Aapnu Gujarat
ગુજરાત

રોગચાળો અટકાવવા હવે શહેરમાં બે મહિના બાદ દવા છંટાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની બેદરકારીનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. સામાન્ય રીતે રોગચાળા પર અંકુશ માટે અમ્યુકો તંત્ર દ્વારા મે મહિનાના પ્રારંભથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરાય છે, પરંતુ આ વખતે હવે અમ્યુકો સત્તાવાળાઓએ આ માટે રૂ. ૨.૨૮ કરોડના ખર્ચની દરખાસ્ત તૈયાર કરીને આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકી છે. આ દરખાસ્ત મુજબ મધ્યમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં એક જ કંપની એવીટ્‌સ ઈન્ડિયા પેસ્ટ મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટ અપાનારો હોઈ વિવાદ ઉઠ્‌યો છે, જ્યારે એચપીસી કોર્પોરેશનને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનની કામગીરી સોંપાઈ છે. જોકે શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ તેના નિર્ધારિત સમયથી બે મહિના જેટલા વિલંબથી થવાની હોઈ તંત્રની કામગીરી વિવાદાસ્પદ બની છે. દરમ્યાન જમાલપુરની રિયાઝ હોટલ પાસે ગત તા. ૧૨ જૂનની વહેલી સવારે ચાર વાગ્યે ગટરલાઈનની સફાઈ માટે ગટરની અંદર ઊતરેલા સફાઈ કામદાર હસમુખ ચાવરિયાનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાઈ ગયો હતો. મૃતક સફાઈ કામદારના પરિવારજનોએ તેના પરિવારનું ભરણપોષણ થાય તે માટે સત્તાવાળાઓ સમક્ષ રૂ. ૧૦ લાખની આર્થિક સહાય અને સફાઈ કામદારાના સંતાનને નોકરીની માગણી કરી હતી. જે પૈકી સત્તાવાળાઓ દ્વારા રૂ. ૧૦ લાખની આર્થિક સહાય મૃતકની પત્નીને ચૂકવાઈ છે. આ મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં તંત્ર દ્વારા દર્પણ એજન્સીના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધતા હાલમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ મધ્ય ઝોનના ઈજનેર વિભાગના વડા દ્વારા ગ્યાસપુર વોર્ડના ત્રણ ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારાઈ હતી. આ શો કોઝ નોટિસનો જે તે ઈજનેર દ્વારા ઉત્તર પાઠવવામાં આવતાં તે સંતોષકારક હોવાનો તંત્રનો દાવો કર્યો છે. પરંતુ બે મહિનાના વિલંબ બાદ જંતુનાશક દવાના છંટકાવની કામગીરીને લઇ તંત્રની શાસન પધ્ધતિ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે.

Related posts

ભાવનગરમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

editor

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

editor

આણંદમાં ડેરી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર રાષ્‍ટ્રીય, પ્રાદેશિક અને ગ્રામિણ દૂધ ઉત્‍પાદક મહિલાઓને મુખ્‍યમંત્રીશ્રી-કેન્‍દ્રિય કૃષિ મંત્રીશ્રીના હસ્‍તે એન.ડી.ડી.બી. ડેરી એકસલન્‍સ એવોર્ડ એનાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1