Aapnu Gujarat
ગુજરાત

ફિક્સ પે-સેલ્ફ ફાયનાન્સ મુદ્દે પહેલી કેબિનેટમાં નિર્ણય થશે : મનીષ તિવારી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા મનીષ તિવારી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે બહુ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવશે તો, પહેલી જ કેબિનેટમાં ફિકસ પેના કર્મચારીઓને કાયમી કરવા અને સેલ્ફ ફાયનાન્સ કોર્સને ગ્રાન્ટેડમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લઇશું. તેમણે તા.૯મી અને તા.૧૪મી ડિસેમ્બરે યોજાનારા મતદાનમાં કોંગ્રેસને મત આપી ગુજરાતના સોનેરી દિવસો પાછા લાવવાની ખાસ અપીલ રાજયની જનતાને કરી હતી. સાથે સાથે તેમણે મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા કે, ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની સરકાર વાસ્વતમાં રિમોટથી ચાલતી, મોદી અને અમિત શાહના ઇશારે ચાલતી સરકાર છે. રૂપાણી કાગળ પરના મુખ્યમંત્રી છે. આમ, ગુજરાતમાં ખરેખર તો ત્રણ મુખ્યમંત્રી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા મનીષ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૯મી ડિસેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. મેં ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૪ની ચૂંટણીઓ જોઇ છે પરંતુ ૨૦૧૭ની આ ચૂંટણી વખતની હવામાં ક્રાંતિ છે, લોકોને આ વખતે પરિવર્તન જોઇએ છે. લોકો કોંગ્રેસની સરકાર ઇચ્છે છે. આ પહેલા કોઇ વડાપ્રધાનને ચૂંટણીમાં પ્રચારમાં ફરતા જોય છે. જો કોઇ વડાપ્રધાનને પોતાની જાત પર ભરોસો હોય તો આ રીતે ગલીએ ગલીએ ફરવું ના પડે. મોદી પર સીધુ નિશાન સાધતાં જણાવ્યું કે, મોદી દેશની ૧૨૫ કરોડ જનતાના વડાપ્રધાન છે અને તેમના ભાષણોમાં વડાપ્રધાનની ગરિમાને ન શોભે તેવા શબ્દો હોય છે. ગુજરાત છીનવાઇ જશે તો, ઘણા રહસ્યો ખુલ્લા પડવાની તેમણે ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી હતી. નોટબંધી મુદ્દે કોંગ્રેસના વિરોધ અને કોંગ્રેસની ચપ્પલ ઘસાઇ ગઇ સહિતની મોદી દ્વારા કરાયેલી ટિપ્પણીઓને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા મનીષ તિવારીએ જણાવ્યું કે, વડાપ્રધાનને આ પ્રકારની ભાષા શોભતી નથી. આ તેમની હતાશા દર્શાવે છે. ગુજરાતની આજે આ દશા કેમ થઇ છે. આજે દરેક સમાજ આંદોલન કરવા મજબૂર બન્યો છે, લોકો રસ્તાઓ પર આવી ગયા છે અને આક્રોશ વ્યકત કરી રહ્યા છે., પોલીસ તેઓની પર અત્યાચાર કરે છે. આ બધુ એટલા માટે થાય છે કારણ કે, રાજયમાં ત્રણ મુખ્યમંત્રી છે. વડાપ્રધાન તો દિલ્હી જતા રહે છે પરંતુ રિમોટથી સરકાર અહીં ચાલે છે.
દર શુક્રવારે ગુજરાતની બ્યુરોક્રેસી દિલ્હી જાય છે કે, ગુજરાતમાં શું કરવું અને કયારે કરવું તે પૂછવા. મોદીએ મોડેલ ઓફ ડેવલપમેન્ટના નામે ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. કારણ કે, ગુજરાત પહેલેથી જ સમૃધ્ધ રાજય છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કરી હતી કે, શિક્ષણ, રોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ અસરકારક અને ઝડપી નિર્ણયો અમલી બનાવશે. કોંગ્રેસની સરકાર આવશે તો, પહેલી જ કેબિનેટમાં ફિકસ પેના કર્મચારીઓને કાયમી કરવા અને સેલ્ફ ફાયનાન્સ કોર્સને ગ્રાન્ટેડમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લઇશું. શિક્ષણમાં ૮૦થી ૯૫ ટકા સુધી ફીમાં ઘટાડો થઇ જશે. યુવાનોને તત્કાળ રોજગારી આપીશું. ગુજરાતના સોનેરી દિવસો પાછા લાવીશું એ કોંગ્રેસની સરકારનું વચન છે.

Related posts

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

aapnugujarat

સીએમ રુપાણીએ ૫૯૬.૩૪ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી

aapnugujarat

જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાનના રથની થયેલ પૂજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1