Aapnu Gujarat
ગુજરાત

આર્થિક માંધાતાઓએ બજેટ વૃધ્ધિપ્રેરક, લોકપ્રિય તેમજ સંતુલિત ગણાવ્યું

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના આજરોજ રજૂ થયેલા બજેટને લઇ આર્થિક જગતના માંધાતા અને નિષ્ણાતોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં તેઓએ કેન્દ્રીય નાણાંમંત્રીના બજેટના ભારોભાર વખાણ કર્યા હતા અને બજેટને એકંદરે વૃધ્ધપ્રેરક, લોકપ્રિય અને ભારે સંતુલિત ગણાવ્યું હતું. બજેટની જોગવાઇઓ અને નવા મહત્વાકાંક્ષી નિર્ણયોને લઇ દેશના વિકાસની ગતિને ભારે વેગ મળશે તેવી આશા પણ આ આર્થિક નિષ્ણાતોએ વ્યકત કરી હતી. ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ઇમિડિએટ પાસ્ટ પ્રેસિડન્ટ અને રાજીવ પેટ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડના સીએમડી શ્રી રાજીવ વાસ્તુપાલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯નું વચગાળાનું બજેટ લોકપ્રિય તેમજ મહદઅંશે વૃદ્ધિપ્રેરક ગણી શકાશે. સરકારે માળખાગત સુવિધા, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, સ્વાસ્થ્ય, સંરક્ષણ અને શિક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સારું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ બજેટમાં હાલની મોટાભાગની નીતિઓને સુધારાવધારા સાથે જાળવવામાં આવી છે. બે હેક્ટર સુધી ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી પીએમ-કિસાન) પ્રોગ્રામ દેશનાં કૃષિ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપશે. એમએસએમઇ માટે ૫૯ મિનિટમાં ઓનલાઇન બેંક લોનની યોજનો સફળતાપૂર્વક અમલ થશે તો આ ક્ષેત્રને મોટી મદદ મળશે. કેન્દ્રીય નાણાં મંત્રીએ ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ) મારફતે રૂ. ૧૭,૫૦૦ કરોડનાં વ્યવહારો થયા હોવાની જાહેરાત સરકારની ડિજિટલ ઇન્ડિયા માટેની પહેલ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી છે. તમામ પ્રકારની કપાત પછી રૂ. ૫ લાખ સુધીની આવકને કરમુક્તિ આપવાનું પગલું આવકારદાયક છે. સંરક્ષણ ક્ષેત્ર માટે અત્યાર સુધી સૌથી વધારે રૂ.ત્રણ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા અતિ જરૂરી હતી. સંપૂર્ણપણે જોઈએ તો બજેટ દેશ માટે સર્વસમાવેશક વૃદ્ધિનો પાયો નાંખે છે. દરમ્યાન નાસ્કોમ, ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન શ્રી જૈમિન શાહે બજેટની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રીએ વર્ષ ૨૦૧૯નાં વચગાળાનાં બજેટમાં આઇટી ક્ષેત્રને અતિ જરૂરી વેગ પ્રદાન કર્યો છે. ૨૪ કલાકની અંદર ઇન્કમટેક્ષ રિફંડ, દેશમાં એક લાખ ડિજિટલ ગામડાઓ ઊભા કરવા જેવી જાહેરાતોથી આ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે. અમને એ જાણીને આનંદ થયો છે કે, ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ(જીઇએમ) મારફતે રૂ. ૧૭,૫૦૦ કરોડથી વધારેનાં નાણાકીય વ્યવહારો થયા છે, જે સરકારે છેલ્લાં બે વર્ષથી એમએસએમઇ ક્ષેત્ર દ્વારા તેમનાં ઉત્પાદનોનું પારદર્શક અને અસરકારક રીતે કરવા ઓનલાઇન પ્લટેફોર્મ ઊભું કર્યું છે. ઉપરાંત સરકારે જાહેરાત કરી કે, હવેથી આ પ્લેટફોર્મ તમામ સેન્ટ્રલ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (સીપીએસઇ)ને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્લેટફોર્મનાં સફળ અમલ માટે નાસ્કોમનો પણ ફાળો રહેલો છે. ઉપરાંત, નેશનલ પ્રોગ્રામ ઓન આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ ચલાવવા નેશનલ સેન્ટર ઓન આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે, જે સરકાર લોકોનાં લાભ માટે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જેવી નવી ટેકનોલોજીઓનો અમલ કરવા ગંભીર પ્રયાસો કરી રહી છે એવું દર્શાવે છે. આમ, સમગ્ર બજેટ એકંદરે વિકાસલક્ષી, ભારે સંતુલિત અને લોકપ્રિય કહી શકાય.

Related posts

ગુજરાત : વર્તમાન ધારાસભ્યો પૈકી અનેકની ટિકિટ કપાય તેવી શક્યતા

aapnugujarat

૧૨મીએ ગુજરાત આવશે મોદી, ડભોઈમાં થશે નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ

aapnugujarat

વિશ્વભરમાં ૨૫૩ અબજ લોકો અંધત્વથી પીડાય છે : દ્રષ્ટિ દિનની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1