Aapnu Gujarat
ગુજરાત

અર્બુદાનગરની સંસ્કાર સ્કૂલમાં વાલીઓનો જોરદાર હોબાળો

શહેરના ઓઢવ વિસ્તારમાં અર્બુદાનગર ખાતે આવેલી અર્બુદા સંસ્કાર ઉ.મા.સ્કૂલમાં આજે પુસ્તકો અને સ્ટેશનરીની ઉંચી કિંમત વસૂલવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને એકસંપ થઇ શાળાઓ જઇ હોબાળો મચાવ્યો હતો. શાળાના સત્ર ફી વધારાને લઇ વાલીઓ પહેલેથી જ રોષમાં હતા અને હવે પુસ્તકો-સ્ટેશનરીની કિંમતમાં બેફામ લૂંટ ચલાવાતા વાલીઓ વિફર્યા હતા. વાલીઓએ ઉગ્ર માંગણી કરી હતી કે, સરકારનો ફી નિર્ધારણ કાયદો અમલી બન્યો છે ત્યારે સરકારના પ્રતિબંધ છતાં હવે સંચાલકો પુસ્તકો-સ્ટેશનરી ઉંચી કિંમતે વેચી નફાખોરી રળી શકે નહી. વાલીઓએ ભાવઘટાડાની માંગણી સાથે ઉગ્ર દેખાવોની ચીમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓઢવ અર્બુદાનગર પાસે અર્બુદાનગર સંસ્કાર ઉ.મા સ્કૂલમાં લેવામાં આવતી સત્ર ફીમાં વાલીઓને જાણ કર્યા વગર જ સ્કૂલ સંચાલકોએ રૂ.૫૦નો વધારો કરી દીધો હતો. જેને લઇ વાલીઓમાં ઓલરેડી નારાજ હતા અને હવે સ્કૂલમાંથી જ વાલીઓને તેમના બાળકો માટેના પુસ્તકો તેમ જ સ્ટેશનરી ખરીદવા ફરજ પાડી હતી. એટલું જ નહી, પુસ્તકો અને સ્ટેશનરી સંચાલકો ઉંચા ભાવે વાલીઓને પધરાવી રહ્યા હતા, જેથી વાલીઓનો રોષ ભભૂકી ઉઠયો હતો. વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે, સ્કૂલ સંચાલકો પુસ્તકોના ત્રણ ગણા ભાવ વસૂલી વાલીઓને લૂંટી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કે.જી.માં બાળકોના પુસ્તક પેટે રૂ.૭૫૦ વસૂલ કરાય છે, જયારે ધોરણ-૧ના પુસ્તકો માટે રૂ.૧૪૦૦ વસૂલાય છે. જો કે, વાલીઓએ આ પુસ્તકો બહારથી ખરીદવાની વાત કરી ત્યારે સંચાલકોએ વાલીઓને પુસ્તકો અને સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. શાળા સંચાલકોના બેફામ લૂંટના આ વલણના વિરોધમાં આજે વાલીઓ એકસંપ થયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ શાળા પર પહોંચ્યા હતા. વાલીઓએ ફી ઘટાડા અને પુસ્તકો-સ્ટેશનરીના ભાવ ઘટાડાની માંગણી સાથેના સૂત્રોચ્ચાર અને માંગણી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જયાં સુધી ભાવ ઘટાડો નહી થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

Related posts

અમદાવાદ મેટ્રોનું મોદીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયું

aapnugujarat

જબુગામ સંચાલિત શ્રી સી.એન.બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે હ્રદય ફેફ્સા પુનઃ જીવન અંગે યોજાયેલું નિદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1