Aapnu Gujarat
Uncategorized

ઘેલા સોમનાથના શિવલિંગ પર સતત જળાભિષેક બંધ કરાયો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અતિપ્રાચીન અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા ઘેલા સોમનાથના શિવલીંગ પર સતત જળાભિષેક બંધ કરવાનો જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય લેવાતાં શિવલીંગ પર સતત જળાભિષેક બંધ કરી દેવાયો છે. જો કે, જિલ્લા સત્તાધીશોના આ નિર્ણયને પગલે શ્રધ્ધાળુ ભકતો ખાસ કરીને શિવભકતોમાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ એક કલાસવન ઓફિસરે જસદણ તાલુકાના ડુંગરની ગાળીઓમાં આવેલા પ્રાચીન ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની ભીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી વ્યકત કરતાં મામલો ચર્ચાની એરણે ચઢયો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ સુપ્રીમકોર્ટ દ્વારા ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવમાં બિનજરૂરી જળાભિષેક કરવા પર મનાઇ ફરમાવી હતી. જસદણ તાલુકાના ડુંગરની ગાળીઓમાં આવેલું પ્રાચીન ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પ્રકૃતિ અને આસ્થાનું અનોખુ ધામ છે. જો કે, ધાર્મિક અને પવિત્ર આસ્થાના ધામમાં ભોળાનાથના શિવલિંગને સતત જળાભિષેક અને ફુલ અને અન્ય ધાન સહિતના અભિષેકને લઇ નુકસાન થઇ રહ્યું હોવાની ગંભીર ફરિયાદ ગાંધીનગરમાં ઓએનજીસીમાં કલાસ વન ઓફિસર તરીકે ફરજ બજાવતાં વિપીન પંડયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી હતી. આ અધિકારીએ વડાપ્રધાન મોદીને પત્રમાં રજૂઆત કરી હતી કે, ત્રણ પેઢીથી એટલે કે, છેલ્લા ૪૫ વર્ષોથી હું આ ઐતિહાસિક મંદિર સાથે સંકળાયેલો છું. મારા માટે આ પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં રૂ.૧૦-૧૦ લઇ શિવલિંગ પર જળાભિષેક કરાવવામાં આવી રહ્યો છે પરંતુ શિવલીંગ પર સતત પાણી પડવાના કારણે તેને નુકસાન થઇ રહ્યું છે અને પોપડા જેવું વળી રહ્યું છે. માત્ર કમાવવાના ઉદ્દેશથી સતત આ પ્રકારે જળાભિષેક કોઇપણ રીતે ઉચિત ના કહી શકાય. શિવલીંગના રક્ષણ અને તેની ઐતિહાસિકતાની જાળવણી માટે આ પ્રકારે સતત જળાભિષેક થવો ના જોઇએ. મંદિરના સંચાલકોનું કહેવું છે કે, મહોમ્મદ બેગડાએ આ શિવલીંગને હથોડાના ઘા માર્યા તેના નિશાન છે પરંતુ અધિકારી વિપીન પંડયાનું કહેવું છે કે, જો મને સરકાર મંજૂરી આપે તો, હું મારા ખર્ચે દિલ્હીથી ભૂસ્તર શાસ્ત્રીઓને બોલાવી આ શિવલીંગની તપાસ કરાવવા ઇચ્છું છું. પંડયાએ આ સમગ્ર મામલે વ્હોટ્‌સ એપ, ઇમેલ અને ટવીટર દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરથી લઇ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધી રજૂઆતો કરી હતી. જેને પગલે તંત્ર દ્વારા નિર્ણય લઇ ઘેલા સોમનાથ મહાદેવમાં સતત જળાભિષેક બંધ કરાવાયો હતો.
જો કે, બીજીબાજુ, હજારો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક લાગણી દુભાતા મંદિર કમીટીની બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. આ સમગ્ર મામલે જિલ્લા તંત્રના સત્તાધીશો અને મંદિરના વહીવટકર્તાઓ સહિત સરકારી અધિકારીઓની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં આ અંગે કોઇ હકારાત્મક નિર્ણય લેવાય તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે.

Related posts

ગીર સોમનાથ જીલ્લા સમસ્ત કડીયા સમાજનુ સંમેલન યોજાયુ

aapnugujarat

સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત

editor

बारिश से टंकारा, कोडिनार, बनासकांठा सहित के क्षेत्रों में भारी नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1