Aapnu Gujarat
ગુજરાત

બે વર્ષમાં ૧૮૪ સિંહના મૃત્યુ : સરકારની કબૂલાત

ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ જેટલા સિંહ, સિંહણ અને સિંહ બાળના કુલ મોત નોંધાયા હોવાની ચોંકાવનારી વાતનો આજે રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાજયમાં કુલ ૧૮૪ સિંહોના કુલ મૃત્યુ આંકમાં ૧૫૨ સિંહોના કુદરતી રીતે મોત થયા છે, જયારે બાકીના ૩૨ સિંહ, સિંહણ કે સિંહ બાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. આ ખરેખર ગંભીર અને ચિંતાજનક બાબત કહી શકાય કારણ કે, વાઘ અને સિંહની પ્રજાતિનું રક્ષણ અને તેના સંવર્ધનની બહુ મોટી જવાબદારી રાજય સરકારના શિરે છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ આ માહિતી આપી હતી. વન મંત્રીએ પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ, સિંહણ અને સિંહ બાળ મળી કુલ ૧૮૪ સિંહના મૃત્યુ નોંધાયા છે, જેમાં ૨૦૧૬માં ૧૦૪ અને ૨૦૧૭માં ૮૦ સિંહોના મૃત્યુની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ મૃત્યુ ૭૪ સિંહણના અને ૭૧ સિંહોના અને ૩૪ સિંહ બાળના મૃત્યુ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ૧૫૨ જેટલા સિંહ, સિંહણ અને સિંહ બાળના કુદરતી રીતે મોત નીપજયા છે, જેમાં ૨૦૧૬માં સૌથી વધુ ૯૨ સિંહોના મોત નીપજયા હતા. જયારે ૨૦૧૬ અને ૨૦૧૭માં કુલ ૩૨ સિંહ, સિંહણ અને સિંહ બાળના અકુદરતી મોત સામે આવ્યા હતા. જે મૃત્યુ આંકમાં ૨૦૧૬માં ૧૨ અને ૨૦૧૭માં ૨૦ સિંહણના મોતનો સમાવેશ થાય છે. જો ૨૦૧૬ અને ૨૦૧૭ના સિંહોના કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો, ૩૨ સિંહ, ૫૭ સિંહણ અને ૬૩ સિંહ બાળના કુદરતી રીતે મૃત્યુ થયા છે. જયારે અકુદરતી મૃત્યુમાં છેલ્લા બે વર્ષમાં ૭ સિંહ, ૧૭ સિંહણ અને ૮ સિંહ બાળનો સમાવેશ થાય છે. વનમંત્રી દ્વારા સિંહ, સિંહણ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુને અટકાવવા સરકારે કરેલી વ્યવસ્થા અંગેનો જવાબ આપતાં વનમંત્રીએ જણાવ્યું હતું કે, ગીર અભયારણ્ય અને આરક્ષિત વિસ્તારની નજીક આવેલા રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ અને ફરતે પારાપેટ(નાની દિવાલ) બનાવવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા રેલ્વે ટ્રેકની બંને બાજુએ ફેન્સીંગ કરવામાં આવી છે, એટલું જ નહી સિંહોની પ્રજાતિની રક્ષા અને જાળવણી માટે સરકાર દ્વારા ખાસ આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણી મિત્રની નિમણૂંક કરવામાં આવી છે.

Related posts

ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

aapnugujarat

હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એશોશિયેશનના પ્રમૂખ ડો.સૂજાત વલી દ્વારા બાબા રામદેવને સજા કરવા માંગ

editor

૨૦ વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1