Aapnu Gujarat
ગુજરાત

સફાઈ કર્મીઓએ હડતાળ સમેટી

સફાઇ કર્મચારીના વારસદારોને નોકરી સહિતની વિવિધ સોળ પડતર માગણીને લઇને શહેરના પંદર હજાર સફાઇ કર્મચારી છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતર્યા હતા. જો કે, આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને નોકરમંડળના પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી સમાધાનકારી બેઠકના અંતે સત્તાતંત્ર તરફથી સંતોષકારક હૈયાધારણ મળતાં નોકરમંડળે સફાઇ કામદારોની હડતાળ સમેટી લેવાના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી સફાઇ કામદારોની હડતાળ સમેટાતાં અમ્યુકો તંત્રની સાથે સાથે શહેરના લાખો નાગરિકોએ પણ રાહતનો દમ લીધો હતો. નોકરમંડળના પદાધિકારીઓ અને સફાઇ કામદારોએ શહેરને ફરીથી સ્વચ્છ બનાવવાની નેમ લઇ કાર્યરત થવાની જાહેરાત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓની હડતાળ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી. મોટાભાગના કર્મચારીઓએ હડતાળ રાખી મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, ગઇકાલે હડતાળ દરમ્યાન સફાઇ કામદારોએ મર્યાદા ઓળંગીને શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ગંદો કચરો અને ઉકરડો ઠાલવી જાહેર ગંદકી ફેલાવવાનો ગંભીર અપરાધ કર્યો હતો, જેને લઇ અમ્યુકો સત્તાવાળાઓ ભારે રોષે ભરાયા હતા. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સફાઇ કામદારોની આવી ગંદી હરકતથી ખિન્ન થયા હતા અને તેમણે અધિકારીઓને જવાબદાર સફાઇ કામદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાના તાત્કાલિક આદેશો જારી કર્યા હતા. જેને પગલે શહેરના વટવા, રામોલ, ખોખરા સહિતના પોલીસ સ્ટેશનમાં કસૂરવાર સફાઇ કામદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદના મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાએ સફાઇ કામદારોની હડતાળને લઇ આકરું વલણ અપનાવ્યું હતું. બીજીબાજુ, નોકરમંડળના પદાધિકારીઓ પણ સફાઇ કામદારો દ્વારા જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવાના કૃત્યથી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. દરમ્યાન આજે મ્યુનિસિપલ કમિશનર અને નોકરમંડળના પદાધિકારીઓ વચ્ચે મહત્વની સમાધાનકારી બેઠક યાજોઇ હતી. મ્યુનિસિપલ કમિશનર તરફથી સફાઇ કામદારો ફરજમાં નિયમિત બને અને શિસ્તતાપૂર્વક પ્રશ્નોની રજૂઆત કરે તો તંત્ર દ્વારા ચોક્કસ તેને ધ્યાને લેવાશે અને તેના નિરાકરણની દિશામાં પ્રયાસ કરાશે તેવી હૈયાધારણ અપાતાં નોકરમંડળના પદાધિકારીઓ દ્વારા આખરે સફાઇ કામદારોની હડતાળ સમેટી લેવાની જાહેરાત કરાઇ હતી અને તમામ સફાઇ કામદારોને તાત્કાલિક અસરથી કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. બીજીબાજુ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા ત્રણ દિવસ સફાઇ કામદારોની કામગીરીના અભાવે શહેરીજનોને જે તકલીફ અને હાલાકી ભોગવવી પડી અને તેમાં જરૂરી સહકાર આપ્યો તે બદલ નગરજનોનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

Related posts

પલસાવાળા રેલવે લાઈનના ક્રોસિંગ બંધ રાખવાનો નિર્ણય મૌકુફ રખાયો

editor

થરા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈનું સન્માન કરાયું

aapnugujarat

सूरत में पति ने पत्नी समेत अपने 3 बच्चों पर फेंका तेजाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1