Aapnu Gujarat
ગુજરાત

રિમોટથી ગુજરાત સરકાર ચાલી રહી છે : રાહુલના તેજાબી આક્ષેપ

ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર ઉપરઆકરા પ્રહારો કર્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનના બીજા દિવસના ચૂંટણીપ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ આજે જામનગરના ધ્રોલ ખાતે જાહેરસભાને સંબોધન દરમ્યાન ભાજપ અને મોદી સરકારને જીએસટી અને નોટબંધીના મુદ્દે આડાહાથે લીધા હતા અને તેમની પર તીખા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીનું પાટીદારોએ પણ ભવ્ય સ્વાગત કરી તેમની મુલાકાતને વધાવતાં રાહુલ ગાંધીએ પાટીદારોના મુદ્દે ભાજપ સરકાર પર ચાબખા મારતાં જણાવ્યું કે, ભાજપ સરકારે પાટીદારો પર ગોળીઓ ચલાવી છે, તે પાટીદારો કયારેય ભૂલશે નહી. પાટીદારો પર ભાજપ સરકારે ભારે અત્યાચાર અને જુલમ કર્યા છે. કોંગ્રેસે કયારેય અત્યાચાર અને જુલમની રાજનીતિ કરી નથી. કોંગ્રેસે હંમેશા પ્રેમ અને મિલનસાર સ્વભાવની રાજનીતિ અપનાવી છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ફરી જોરદાર પ્રહારો કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનસ્વી રીતે નોટબંધીનો નિર્ણય લઇ દેશને ભયંકર નુકસાન પહોંચાડયુ છે, તેમના આ નિર્ણયથી સામાન્ય જનતાનો મરો થઇ ગયો. એટલુ ઓછું હોય તેમ મોદી સરકારે જીએસટીનો માર ઝીંકયો, જેના કારણે ગરીબો, ખેડૂતો, નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગને મરણતોલ ફટકો વાગ્યો છે. મોદીજીનું ગુજરાત મોડેલ ફેલ ગયુ છે. પ્રજા હવે ગુજરાતનું જૂનુ મોડેલ ઇચ્છી રહી છે. ગુજરાતની હાલની ભાજપ સરકાર દિલ્હીથી મોદીજીના ઇશારે ચાલે છે અને તે રિમોટવાળી સરકાર છે પરંતુ જો કોંગ્રેસની સરકાર આવશે તો, તે ગુજરાતના લોકોની ખુદની સરકાર હશે અને તે પ્રજા જાતે ચલાવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મોદી સરકાર એ તેમના માનીતા ઉદ્યોગપતિઓની સરકાર છે. મોદી સરકાર ગરીબો, ખેડૂતો અને યુવાઓને કરેલા વાયદા કે વચનો પૂરા કરતી નથી પરંતુ તેમના ઉદ્યોગપતિઓને કરેલા વચનો તાત્કાલિક પૂરા કરી દે છે. મોદી સરકાર અને ભાજપના શાસનમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો કે વીજળી-પાણી મળતા નથી ને બીજીબાજુ, ઉદ્યોગપતિઓને માંગ્યા મુજબની વીજળી-પાણી અને જમીનો ફાળવાઇ જાય છે. રાહુલે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો કે, અમને મોદીજીની જેમ માર્કેટીંગ કરતાં નથી આવડતું તે કોંગ્રેસની નબળાઇ છે. કોંગ્રેસ કામ કરવામાં માને છે, તેને માર્કેટીંગ કરતાં નથી આવડતું. કોંગ્રેસે કયારેય માર્કેટીંગ કર્યું નથી. સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણીપ્રચારના બીજા દિવસે રાહુલ ગાંધી ખીજડીયા બાયપાસ થઇ રામપર પાટિયા, ધ્રોલ પહોંચ્યા હતા અને ત્યાં જાહેરસભા સંબોધી હતી. ત્યાંથી લતીપુર,ઓટાળ થઇને બપોરે ટંકારા ખાતે આવ્યા હતા અને ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટની મુલાકાત લીધા બાદ ટંકારા-રાજકોટ હાઇવ પર જાહેરસભા અને ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમ યોજયો હતો. ટંકારાથી મીતાણા થઇ તેઓ વાંકાનેર પહોંચ્યા હતા અને પીપળીયા રાજમાં દૂધઉત્પાદકો સાથે અને તીથવા, અમરસર ખાતે સહકારી આગેવાનો સાથે ચર્ચા-મીટીંગ કરી હતી. આવતીકાલે રાહુલ ગાંધી જસદણમાં પહોંચવાના છે, જયાં આટકોટ રોડ પર વિશાળ જાહેરસભા યોજી લોકો સાથે સીધો સંવાદ યોજશે. આ પહેલાં રાહુલ ગાંધી ચોટીલા ખાતે મા ચામુંડાના દર્શનાર્થે જશે અને સાંજે કાગવડ ખાતે પાટીદારોના ખોડલધામના દર્શનાર્થે જશે.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : રાહુલ ગાંધી

aapnugujarat

રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

aapnugujarat

વઢવાણમાં પોષણ માસ અંતર્ગત રસીકરણ જનજાગૃતિ શિબિર યોજી

editor

Leave a Comment

UA-96247877-1