Aapnu Gujarat
ગુજરાત

પોસ્ટના કર્મચારીે ખાતેદારના પૈસા ઘર ભેગા કરતાં ચકચાર

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ખાતેદારોએ જમા કરેલા રૂપિયાની બારોબાર ઉચાપત થઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને પોસ્ટઓફિસના સ્થાનિક ખાતેદારોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ હતી, જેને પગલે છેવટે સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટે બે ખાતેદારોના ૧.૩૮ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લીધા હોવાની વાત સામે આવતાં સમગ્ર મામલો પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. જેને પગલે પોસ્ટઓફિસ સત્તાધીશો દ્વારા આરોપી કર્મચારી વિરુદ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ગોતા વિસ્તારમાં આવેલ કામેશ્વર એલીગન્સમાં રહેતા અને પોસ્ટ ડીપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા જીનેશભાઇ પટેલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર વાઘેલા વિરુદ્ધમાં ઉચાપતની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અમરાઇવાડી પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર વાઘેલાએ ૧.૩૮ લાખ રૂપિયા ગ્રાહકોના પોસ્ટમાં જમા નહીં કરાવતા પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી નાંખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કલેક્ટર દ્વારા રિકરીંગ એજન્ટની નિમણૂક કરવામાં આવી છે, જેમનું કામ ખાતેદારો પાસેથી રૂપિયા લઇને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું હોય છે. બે મહિના પહેલાં રીકરીંગ એજન્ટોએ ખાતેદાર કે.એસ.પટેલ અને ટી.ડી.પટેલ પાસેથી ૧.૩૮ લાખ રૂપિયા અલગ અલગ તારીખે લઇને પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટ ધર્મેન્દ્ર વાઘેલાને આપ્યા હતા. ધર્મેન્દ્ર વાઘેલાએ રૂપિયા રિસીવ થયા હોવાની સ્લિપ એજન્ટને આપી હતી. પરંતુ બાદમાં ધર્મેન્દ્રએ આ રૂપિયા પોસ્ટ વિભાગમાં જમા કરાવવાની જગ્યાએ તેનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો હતો. ખાતેદારોના રૂપિયા જમા નહીં થતાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે ધર્મેન્દ્રએ ૧.૩૮ લાખ રૂપિયા ઉચાપત કરી છે. જેને પગલે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઇકાલે જીનેશભાઇએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર વિરુદ્ધમાં ઉચાપતની ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને પગલે સ્થાનિક ખાતેદારોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સિનિયર સીટીઝન અને વૃધ્ધ ખાતેદારોમાં એક પ્રકારે ચિંતાની લાગણી પ્રસરી હતી.

Related posts

રેલ્વેનો જુનો અને જર્જરીત ઓવર બ્રિજ તુટ્યો

editor

પાકે ભારત સાથે ગદ્દારી કરી છે : મુસ્લિમો દેશની સાથે છે

aapnugujarat

વગડીયા નળખંભા રોડ પર ડમ્પર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

editor

Leave a Comment

UA-96247877-1