Aapnu Gujarat
ગુજરાત

જળસંચય અભિયાન માત્ર અભિયાન ન રહેતા જનઅભિયાન બની સાર્થક નિવડ્યું છે     – સાંસદ મનસુખભાઇ વસાવા

રાજ્ય સરકાર દ્વારા તા.૧/૫/૨૦૧૮ થી તા.૩૧/૫/૨૦૧૮ દરમિયાન સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન- ૨૦૧૮ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનાં વઘરાલી ગામે “નર્મદા જળ પૂજન” અને “જાહેર કાર્યક્રમ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મેનેજીંગ ડિરેક્ટર અને પ્રવાસન વિભાગના કમિશનર જેનુ દેવન તેમજ જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ લલિતા તડવી, અગ્રણી ઘનશ્યામ દેસાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, કિરણ વસાવા, ભારતીબેન તડવી, ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન- ૨૦૧૮ નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન- ૨૦૧૮ નો સમાપન કાર્યક્રમમાં ૧૦૮ જેટલા દંપતિઓએ “નર્મદા જળ પૂજન” કરી “મા નર્મદા” ની સ્તુતિ કરી હતી. મા નર્મદા મૈયાનું મહત્વતા સમજાતા મહંતશ્રીએ જણાવ્યું હતું કે, આપણે માતાનાં હ્રદયનાં ભાગમાં વસેલા છીએે, જે આપણા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. આ પૂજનમાં દંપત્તિઓ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જળકુંભનું પાણી તળાવમાં અર્પણ કરાયું હતું. “નર્મદા જળ પૂજન” ના આ કાર્યક્રમ બાદ જાહેર કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જળસંચય અભિયાનમાં રાજ્યના માન. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ મંત્રીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ, સંતો-મહંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન માત્ર અભિયાન ન રહેતા જનઅભિયાન બની સાર્થક નિવડ્યું છે. આ જનઅભિયાનથી જળસંચયના કામોને પરિણામે આવાનારા ચોમાસામાં તળાવોમાં વધુ પ્રાણી સંગ્રહ થઇ જળસંકટ દુર થશે અને ખેતીવાડી માટે પૂરતું પાણી મળશે તેવા હર્ષ ભર્યા પ્રતિસાદ આપ્યા હતા. મેનેજીંગ ડિરેક્ટર અને પ્રવાસન વિભાગના કમિશનર જેનુ દેવને તેમનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની તંગી વર્તાય તેવા વિસ્તારોમાં લોકોની ફરિયાદો રહેતી હતી. સમગ્ર રાજ્યમાં પાણીની તંગી કે અછત ઉભી ના થાય તે હેતુસર માન.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારનાં મનરેગા, સિંચાઇ, વન વિભાગ, પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોને આવરીને જળસંચયની કામગીરી હાથ ધરીને સમગ્ર રાજ્યમાં આ જળસંચય અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન આગલા ૩ વર્ષ સુધીનું આયોજન છે. આ અભિયાનથી જિલ્લામાં તળાવો ઉંડા કરવાના પરિણામે તળાવની માટી ખેડૂતોને ખાતર તરીકે મળી છે અને તળાવમાં જળસંગ્રહ થતાં મત્સ્ય ઉત્પાદન-ઉછેર દ્વારા રોજગારીની તકો વધશે. નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન- ૨૦૧૮ અંતર્ગત કુલ ૩૮૬ કામોના લક્ષ્યાંક સામે ૪૩૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આમ, જિલ્લામાં લક્ષ્યાંકની સામે ૧૧૧ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ૨૧૩ તળાવો ઉંડા કરવાના કામો, ૯૦ ચેકડેમનાં કામો, ૧૪૩ કામો ખેતતલાવડી- વનતલાવડી-માટીના પાળાના કામો હાથ ધરી પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ ૨૧ જેટલા નવનિર્મિત તળાવો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત અંદાજે રૂા.૨.૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જળસંચયના કામોથી તળાવો, ચેકડેમોમાંથી કુલ- ૯.૭૫ લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. જેનાથી કુલ ૩૫ કરોડ લીટર પાણીની ક્ષમતાનો વધારાનો જળસંગ્રહ થશે. મનરેગા નીચે ચાલતા કુલ ૨૪૩ કામોમાં આશરે ૧૦,૫૦૦ જેટલા શ્રમિકોને માસ દરમિયાન રૂા.૨ કરોડ ૨૧ લાખ જેટલી રોજગારી પુરી પાડવામાં આવી છે. કલેક્ટર નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, રૂા.૨૫ લાખ જેટલુ અનુદાન જી.એન.એફ.સી. ભરૂચ તરફથી મળ્યું છે તેમજ રૂા. ૧૫ લાખ જેટલુ અનુદાન એલ.એન્ડ.ટી કંપની તરફથી, રૂા.૫ લાખ જેટલુ અનુદાન જે.પી. કંપની તરફથી, રૂા.૫ લાખ ઋત્વિક પ્રોજેક્ટ પ્રા.લિ.કંપની તરફથી તથા રૂા.૨ લાખ જેટલુ અનુદાન ધારીખેડા સુગર ફેક્ટર તરફથી મળી કુલ રૂા.૫૩.૫૧ લાખ જેટલું અનુદાન આ જિલ્લાને મળ્યું છે. આ અભિયાનમાં જોડાયેલા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ સહિત સૌનો આભાર માન્યો હતો. સુજલામ્‌ સુફલામ્‌ જળસંચય અભિયાન-૨૦૧૮ અંતર્ગત નાંદોદ તાલુકાનાં જુનાઘાંટાના શ્રી દશરથભાઇ કાળીદાસભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકાનાં ખૈડીપાડાના શ્રી અરવિંદભાઇ ગોમાભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકાના શ્રી ભારસિંગભાઇ આદિયાભાઇ વસાવા તેમજ ગરૂડેશ્વર તાલુકાનાં પીછીંપુરાના યોગેશ ભીલ વગેરે આ અભિયાન હેઠળ થયેલી કામગીરીનાં તેમના અનુભવો વર્ણવ્યા હતાં તેમજ આ અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરીમાં જોડાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યક્તિઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. માહિતી વિભાગ દ્વારા સીડી પ્રસારિત કરવામાં આવી હતી અને પ્રદર્શનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સૌ લોકોને પ્રસાદી વેંહચવામાં આવી હતી. આ સમાપન કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ડી.કે. બારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.આર.ધાકરે, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા, જિલ્લા પૂરવઠા અધિકારી એન.યુ. પઠાણ, માર્ગ અને ઇજનેર (સ્ટેટ) પંડ્યા, જિલ્લા ખેતીવાડી અધિકારી ભટ્ટ, વઘરાલીનાં સરપંચ-સદસ્યશ્રીઓ, સંતો-મહંતો, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે ઉપસ્થિત સૌનું આભારદર્શન કર્યું હતું.

Related posts

લાંભામાં ગેરકાયદેસર બાંધકામો દુર કરાયા

aapnugujarat

૩૯,૩૯૨ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

aapnugujarat

गुजरात : मंदिर सीटों पर किसी का प्रभुत्व नहीं रहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1