Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત – બિહારની ઘટનાઓએ રાજકીય સમીકરણો બદલી નાંખ્યા

ગુજરાતમાં કોંગ્રેસ આવે છે….ના નારા સાથે કોંગ્રેસે અનેક વખત પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને નવી શક્તિનો સંચાર કર્યો હતો, કોંગ્રેસના હાઈકમાન્ડ તરફથી શંકરસિંહ વાઘેલાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોઈ જવાબદારી કે પક્ષનું સુકાન ન સોંપાયું તે પછી બાપુએ કોંગ્રેસને છોડી અને કોંગ્રેસે બાપુને છોડ્યાં. પણ હવે શંકરસિંહ વાઘેલાની નારાજગી બરાબરની બહાર આવી છે. કોંગ્રેસના મોટાં માથાંના અને મોટા ગજાનાં ૬ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, અને ભાજપમાં જોડાવાનું શરૂ કર્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી વક્રોક્તિમાં કહેવાય કે કોંગ્રેસ આવે છેપ. પણ ‘ભાજપમાં’
બીજી એક વાત ભાજપ વારંવાર કહે છે કે દેશને ‘કોંગ્રેસ મુક્ત’ બનાવવો છે, પણ હવે એમ કહી શકાય કે ‘ભાજપ કોંગ્રેસ યુક્ત’ બની રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં આવે તે પહેલાં કોંગ્રેસના મૂળીયાં હચમચી ગયાં છે. વિપક્ષના દંડક એવા બળવંતસિંહ રાજપૂત કે જે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના વેવાઈ છે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને તરત ભાજપમાં જોડાયા અને તે જ દિવસે ભાજપની બેઠકમાં બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભાની ઉમેદવારી મળી. ભાજપમાં આવતાં પહેલા જ તેમણે ભાજપના હાઈકમાન્ડ પાસે રાજ્યસભાની ઉમેદવારી માગી હતી. તે જ પ્રમાણે બળવંતસિંહને રાજ્યસભાની ઉમેદવારી મળી ગઈ છે. ભાજપ માટે ભલે સોદાબાજી હતી, પણ બળવંતસિંહ જેવી વિકેટ ખેરવીને ભાજપે ખૂબ મોટો માસ્ટરસ્ટ્રોક મારી દીધો છે. જે પછી પ્રદેશ કોંગ્રેસ અને કોંગ્રેસની હાઈકમાન્ડ પણ કોમામાં સરી પડી છે. શું પ્રતિક્રિયા આપવી તે પણ વિચારવું પડે તેવું કરી નાંખ્યું છે.
સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સાથે વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલ અને વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલે(પી.આઈ.પટેલ) ગુરુવારે રાજીનામુ આપીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. અત્યાર સુધી આ જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ભાજપ વિરુદ્ધ કડકમાં કડક ઉચ્ચારણો કરેલાં તે જ લોકો ભાજપમાં આવી ગયાં છે. વિપક્ષના વિધાનસભાના દંડક બળવંતસિંહ રાજપૂત દરરોજ ભાજપનું નવું કૌભાંડ બહાર કાઢીને રજૂ કરતાં અને પ્રેસનોટ મોકલતા હતાં. વિધાનસભામાં પણ રજૂઆત થતી હતી. આ જ બળવંતસિંહની વિકેટ ખેરવી લેતાં ભાજપની લોબીમાં આનંદ છવાઈ ગયો છે.બીજા દિવસે એટલે કે શુક્રવારે કોંગ્રેસના નવસારીના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે રાજીનામું આપી દીધું છે. આમ કોંગ્રેસના ૬ ધારાસભ્યો તૂટ્યાં છે. અને હજી વધુ ૨૦ ધારાસભ્યો તૂટવાની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ કોંગ્રેસના ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાની ગોઠવણ કરી રહી હોવાનું જાણવા મળે છે. આજના વધુ ૩ ધારાસભ્યોના રાજીનામાંથી પ્રદેશ કોંગ્રેસ વધુ ફફડી ઉઠી છે, અને રહ્યુંસહ્યું બચાવવા અને વધુ ડેમેજ ન થાય તેમ સ્થિતિ પર કન્ટ્રોલ માટે ગોઠવણ કરવાની કોશિશમાં લાગી ગયાં છે.જો કે સિદ્ધપુર, વિરમગામ અને હવે વિજાપુરના ભાજપના ધારાસભ્યોમાં હવે ફફડાટ પેઠો છે, કે અમે ભાજપના પાયાના કાર્યકરો છીએ તો હવે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં અમને ટિકીટ મળશે કે નહીં. કે પછી કોંગ્રેસ છોડીને આવેલા બાગી લોકોને ટિકીટ અપાશે.? આ પ્રશ્ન લઈને ભાજપના કેટલાક જૂના ધારાસભ્યોમાં ચિંતા પેઠી છે, કે હવે શું કરીશુંપ ભાજપ ગેલમાં હોય તે સ્વાભાવિક છે, પણ જે વિસ્તારના ધારાસભ્યો ભાજપમાં આવે તે વિસ્તારના ભાજપના ધારાસભ્યો માટે ચિંતાનો વિષય બન્યો છે.
શંકરસિંહ બાપુને અતિમહત્વની જવાબદારી નહીં આપીને કોંગ્રેસ હાઈકમાન્ડ અત્યારે તો પસ્તાઈ રહ્યું હશે. કારણ કે જે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયાં તેમણે છડેચોક કોંગ્રેસ છોડવાનું કારણ જાહેર કર્યું છે. કોંગ્રેસમાં જૂથબંધી, એકબીજાને હરાવવાના પેંતરા, અમારાં મત વિસ્તારના કામ જ થતાં ન હતાં, કોંગ્રેસ હાઈ કમાન્ડ અમારુ કાંઈ જ સાંભળતું જ નથી, સીએમ બનવાની હોડ, ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોઈ તૈયારીઓ નથી, કોઈ રણનીતિ તૈયાર નથી, એવું તો ખુદ બાપુ પણ કહી ચૂક્યાં છે. ઘરની ખાનગી વાતો બહાર આવી છે અને પ્રજાએ પણ આ બધુ લાઈવ જોયું છે.
રાજકોટમાં ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના કુલ ૯ ધારાસભ્યોને સાથે રાખીને પ્રેસ સમક્ષ હાજર થયા હતાં. તેમણે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને દબાવતો હોવાનો આક્ષેપ કર્યો છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ ભાજપ અપનાવી રહ્યો છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ૫થી ૧૦ કરોડ રૂપિયાનું પ્રલોભન આપ્યાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમ જ ભરૂચના ધારાસભ્યને પોલીસ ઉઠાવી ગઈ અને તેઓ ભાગી છૂટ્યાં સુધીનું પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ખંભાળિયાના ધારાસભ્ય મેરામણભાઈ બોરીયા, રાજકોટ પૂર્વના ધારાસભ્યો ઈન્દ્રનીલ રાજ્યગુરુ, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ બિરડીયા, પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા, માગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાંજા અને ઊનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બધા હાલ કોંગ્રેસમાં જ છે, અને રહીશું તેમ કહ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહે કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ તોડવાની રાજનીતિ કરી રહ્યું છે. પણ ભાજપ સફળ નહીં થાય, કોંગ્રેસ ચોક્કસ જીતશે. શું થાયપ પ્રતિક્રિયા કંઈક તો આપવી પડે નેપ અર્જુનભાઈ મોઢવાડિયા પણ પક્ષનો બચાવ કરવા આગળ આવ્યાં હતાં. કોંગ્રેસ મોવડીમંડળે રણદીપ સૂરજેવાલાને ગુજરાત મોકલ્યાં છે, જોઈએ કેટલું સમુસૂતરું કરી શકે છે.
બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી દીધી છે, તેમને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ સામે ઉમેદવાર તરીકે ઉભા કરાયાં છે. અહેમદ પટેલને હરાવવા માટે ભાજપના ચાણક્ય અમિત શાહે સોગઠાં ગોઠવ્યાં છે. હવે જોઈએ કોંગ્રેસના ચાણક્ય ગણાતાં અહેમદ પટેલની જીત થાય છે કે પછી ભાજપના ચાણક્ય અમિત શાહ સફળ થાય છે.
બંને ચાણક્યોની અગ્નિપરીક્ષા હવે શરૂ થાય છે. ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે, આ ડેમેજ કન્ટ્રોલ અટકાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સોનિયા ગાંધીએ ગુજરાતની મુલાકાત લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓની અને કાર્યકરોની વાત સાંભળીને યોગ્ય પગલાં ભરવા જોઈએ. આમ પણ પોલિટિક્સમાં દુશ્મન કયારે દોસ્ત બને તેનું કોઈ નક્કી હોતું નથી, તેને તો રાજકારણ કહેવાય છે.બિહાર વિધાનસભાનું વર્ષાસત્ર શરૂ થઈ થાય તે પહેલાં નીતિશકુમારના નેતૃત્વ હેઠળની જનતાદળ (યુ), લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસની મહાગઠબંધનની સરકારનું પતન થઈ ગયું છે. ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિના મુદ્દે સકંજામાં આવી ચુકેલા લાલુ યાદવના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ન તો પદ છોડવા તૈયાર હતા કે ન તો આટલી જંગી મિલકત ક્યાંથી વસાવી તેનું સ્પષ્ટીકરણ કરતા હતા. અંતે હારી થાકી મુખ્યમંત્રી નીતિશકુમારે રાજીનામું આપી દેતાં સરપકારનું પતન થયું છે અને બિહારમાં રાષ્ટ્રપતિશાસન આવી ચૂક્યું છે.ભ્રષ્ટાચાર વિરોધી તથા સ્વચ્છ રાજકારણીની આગવી છબિ ધરાવતા મુખ્યમંત્રી નીતિશકુમારનું ધર્મસંકટ એ હતું કે મહાગઠબંધન ટકાવી રાખવા તે પોતાના નાયબ મુખ્યમંત્રીની ખરડાયેલી છબિને ચલાવી લે તો સંભવતઃ બિહાર સરકાર તો ટકી જાય પરંતુ તેમની અંગત પ્રતિષ્ઠા પર પાણી ફરી વળે. નીતિશના પક્ષ જનતાદળ(યુ)માં તો તેજસ્વીની હકાલપટ્ટીની માંગ સતત બૂલંદ થતી રહી હતી. નીતિશના ગાઢ સાથી અને પક્ષના મહામંત્રી કે.સી.ત્યાગીએ સાફસાફ શબ્દોમાં જણાવી દીધું કે અમે મહાગઠબંધનની સરકારને યુપીએ-૨માં પલટાવા માંગતા નથી.સંદેશો સ્પષ્ટ હતો કે પોતાના મંત્રીમંડળના સભ્યોનો ભ્રષ્ટાચાર નાથવામાં માજી વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘની નિષ્ફળતાઓના કારણે કોંગ્રેસને જે નુકસાન થયું તેનું પુનરાવર્તન જનતાદળ(યુ) થવા દેવા માગતું નથી.
હવે નીતિશકુમારે તેજસ્વી યાદવને પોતાના પર લાગેલા આરોપો અંગે જાહેર ખુલાસા કરવાની જે સમયસીમા આપી હતી તે પણ આવતીકાલે પૂરી થતી હતી, પણ તેજસ્વીએ કોઈ સ્પષ્ટતા કરી નહીં ત્યારે મુખ્યમંત્રી સ્વાભાવિકપણે સત્ર શરૂ થાય તે પહેલાં પગલાં ભરશે તેવું મનાઈ રહ્યું હતું, કારણ કે સમગ્ર બિહારમાં આ મામલો એટલો ગરમાતો રહ્યો છે કે વિધાનસભામાં તેના ભારે તોફાની પડઘાઓ કોઈ પગલાં નહીં લેવાય તો પડ્યા વગર રહી શકે નહીં. આ સંજોગોમાં નિષ્કલંક રાજકારણીની પ્રતિષ્ઠા ધરાવતા મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા દાવ પર લાગે તેમ હતી. પરિણામે તેજસ્વીની બરતરફી કે પોતાનું ત્યાગપત્ર એ બે વિકલ્પોમાંથી એકની પસંદગી કરાશે એવાં અનુમાનો રાજકીય વર્તુળોમાં થવા લાગ્યાં હતાં અને આ બે વિકલ્પોમાંથી ગમે તે એકનો અમલ થાય તો પણ પરિણામ એક જ આવવાનો સંભવ હતો, મહાગઠબંધનનું બાળમરણ!તેજસ્વીની હકાલપટ્ટીથી સ્વાભાવિક પણે છંછેડાયેલા લાલુ અલગ થઈ જાય અને મહાગઠબંધન તૂટે કે નીતિશ ત્યાગપત્ર આપે તો પણ તૂટે! વાસ્તવમાં ભાજપ આ જ ઈચ્છી રહ્યું હતું અને આવું થતાં સમગ્ર રાષ્ટ્રીય રાજકારણ પલટો ખાઈ જાય એવી એની ગણતરી છે. ૨૦૧૯ની લોકસભાની જે ચૂંટણીઓ આવી રહી છે તેનો સામનો કરવા વિપક્ષો ભાજપ વિરોધી જે સંયુક્ત મહાગઠબંધનનું સ્વપ્ન જોઈ રહ્યાં છે તે સ્વપ્ન બિહારનું મહાગઠબંધન તૂટતા ભાંગીને ભૂક્કો તો થઈ જાય પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં નીતિશકુમાર ભાજપનો સાથ લઈ બિહારમાં સરકાર ચલાવા તૈયાર થાય તો સમગ્ર રાષ્ટ્રીય ચિત્ર પલટો ખાઈ જાય. કેન્દ્રમાં મોદી સરકારના આગમન પછીના ત્રણ વર્ષો પછી જે રાજકીય વાસ્તવિકતાઓ દેખાવા માંડી છે તેમાં કોંગ્રેસ પક્ષ સૌથી મોટો વિપક્ષ હોય તો પણ તેના નેતા રાહુલ ગાંધી આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પાંગરી ચૂકેલા ઉત્તુંગ વ્યકિતત્વ સામે વડાપ્રધાન પદના પ્રતિસ્પર્ધી તરીકે બહુ ટૂંકા પડતા રહ્યા છે. આ સંજોગોમાં મોદી સામે ચાલે તેવો વિપક્ષમાં કોઈ એકમાત્ર ચહેરો હોય તો તે કેવળ નીતિશકુમારનો છે પરંતુ હવે સમીકરણો સાવ બદલાઈ ગયાં છે.
નીતિશકુમાર અને ભાજપ વચ્ચે ચાલી રહેલા તારામૈત્રકનો વહેમ તો વિપક્ષો કયારનાય વ્યકત કરવા લાગ્યા છે. ખાસ કરીને નોટબંધીના પ્રશ્ને સમગ્ર વિપક્ષો મોદી સરકારનો વિરોધ કરતા હતા ત્યારે નીતિશકુમાર વડાપ્રધાનના પગલાને બિરદાવતા હતા વધારે આંચકાઓ તો ત્યારે લાગ્યા કે ૧૮ વિપક્ષોના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર મીરાકુમારને સમર્થન આપવાને બદલે નીતિશકુમારે ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદને પોતાનું સમર્થન જાહેર કર્યું.

Related posts

पवार कि “चाणक्य” चाल में फसी भाजपा….!!

aapnugujarat

કૃષિ, ખેતી કરવામાં યુવાનોને રસ ઓછો : રિપોર્ટ

aapnugujarat

પદ્માવતી : વિરોધ અને સમર્થન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1