ સાચા આંક પ્રમાણે ૩.૭ ટકા છે. તેમણે દેશમાં આઠ લાખ કરોડના હાલમાં પ્રવર્તી રહેલા નોન પરફોર્મીંગ એસેટ્‌સ(એનપીએ)ને લઇને પણ ભારે ચિંતા વ્યકત કરી હતી અને મોદી સરકાર તેમ જ નાણામંત્રી અરૂણ જેટલી પર આકરા પ્રહારો કર્યા હતા. લોકશાહી બચાવો અભિયાનના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, કન્વીનર ગૌતમ ઠાકર અને અગ્રણીઓ પ્રો.હેમંત શાહ અને મહેશ પંડયા સાથે ઔપચારિક મુલાકાત કર્યા બાદ ભાજપના દિગ્ગજ કદાવર નેતા અને આર્થિક સમીક્ષક યશવંતસિંહાએ નિખાલસપણે મોદી સરકાર અને જેટલીના નોટબંધી અને જીએસટીના નિર્ણયોને ભૂલભરેલા અને અસફળ ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, નોટબંધીનો જે મૂળ ઉદ્દેશ કાળા નાણાંની જપ્તી અને તેની હેરાફેરી અટકાવવાનો હતો પરંતુ તે હેતુ પરિપૂર્ણ થયો નથી. આ સિવાય પણ નોટબંધી માટે મોદી સરકારે ફેક કરન્સી, આંતકવાદ સહિતના જે હેતુઓ ગણાવ્યા હતા તેની સામે પણ પ્રશ્નાર્થ ઉઠયા છે ત્યારે એ સ્પષ્ટ થઇ ગયું છે કે, નોટબંધીનો નિર્ણય સંપૂર્ણતઃ અસફળ રહ્યો છે. દેશમાં આર્થિક વિકાસ દર ઘટવાની સાથે જ બેરોજગારીનો વિકરાળ પ્રશ્ન ઉભો થયો છે. જો દેશનો આર્થિક વિકાસ દર તેજીથી નહી વધે તો, રોજગારી પેદા નહી થાય. રોજગારીની નવી તકો વધી રહી નથી. હું એ પણ સ્વીકારું છું કે, મોદી સરકારે વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ તે વાયદાના પાલનમાં પાછળ રહી ગયા. નોટબંધીથી ઉલ્ટાનું લોકો વધુ બેરોજગાર બન્યા અને લોકોના ધંધા-રોજગાર અને નોકરીઓ છીનવાઇ ગઇ. એક અંદાજ મુજબ, દેશમાં આશરે ૨૦ લાખથી વધુ લોકો નોટબંધીના કારણે બેરોજગાર બન્યા. આમ, સમગ્ર દેશમાં આર્થિક વ્યવસ્થા પર ખતરો તોળાઇ રહ્યો છે. જીએસટીના મુદ્દે જાણીતા અર્થશાસ્ત્રી યશવંતસિંહાએ જણાવ્યું હતું કે, જીએસટી એક સારી કરપ્રણાલિ છે પરંતુ જે પ્રકારે તે ઉતાવળે અને વગરવિચાર્યે લાગુ કરાઇ તેનાથી બધુ ચોપટ થઇ ગયું. એકાએક જે પ્રકારે જીએસટી લાગુ કરાયું અને તેનું જે માળખુ અમલમાં મૂકાયું,સાથે સાથે જે ચીજવસ્તુઓને સામેલ કરાઇ તેનાથી સમસ્યાનું સમાધાન થવાના બદલે ઉલ્ટાનું સમસ્યાઓ ચિંતાજનક હદે વધી ગઇ. તા.૮-૧૧-૨૦૧૬ના રોજ નોટબંધી અને તા.૧-૭-૨૦૧૭ના રોજ જીએસટી લાગુ કરાયા આમ, નવ મહિનામાં મોદી સરકાર દ્વારા દેશની જનતાને બે ભયંકર આઘાત આપવામાં આવ્યા. જીએસટીમાં આમૂલ પરિવર્તન અને ધરખમ સુધારાઓની તાત્કાલિક જરૂર છે. કેન્દ્ર સરકાર હાલ જે કામચલાઉ સુધારા કરી કામ ચલાવે છે, તે નહી ચાલે. તેમણે જીએસટી માટે દેશના જાણીતા અર્થશાસ્ત્રી વિજય કેલકરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની એક ટીમ બનાવવા અને તેની સાથે જીએસટી કાઉન્સીલને ઇન્ટરેકશન કરવા સૂચન કર્યું હતું. આ ટીમ તેના અભિપ્રાયો સાથે બે મહિનામાં પૂર્ણ કરે અને ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦૧૮ના નાણાંકીય બજેટમાં તેનો અમલ કરવામાં આવે તો દેશને સારી અર્થવ્યવસ્થા મળી શકે તેમ છે.

Related posts

અમદાવાદમાં શ્રી બાવન વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

साबरकांठा, अरवल्ली, पाटण सहित के पंथको में मेघमहेर

aapnugujarat

એલજી હોસ્પિટલમાંથી માસુમ બાળક રહસ્યમયરીતે લાપત્તા થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1