Aapnu Gujarat
ગુજરાત

શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગનો ગુનો તપાસમાં સ્પષ્ટ થયું

કમળને વોટ ન આપ્યો તો બધાંને ઠેકાણે પાડી દઈશ એવી વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદાતાઓને આપેલી ધમકીના વિડીયો અંગે વડોદરાના કલેક્ટરનો તપાસ અહેવાલ મળ્યા પછી તેની સામે શું પગલાં લેવા તે અંગે નિર્ણય લેવામાં આવશે એમ ગુજરાતની મુખ્ય ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને જણાવ્યું હતું. બીજીબાજુ, ચૂંટણી પંચની નોટિસ અનુસંધાનમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ખુલાસો કરવાની ફરજ પડી હતી. જો કે, સમગ્ર તપાસના અંતે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા ચૂંટણી આચારસંહિતનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેને પગલે હવે આ કેસમાં મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ આચારસંહિતા ભંગનો વિધિવત્‌ ગુનો કે ફરિયાદ દાખલ કરાય તેવી પૂરી શકયતા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવ સામે જો વિધિવત્‌ ફરિયાદ દાખલ થાય તો તેમની અને ભાજપની મુશ્કેલી વધી શકે છે. બીજીબાજુ, ચૂંટણી તંત્રની તપાસમાં સમગ્ર પ્રકરણમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થતાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને જણાવ્યું હતું કે, મતદારોને ધમકી આપતાં મધુ શ્રીવાસ્તવનો આ વિડિયો વાયરલ થયો અને અમારા હાથમાં આવ્યો ત્યારબાદ તરત જ અમે તે અંગે તપાસ કરવાની સૂચના વડોદરાના કલેક્ટરને આપી દીધી હતી. તેમનો તપાસ અહેવાલ મળ્યા બાદ મધુ શ્રીવાસ્તવ સામે પગલાંની કાર્યવાહી થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ભાજપના કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો તે પ્રસંગે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ પ્રકારની ધમકી આપી હતી. આ વિસ્તારમાં ગેરકાયદે વસેલા લોકોને કાયદાકીય પ્રક્રિયાથી ઉપરવટ જઈને તેમને પાણી, વીજળીના જોડાણો અપાવવામાં આવ્યા છે. આ સંજોગોમાં તેઓ જો કમળના નિશાન પર થપ્પો નહિ મારે તો તેમને ઠેકાણે પાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેને પગલે ભારે વિવાદ અને હોબાળો મચ્યા બાદ ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું હતું અને મધુ શ્રીવાસ્તવને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો હતો અને કલેકટરને તપાસના આદેશો આપ્યા હતા. હવે ચૂંટણી પંચની કાર્યવાહી પર સૌની નજર મંડાઇ છે.

Related posts

બે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ૨૭૩ ઉમેદવાર મેદાનમાં

aapnugujarat

અલ્પેશનું ધારાસભ્યપદ રદ્દ કરાવવા કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને મળ્યા

aapnugujarat

“આપ” ગુજરાત કિસાન સેલનાં પ્રમુખ તરીકે રાજુભાઈ કરપડાની નિમણુંક

editor

Leave a Comment

UA-96247877-1