Aapnu Gujarat
બ્લોગ

ભારત અને રશિયા વચ્ચે એૈતિહાસિક સંબંધ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેઓ વિશ્ર્‌વના દેશો વિરુદ્ધ આક્રમક બન્યા છે. ભારત પણ આમાંથી બાકાત નથી. ટ્રમ્પ ભારતને રશિયા પાસેથી શસ્ત્રો તથા બીજો સંરક્ષણ સરંજામ નહીં ખરીદવાનું દબાણ કરી રહ્યા છે. પરંતુ ભારત માટે રશિયા પણ અમેરિકા જેટલું જ મહત્ત્વનું અને જૂનું મિત્ર છે. ત્યારે ભારત માટે આ સમય ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાની વિદેશનીતિ પર આગળ વધવાનો છે.અમેરિકાની નીતિ વરસોથી પોતાનાં હિતો સાચવવાની છે અને પોતાનાં હિતો સાચવવા અમેરિકા ગમે તે હદે જઈ શકે છે. પોતાની સાથે તાલ ના મિલાવી શકતા દેશોને દબડાવવાથી માંડીને તેમના પર આક્રમણ કરવા સુધીના ધંધા અમેરિકા કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેમણે વધારે આક્રમકતા બતાવવા માંડી છે અને દુનિયાના દેશોને દબાવવા રીતસરની ધમકીઓ જ આપવા માંડી છે. ભારત પણ ટ્રમ્પની આ નીતિનો ભોગ બન્યું છે ને ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી શસ્ત્રો તથા બીજો સંરક્ષણ સરંજામ નહીં ખરીદવા દબાણ કરી રહ્યું છે.રશિયામાં બનેલાં હથિયારો અને બીજો સંરક્ષણ સરંજામ ભારતની સુરક્ષાની જ?રિયાતોને લાંબા સમયથી સંતોષે છે પરંતુ અમેરિકાને સીરિયાના મામલે રશિયા સાથે વાંકું પડ્યું પછી અમેરિકાએ ભારતને રશિયા સાથેના સંબંધોમાં કાપ મૂકવા દબાણ શરૂ કર્યું છે.
અમેરિકાના આ દબાણને કારણે ભારતની હાલત બગડી છે ને ભારતે વચલો રસ્તો શોધવો પડે તેવી સ્થિતિ છે કેમ કે ભારત માટે અમેરિકા અને રશિયા બંને મહત્ત્વનાં છે. અમેરિકાનું દબાણ એટલું બધું છે કે, અમેરિકાએ ભારત રશિયા સાથેના શસ્ત્ર સોદાઓ પર પ્રતિબંધ ના મૂકે ત્યાં લગી ભારત અને અમેરિકાના સંરક્ષણ મંત્રીઓ તથા વિદેશ મંત્રીઓની સંયુક્ત ટુ પ્લસ ટુ મંત્રણા પણ સ્થગિત કરી દીધી છે. આ મંત્રણા ગયા મહિને થવાની હતી પણ રશિયા મામલે મડાગાંઠ પડી પછી અમેરિકાએ આ મંત્રણા મામલે ઠાગાઠૈયા શરૂ કર્યા અને મંત્રણા રદ કરી. એ પછી જૂનમાં ફરી મંત્રણા કરવાનું નક્કી થયું પણ અમેરિકાએ ફરી દાવ કરીને મંત્રણા રદ કરી. એ પછી ૧૬ જુલાઈએ વોશિંગ્ટનમાં ફરી મંત્રણા કરવાનું નક્કી કર્યું પણ અમેરિકાએ આ વખતે ફરી મંત્રણા સ્થગિત કરી દીધી છે. આમ અમેરિકાએ ત્રીજી વાર આ મંત્રણા સ્થગિત કરી છે. અમેરિકાએ આ દાવ કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, રશિયા સાથેના સંબધો મર્યાદિત નહીં કરાય તો આવું જ થતું રહેશે.
અમેરિકામાં કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્ઝરિઝ થ્રુ સેન્ક્‌શન્સ એક્ટ નામનો કાયદો છે. અમેરિકી પોતાને માફક ના આવે તેવા દેશો પર આ કાયદા હેઠળ પ્રતિબંધો ઠોકે છે. અમેરિકાના આ કાયદા અનુસાર રશિયા સાથે મોટો સંરક્ષણ સંબંધી સોદો કરતા દેશ પર અમેરિકી પ્રતિબંધ લગાવી શકાય છે. અમેરિકા આ કાયદા અંતર્ગત જ દબાણ સર્જીને ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતું અટકાવવા માંગે છે પણ ભારત માટે એ શક્ય નથી. તેનું કારણ એ કે ભારત વર્ષોથી રશિયન હથિયારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતું રહ્યું છે અને ભારતીય લશ્કર રશિયન હથિયારો પર નિર્ભર છે. છેક ૧૯૬૦ના દાયકાથી જ રશિયા ભારતની હથિયાર અને સુરક્ષા સંબંધી નાનીમોટી જ?રિયાતો પૂરી કરતું આવ્યું છે. રશિયામાં નિર્માણ થયેલા હથિયારોનો ઉપયોગ ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં વ્યાપક રીતે થઈ રહ્યો છે. ભારતના સૌથી મોટા શસ્ત્રોના સપ્લાયર તરીકે રશિયા ભારતને મોટા પ્રમાણમાં મદદ કરે છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. આમ માત્ર હથિયારો જ નહીં પણ સંરક્ષણની ટેકનોલોજી માટે પણ ભારત રશિયા પર નિર્ભર છે.
ભારત અને રશિયાની નિકટતાનાં કારણો બધાં જાણે છે. ૧૯૫૦ના દાયકાથી જ ભારત અને અમેરિકા વચ્ચે અંતર બનવા માંડેલું કેમ કે અમેરિકાને લશ્કરી રીતે સંપૂર્ણપણે પોતાના પર નિર્ભર દેશો સાથી તરીકે જોઈતા હતા ને ભારતને એ મંજૂર નહોતું. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું લશ્કરી સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો અને પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું. ભારતના ઇન્કાર પાછળનું કારણ એ કે ભારત જાપાન કે યુરોપની જેમ અમેરિકાનું ભાગીદાર બની શકે એમ નથી. આ દેશોને અમેરિકા સુરક્ષા પૂરી પાડે છે અને લશ્કરી રીતે આ દેશો સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે.
ભારત પરમાણુ હથિયારોથી સજ્જ અને લશ્કરી રીતે અત્યંત બળવાન છે. તેથી ભારતને અમેરિકાના સુરક્ષા છત્રની જરૂર નથી. ભારતની પોતાની સુરક્ષા ચિંતાઓ છે અને વ્યૂહાત્મક જ?રિયાતો છે જે અમેરિકા, જાપાન કે યુરોપના દેશો કરતાં અલગ છે. ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોના કારણે પણ ભારતે લશ્કરી રીતે સ્વનિર્ભર જ રહેવું પડે તેથી ભારતની નીતિ વ્યાજબી જ છે.અત્યારે જે સ્થિતિ છે તેમાં ભારતે મક્કમ વલણ લેવું પડે તેમ છે. તેનું કારણ એ કે અમેરિકા ગમે તેટલું દબાણ સર્જે પણ ભારતની અવગણના કરવી તેને પરવડે તેમ નથી. એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શ? થઈ ગયા હતા અને એટલે જ પરમાણુ કરાર કર્યા હતા.
અમેરિકાની એકાધિકારવાદી વિદેશ નીતિઓના કારણે તેમણે દુનિયાના દરેક ખૂણામાં કોઈ ને કોઈ સાથીદારની જરૂર હોય છે. અમેરિકાને ચીનની પણ ચિંતા છે. ચીન માત્ર આર્થિક મહાસત્તા જ નહીં લશ્કરી મહાસત્તા પણ છે. વિશ્ર્‌વકક્ષાએ ચીનના વધી રહેલા પ્રભાવને રોકવા અમેરિકા ભારત સાથે સહયોગ વધારવા ઇચ્છે છે. બીજું એ પણ છે કે ભારતનું બજાર એટલું મોટું છે કે, અમેરિકા કે કોઈ પણ બીજો દેશ ભારતની અવગણના ના કરી શકે. ભારતે બીજી પણ એક વાત સમજવી પડે કે, અમેરિકાના દબાણ હેઠળ ભારત રશિયાથી દૂર જાય તો રશિયા ચીન તરફ ઢળે.
ચીન અત્યારે પાકિસ્તાન સાથે નિકટતા ધરાવે છે એ સંજોગોમાં રશિયા, ચીન અને પાકિસ્તાનની ધરી રચાય. આ ધરી ભારતને ફાયદાકારાક નથી. ભારત રશિયા પાસેથી સસ્તાં શસ્ત્રો ખરીદે છે તે ફટકો તો પડે જ પણ એ શસ્ત્રો પાકિસ્તાન પાસે જાય તો વધારે નુકસાન થાય. આ સંજોગોમાં રશિયા સાથેની દોસ્તી આપણ માટે જરૂરી છે.મોદી સરકારે આ મામલે યોગ્ય નીતિ અપનાવી છે. અમેરિકાના દબાણમાં આવીને રશિયા સાથેના સુરક્ષા સોદા સીમિત કરવાના બદલે તેમણે અમેરિકાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે વ્યૂહાત્મક બાબતોમાં ભારતની પોતાની અલગ નીતિઓ છે અને એના ભોગે અમેરિકા સાથે સંબંધ રાખવાનું ભારતને પરવડે એમ નથી. ભારત આઝાદીથી અત્યાર લગી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વર્ત્યું છે ને આ નીતિ તેને અનરૂપ જ છે.
અમેરિકા સાથે પણ ભારતનાં આર્થિક હિતો મોટા પાયે સંકળાયેલાં છે. ભારતમાં અમેરિકાની કંપનીઓનાં મોટા પ્રમાણમાં હિત છે તેથી ટ્રમ્પનો ભારત તરફી ઝુકાવ વધ્યો છે. ટ્રમ્પ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ બહાર પાડી તેમાં પણ ભારત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસિફિક નીતિ દ્વારા ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ભારત તરફ હકારાત્મક વલણ ચાલુ રહેશે. આ રીતે ભારત અમેરિકાની નજીક ગયું છે પણ રશિયા મામલે ભારત અમેરિકાની ચેતવણીની અવગણના કરે તો અમેરિકા ભારત પર પ્રતિબંધો લાદી શકે ને તેની ખરાબ અસરો પડે.રશિયા અને ભારત વચ્ચે થનારા આ સંરક્ષણ કરારથી જગતજમાદાર અમેરિકાના પેટમાં તેલ રેડાઈ રહ્યુ છે. તો પાકિસ્તાન પણ પરેશાન દેખાઈ રહ્યુ છે. અમેરિકાએ આ કરારથી નારાજગી વ્યક્ત કરી છે. આ ડીલ ન થાય તે માટે પહેલા થી જ અમેરિકા ભારત પર દબાણ વધારી રહ્યુ છે. અમેરિકા પહેલા પણ ઘણા દેશોને રશિયા સાથે વ્યાપાર ન કરવાની સલાહ આપી ચુક્યુ છે. પરંતુ અમેરિકાની નારાજગી છતા ભારત રશિયાથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા તૈયાર છે અને તેનું એક કારણ ભારત-રશિયા વચ્ચેના જુના સંબંધો છે.ભારતના દરેક ચઢાવ-ઉતારમાં રશિયા ભારતની નજીક રહ્યું છે. આઝાદીથી માંડીને આજ દિવસ સુધી ભારતનાં હિતોને નુકસાન જાય એવું કંઇ જ રશિયાએ કર્યું નથી. જોકે હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે.
અમેરિકા તરફ ભારતનો ઝુકાવ રશિયાથી સહન ન થાય એ સ્વાભાવિક છે. જોકે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો નીવડેલા છે. આ સંજોગોમાં રશિયા ભારતથી દૂર થાય એ આપણને પોષાય તેમ નથી. સામા પક્ષે ભારત રશિયા માટે સંરક્ષણ સામગ્રી અને હથિયારોનું મોટું બજાર છે. પાકિસ્તાન આજકાલ રશિયાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યું છે. થોડા સમય અગાઉ જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને એવી જાહેરાત કરી હતી કે પાકિસ્તાન રશિયા પાસેથી લડાકુ વિમાન અને ટેન્ક લેવાનું વિચારી રહ્યું છે. પાકિસ્તાન હમણાં સુધી અમેરિકાની તમામ પ્રકારની મદદ પર નભતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. અમેરિકાએ તો પાકિસ્તાનને એક વખત નહીં પણ અનેક વખત સુધરી જવાની ચેતવણી આપી છે. પાકિસ્તાન ચીનની પડખામાં તો ક્યારનું ઘૂસી ગયું છે. હવે પાકિસ્તાન રશિયાને રીઝવવાના પ્રયાસ કરી રહ્યું છે.આપણા દેશની નીતિ પહેલેથી કોઇ સાથે સંબંધ બગાડવાની રહી નથી. કુદરતે આપણને પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓ આપ્યા છે એટલે આપણે પણ અમુક સ્ટ્રેટેજિક રિલેશન મેન્ટેન કરવા પડે. આપણા સંરક્ષણ સોદાઓમાં હથિયારોની મોટા ભાગની ખરીદી હજુ પણ આપણે રશિયા પાસેથી જ કરીએ છીએ. અમેરિકાની દાનત રશિયાના હિસ્સામાંથી ભાગ પડાવવાની રહી છે.અમેરિકા એવો દેશ છે જે સૌથી પહેલા પોતાનું જ વિચારે છે. અમેરિકાએ પરમાણુ કરાર મુદ્દે ઇરાન સાથેના સંબંધો તોડ્યા છે. ઇરાન પર પ્રતિબંધોની સીધી અસર આપણા દેશ પર પડી શકે છે. બદલાઇ રહેલા આંતરરાષ્ટ્રીય સંબંધો દરમિયાન જૂના સાથીઓ આપણી પડખે હોય એ જરૂરી છે. હવે તો આતંરરાષ્ટ્રીય સંબંધો બજાર ઉપર આધારિત થઇ ગયા છે. દરેકને પોતાનો માલ વેચવા બજાર જોઇએ છે, ખરીદીના આંકડાને આધારે જ સંબંધોની તીવ્રતા નક્કી થાય છે. સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર ભારત પોતાની જરૂરિયાતના ૬૮ ટકા હથિયાર રશિયા પાસેથી ખરીદે છે.અમેરિકા પાસેથી ૧૪ ટકા અને ઇઝરાયલ પાસેથી ૮ ટકા. આ આંકડો ૨૦૧૨થી ૨૦૧૬ વચ્ચેનો છે.સ્પષ્ટ છે કે ભારતના હથિયાર બજારમાં અમેરિકા અને ઇઝરાયલની એન્ટ્રી છતાં રશિયાનો કોઈ મુકાબલો નથી. તેવામાં અમેરિકાના પ્રતિબંધથી બન્ને દેશોની ચિંતા સ્વાભાવિક છે.ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી દોસ્તીનો સંબંધ છે. આઝાદી પછી રશિયાએ આગળ આવીને ભારતને આર્થિક તેમજ વ્યૂહાત્મક મદદ કરી છે એ જગજાહેર છે.ભારતીય ખાતર ઉદ્યોગથી માંડીને સૈન્યની ટેન્કો તથા મિગ કે સુખોઈ વિમાનો સુધી દરેક સામગ્રી પર રશિયાની છાપ રહી છે.ભારતીય હથિયાર ઉદ્યોગ આજે પણ રશિયા પર મોટાપાયે નિર્ભર છે.એ ઉપરાંત એવા કેટલાય ભારતીયો છે જેમણે ’ગાઢ દોસ્તી’ના સમયગાળામાં રશિયા આવીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.આજની હકીકત એ છે કે બન્ને દેશોએ દોસ્તી તથા પારસ્પરિક સહયોગનો ગર્વ લેવા ઉપરાંત નવા દોસ્તો પણ શોધી લીધા છે.પાછલા બે દાયકામાં ભારતીય અર્થતંત્ર વિકસ્યું છે અને ભારતે અમેરિકા તથા પશ્ચિમના અન્ય દેશોમાં દિલચસ્પી વધારી છે.
રશિયાએ પણ યુરોપ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર અત્યંત ઓછો હોવાનું કારણ પણ કદાચ આ જ છે.દાખલા તરીકે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારત-રશિયા વચ્ચેનો વેપાર છથી સાત અબજ ડોલરની આસપાસ રહ્યો છે.અમેરિકા સાથેના ભારતના વેપારની સાથે સરખામણી કરીએ તો રશિયા સાથેનો વેપાર ચપટી જેટલો ગણાય.
૨૦૧૭માં ભારત અને અમેરિકા વચ્ચે લગભગ ૬૭ અબજ ડોલરનો વેપાર થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે તમામ નવા કરારો બાબતે સહમતિ સધાઈ છે.રશિયાએ શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન જેવા મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની રશિયાની ઔપચારિક તથા અનૌપચારિક મુલાકાતોમાં ભારપૂર્વક જણાવી ચૂક્યા છે કે બન્ને દેશો દોસ્તીનો નવો દાખલો બેસાડશે.આર્થિક સહકારની વાતો પણ થઈ છે અને શસ્ત્રોની ખરીદી બાબતે નવા કરારો પણ થયા છે.જોકે, બન્ને દેશો વચ્ચે શીતયુદ્ધના સમયગાળામાં જે ગાઢ સંબંધ હતો એવો ગાઢ સંબંધ કાયમ રહેશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

Related posts

HINDI POEM

aapnugujarat

પૉલિગ્રાફ ટેસ્ટઃ જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર?

aapnugujarat

ભાજપ પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવા કાયદા શું કામ ઘડે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1