Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવના દર્શન-પૂજા કરી ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત ભારતવર્ષના શ્રદ્ધાના કેન્દ્ર સોમનાથ પ્રભાસ ક્ષેત્રની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન-પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પત્ની અંજલીબેન રૂપાણી તેમજ રાજકોટના સંગઠનના આગેવાન નીતીન ભારદ્વાજ અને માલધારી સમાજના વિહાભાઇ કહેલાએ પણ સજોડે સોમનાથ મહાદેવના દર્શન બાદ ધ્વજા પૂજા કરી સોમનાથ દાદાને ધ્વજા ચઢાવી હતી. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી પુનઃ ગુજરાતના વિકાસની ધુરા સંભાળે તે સંકલ્પ પૂર્ણ થયાની મનોકામના સિદ્ધ થતા રાજકોટના આગેવાનો-ભરવાડ સમાજના ભાઇઓ અને બહેનોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ દાદાની ધ્વજાપૂજા, જલાભિષેક અને સંકલ્પ શ્લોક સાથે મંદિરના મુખ્ય પૂજારી ધનંજય દવેએ સજોડે પૂજાવિધિ કરાવી હતી. આ પૂર્વે સોમનાથ ખાતે મુખ્યમંત્રીએ સરદાર વંદના કરી હતી. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મંદિર પરિસરમાં મુખ્યમંત્રીએ ભગવાન કપર્દી વિનાયકના પણ દર્શન કર્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા સંગઠન દ્વારા મંદિર પરિસરમાં મુખ્યમંત્રીની સાકરતુલા કરવામાં હતી. સોમનાથ મહાદેવના દર્શન પૂર્વે જિલ્લા ભાજપા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મણીબેન રાઠોડ,વેરાવળ નગરપાલીકા પ્રમુખ જગદીશ ફોફંડી, ઉપપ્રમુખ જયદેવ જાની, અગ્રણી મહેન્દ્ર પીઠીયા, શૈલેન્દ્રસિંહ રાડોઠ, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, ડી.ડી.ઓ. અશોક શર્મા, સોમનાથ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટી જે.ડી.પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા તેમજ રાજકોટના આગેવાન મનીષ રાડીયા, રઘુભાઇ ધોળકીયા, હિરાભાઇ જોગરાણા તેમજ ગીર સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ મંદિરે દર્શન પુજન બાદ સાગરદર્શન વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે વિવિધ સમાજ સંગઠનના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ડેરી મઢના ભુવાઆતાશ્રી મેરામણઆતાએ મુખ્યમંત્રીને રબારી સમાજની પરંપરાગત પાઘડી પહેરાવી બહુમાન કર્યું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

તબીબોની સારવાર રંગ લાવી, ઘટ્યું ગુજરાતની 2 ફેમસ સુમો બેબીઝનું વજન

aapnugujarat

ચીનના ર્નિણયથી ચિંતામાં ઓટોમોબાઈલ સેક્ટર

editor

વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની બહેનો દ્વારા ગૌ માતા પૂજનનો કાર્યક્રમ

editor

Leave a Comment

UA-96247877-1