Aapnu Gujarat
બ્લોગ

ખેડૂતોને રાજી કરવાના ખેલ

પહેલાં કેન્દ્ર સરકાર અને ત્યારબાદ કર્ણાટક સરકાર ખેડૂતો પર ઓળઘોળ થઈ ગઈ તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બધા રાજકીય પક્ષો પોતાનાં અસ્ત્ર-શસ્ત્રોને ધાર કાઢવા માંડ્યા છે. તેના ભાગરૂપે ખેડૂતોને રાજી કરવાના ખેલ શરૂ થયા છે એ કહેવાની જરૂર નથી. આ ખેલનો રાજકીય ફાયદો મળે ને આ ખૈરાત મતોમાં રૂપાંતરિત પણ થાય એ માટેના ખેલ પણ શરૂ થઈ ગયા છે. ગુજરાતીમાં કહેવત છે કે લાલો લાભ વિના લોટે નહીં ને રાજકારણીઓ તો લાભ વિના કોઈની સામે હસે પણ નહીં ત્યારે આટલા ઓળઘોળ અમસ્તા ના જ થાય.કેન્દ્રની ભાજપ સરકારે બુધવારે અલગ અલગ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાની જાહેરાત કરી ત્યારે ખેડૂતોના ફાયદામાં બહુ મોટો નિર્ણય લીધો હોય ને ખેડૂતોને બહુ મોટો ફાયદો કરાવી આપ્યો હોય એવી હોહા કરી નાંખેલી. છેલ્લાં દસ વરસમાં અલગ અલગ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં ક્યારેય આટલો જંગી વધારો થયો નથી તેવા દાવા પણ થયા ને આ ભાવવધારાના કારણે ખેડૂતોને લીલાલહેર થઈ જશે તેવા દાવા પણ કરાયા. વડા પ્રધાન મોદીએ ચૂંટણી વખતે ખેડૂતોને આપેલું વચન પાળ્યું છે ને ૨૦૨૨ લગીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ મોટું કદમ છે તેવી વાતો પણ થઈ. રાજકીય પક્ષો આવા અતિશયોક્તિભર્યા દાવા કરતા જ હોય છે તેથી ભાજપ પણ એવા દાવા કરે તેમાં કશું નવું નથી પણ એ દાવામાં ઝાઝો દમ નથી.વાસ્તવમાં તો અલગ અલગ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) જાહેર કરવા એ એક રૂટિન સરકારી પ્રક્રિયા છે ને દર વર્ષે કેન્દ્ર સરકાર એ જાહેરાત કરતી જ હોય છે.
દર વર્ષે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજીને તેમાં થોડો ઘણો વધારો પણ કરી દેતી હોય છે. કેન્દ્ર સરકારની વેબસાઈટ પર જોશો તો છેલ્લા દસ વરસના અલગ અલગ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ના આંકડા મળી જશે. એ જોશો તો સમજાશે કે મોદી સરકારે કશું નવું કર્યું નથી ને જે વધારો કર્યો એ પણ એવો જોરદાર નથી કે ખેડૂતોને લીલાલહેર થઈ જાય. ખેર, અત્યારે માર્કેટિંગનો જમાનો છે ને ભાજપ માર્કેટિંગમાં પાવરધો છે તેથી આ બધા ખેલ કરે છે. ભાજપના માર્કેટિંગને સાચું માનવું કે નહીં એ ખેડૂતોએ નક્કી કરવાનું છે. એક રાજકીય પક્ષ તરીકે ભાજપને પોતાની નાની વાતને પણ બઢાવી ચઢાવીને મોટી બનાવવાનો હક છે ને ખેડૂતોને તે માનવી કે ના માનવી એ હક છે. ખેડૂતો ભાજપની વાતોમાં આવી ગયા કે નહીં તેની ખબર લોકસભાની ચૂંટણીમાં પડવાની જ છે એ જોતાં અત્યારે તેના વિશે વાત કરવાનો અર્થ નથી.અત્યારે જે મુદ્દો છે એ ખેડૂતોને થઈ રહેલા સ્પૂન ફિડિંગનો છે અને આ સ્પૂન ફિડિંગ રાજકારણીઓની પોતાની નિષ્ફળતા ઢાંકવા કરાય છે. ખેડૂતો લોન માફીની માગણી કરે ત્યારે ઘણાંનાં ભવાં ખેંચાતાં હોય છે. આ રીતે સરકારી તિજોરી લૂંટાવવાથી કંઈ નહીં વળે એવી કોમેન્ટ્‌સ પણ થતી હોય છે પણ ખેડૂતોને લોન માફી કેમ અપાય છે તે સમજવા જેવું છે. આ લોન માફી રાજકીય ફાયદા માટે તો છે જ પણ વધારે તો આપણા શાસકોની નિષ્ફળતાના કારણે છે. આપણે આઝાદ થયાં તેને ૭૦ વર્ષ થયાં છતાં હજુ પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોને બાદ કરતાં મોટા ભાગનાં રાજ્યોમાં ખેતી વરસાદ પર નિર્ભર છે. વરસાદ સારો પડે તો ખેતી સારી થાય ને વરસાદ સારો ના પડે તો ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવે. આ સ્થિતિ માટે આપણા શાસકો જવાબદાર કહેવાય ને તેમણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ આપણા શાસકો એવી સ્થિતિ પેદા નથી કરી શક્યા કે વરસાદ પડે કે ના પડે, ખેડૂત ચિંતા કર્યા વિના ખેતી કરી શકે. આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ આ દેશમાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી તેની આ બધી મોકાણ છે. હરિયાણા ને પંજાબ જેવાં રાજ્યોમાં સિંચાઈની પૂરતી સગવડો છે તો ત્યાં ખેડૂતોને લીલાલહેર છે ને આવી કોઈ મોંકાણ નથી. જ્યાં આવી સગવડો નથી એ રાજ્યોમાં વરસાદ સારો ના પડે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. પરિણામે ખેડૂતો લોન ભરી શકતા નથી ને તેમણે ભૂખે મરવાનો વારો આવે છે. આ સ્થિતિ દર બે વર્ષે સર્જાય છે કેમ કે આપણે ત્યાં વરસાદનું કંઈ નક્કી નથી. આ સ્થિતિ નિવારવા સરકારે સિંચાઈની વ્યવસ્થા કરવી પડે પણ એ થતું નથી કેમ કે રાજકારણીઓમાં વિઝન નથી. એ લોકો વાતોનાં વડાં બહુ કરે છે. ઈઝરાયલમાં રણ છે છતાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને ક્યાં નંદનવન બનાવાયું છે એવું આપણે પણ કરી દઈશું એવી ગોળીઓ પણ બહુ ગળાવે છે પણ તેમનાથી કશું થતું નથી. તમે વિચાર તો કરો કે ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે ને છતાં ત્યાં આ વરસે પાણી જ ખૂટી ગયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને આ વરસે ઉનાળાના ત્રણ મહિના લગી ખેતી નહીં કરવા કહેવું પડ્યું. રૂપાણી નિખાલસ હતા તે તેમણે ખેડૂતોને સાચી સલાહ આપી, બીજા લુચ્ચા રાજકારણીઓ સાચું બોલતા નથી. બાકી હાલત તો બધે સરખી જ છે. ખેડૂતો દેશનાં લોકોની અનાજ તથા બીજી જરૂરિયાતો પૂરી કરવા દિનરાત મથે છે પણ તેમની મુખ્ય જરૂરિયાત આપણે પૂરી કરી શકતા નથી એટલે તેમને આ રીતે લોન માફીના ટુકડા ફેંકીને રાજી કરાય છે.આ ચલણ ખેડૂતોને પણ ફાયદાકારક નથી ને દેશ માટે પણ ફાયદાકારક નથી. જો કે ખેડૂતોનો વાંક નથી ને શાસકોમાં વેતો નથી તેથી સરવાળે બધો ભાર ક્ધયાની કેડ પર એટલે તો સામાન્ય લોકો પર આવે છે. કુમારસ્વામીએ જાહેરાત કરી એટલે બીજે પણ આ માગ ઊઠવાની ને લોકસભાની ચૂંટણી માથે છે એટલે ખેડૂતોને રાજી રાખવા તેનો સ્વીકાર પણ થશે. ચૂંટણી જશે એટલે ખેડૂતોને પાછા ભૂલાવી દેવાશે. ખરી જરૂર આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવાની છે પણ આપણા શાસકોમાં એટલી હુશિયારી હોત તો શું જોઈતું હતું?

Related posts

સબરીમાલા વિવાદઃ બોર્ડના કારભારીઓને વહેલી અક્કલ આવી હોત તો આ બધું ના થયું હોત

aapnugujarat

શું હવે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં થોડો સમય જ છે…?

editor

Morning Tweet

aapnugujarat

Leave a Comment

UA-96247877-1