Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા અને આશા ફેસીલેટર ૩૭ બહેનોનું બહુમાન કરાયું

આરોગ્યક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા અને આશા ફેસીલેટર ૩૭ બહેનોનું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર સહિત અન્ય મહાનુભાવોનાં હસ્તે પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. જિલ્લામાં ૯૨૮ આશાબહેનો અને ૮૫ આશા ફેસીલેટર બહેનો ફરજ બજાવે છે.
વેરાવળ ખાતે ગીર-સોમનાથ જિલ્લાનાં આશા અને આશા ફેસીલેટર બહેનોનાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આયોજીત જિલ્લાકક્ષાનાં સંમેલનમાં આરોગ્યક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આશા બહેનોની કામગીરીને બિરદાવી રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાએ કહ્યું કે, બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા આશા બહેનો નવી આશા લઇને આવી છે. મહિલા અને બાળ કલ્યાણ સાથે છેવાડાની બહેનોને આરોગ્ય સેવા આપવા આશા બહેનો પ્રતિબધ્ધ છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે આશા બહેનોનાં આરોગ્ય વિષયક જ્ઞાન અને કૈાશલ્યથી પ્રભાવિત થઇ કહ્યું કે, આપણું લક્ષ્ય શુન્ય માતા અને બાળ મૃત્યુદરનું હોવું જોઇએ અને તેને પાર પાડવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમ ડો.ભરત આચાર્યના વડપણ હેઠળ પ્રતિબધ્ધ છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરાએ આશા બહેનોની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે જિલ્લાનાં છ તાલુકાની આશા બહેનો દ્વારા નાટક અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં નાટય સ્પર્ધામાં તાલુકા હેલ્થ ઓફીસ વેરાવળની બહેનોએ રસીકરણ કાર્યક્રમ ઉપર નાટક રજૂ કરી પ્રથમ સ્થાને, ૨૦૨૨ માં મેલેરીયા મુક્ત ગુજરાતની થીમ સાથે સુત્રાપાડા હેલ્થ ઓફીસની ટીમ બીજા સ્થાને અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ થીમ સાથે કોડીનારનાં તાલુકા હેલ્થ ઓફીસે રજૂ કરેલ નાટક તૃતીય સ્થાને વિજેતા થયા હતા. જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં ગીરગઢડાનાં રેખાબેન જેઠવા પ્રથમ સ્થાને, કોડીનારનાં ભાવનાબેન જાદવ બીજા સ્થાને અને ઉનાનાં ગઢદરા ઇલાબેન તૃતીય સ્થાને વિજેતા થયા હતા. વિજેતાઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.
આશા સંમેલનમાં એક હજારથી વધુ બહેનો સહભાગી થઇ આરોગ્ય વિષયક પ્રવૃતિથી વાકેફ થવા સાથે તેમણે વર્ષ દરમ્યાન કરેલ કામગીરીની જિલ્લાતંત્ર દ્વારા લેવાયેલ વિશિષ નોંધની સરાહના કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બાબુભાઇ વાઘેલા, જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શ્રીમતી મણીબેન રાઠોડ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, અગ્રણી ડાયાભાઇ જોલંધરા, નારણભાઇ રાઠોડ સહિત આરોગ્ય વિભાગનાં તબિબોનાં હસ્તે આશા બહેનોનું સન્માન કરાયું હતું. નિર્ણાયક તરીકે એ.કે.ઠાકર, મંજૂલાબેન, કિરણબેન અને મધુબેને ફરજ બજાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ સ્વાગત પ્રવચન સાથે આશા બહેનોની કામગીરી અંગે વિગતો આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.બી.બામરોટીયાએ આભારવિધિ અને કાર્યક્રમનું સંચાલન દિપક નિમાવતે કર્યું હતું.
આશાબહેનોની કામગીરી
ગીર-સોમનાથ જિલ્લામાં ૯૨૮ આશાબહેનો અને ૮૫ આશા ફેસીલેટર બહેનો ફરજ બજાવે છે. દર એક હજારની વસ્તીએ એક આશા બહેન ફરજ બજાવે છે. આશાએ પોતાનાં વિસ્તારનાં ઘરની મુલાકાત કરવાની હોય છે. આશાએ ગ્રામ્ય આરોગ્ય અને પોષણદિનમાં હાજરી આપવી. (મમતા દિવસ), આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવી ઉપરાંત ગ્રામ્યકક્ષાની બેઠક યોજવી (GSS), રેકોર્ડ જાળવવા, ગ્રામ્ય આરોગ્ય રજીસ્ટર, આશા ડાયરી, દવા-પેટી અને ડ્રગ કીટ, સ્ટોક રજીસ્ટર નિભાવણીની કામગીરી કરવાની હોય છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

सहवाग से रोहित की तुलना करना गलत : उथप्पा

aapnugujarat

અમરેલીમાં પીવાનું પાણી નથી મળી રહ્યું

editor

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૩ નાં રોજ કાજલી ખાતે યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1