Aapnu Gujarat
બ્લોગ

મોદી અને રાહુલની તેજાબી કસોટી

કર્ણાટકની ચૂંટણીમાં વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓના સ્થાને જાતિગત સમીકરણો દ્વારા હાર અને જીતના પરિણામો નક્કી થવાના છે. કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ રાજ્યમાં ત્રિપાંખિયા જંગમાં જાતિગત સમીકરણોને બંધબેસતા કરવાની કામગીરીમાં લાગી ગયા છે. લિંગાયત-વોક્કાલિંગા, મુસ્લિમ અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના જાતિગત સમીકરણોને પોતાને પક્ષે કરવા માટે ત્રણેય મુખ્ય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે ૧૨મી મેના રોજ વોટિંગ થવાનું છે. આખરી સમયમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. પણ રસપ્રદ વાત એ છે કે તમામ મોટી પાર્ટીઓ વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દાની વાત તો કરી રહી છે. પણ રાજકીય વાસ્તવિકતા ઘણી અલગ છે. હકીકતમાં કર્ણાટકમાં જાતિગત સમીકરણો હાવી થતા દેખાઈ રહ્યા છે અને તેના આધારે જ હાર અને જીતનું નિર્ધારણ થવાનું છે.કર્ણાટક ખાતે ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર કોમવાદ, ધર્મનિરપેક્ષતા અને તકવાદની દલીલોના આધારે આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. પરંતુ ભાજપના લિંગાયત સમુદાયમાંથી આવતા મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બી. એસ. યેદિયુરપ્પાની સામે લિંગાયતને અલગ ધર્મ તરીકેની સિદ્ધારમૈયા સરકારની માન્યતા કર્ણાટકની જાતિગત રાજનીતિની વરવી વાસ્તવિકતા ઉજાગર કરે છે.
કર્ણાટકનું પ્રાદેશિક રાજકારણ લિંગાયત અને વોકાલિંગા જ્ઞાતિ સમીકરણોની આસપાસ વણાયેલું છે. ઉત્તર કર્ણાટકમાં લિંગાયત અને દક્ષિણ કર્ણાટકમાં વોકાલિંગા જ્ઞાતિઓનું વર્ચસ્વ છે. આમ તો લિંગાયત કર્ણાટકની ૧૨૦ જેટલી વિધાનસભા બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે. કર્ણાટકના તટવર્તી વિસ્તારોમાં લિંગાયતનું રાજકીય વર્ચસ્વ નથી. કર્ણાટકના જ્ઞાતિવાર સમીકરણો પર નજર કરીએ. તો રાજ્યમાં ૧૭ ટકા લિંગાયત, ૧૫ ટકા વોકાલિંગા, આઠ ટકા કુરબા, એસસી-એસટી ૨૩ ટકા, ૧૨ ટકા મુસ્લિમો, ખ્રિસ્તી ૩.૧ ટકા અને સવર્ણ જ્ઞાતિની વસ્તી ૬ ટકા જેટલી છે. જ્યારે કર્ણાટકમાં ઓબીસી હેઠળની જ્ઞાતિઓની કુલ વસ્તી ૩૦ ટકા જેટલી છે.૧૯૫૬માં ભાષા આધારીત કર્ણાટક રાજ્યની રચના થઈ હતી. હાલના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા કર્ણાટકના ૨૮મા મુખ્યપ્રધાન છે. કર્ણાટકમાં મુખ્યપ્રધાન પદ કુલ ૨૦ નેતાઓએ સંભાળ્યું છે. જેમાં આઠ વખત લિંગાયત સમુદાયના નેતા કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા હતા. સિદ્ધારમૈયાની કોંગ્રેસ સરકારે લિંગાયત સમુદાયને હિંદુ ધર્મથી અલગ લઘુમતી ધાર્મિક સમુદાય તરીકેની મંજૂરી આપી છે. આ સમુદાયની હિંદુ ધર્મથી અલગ ઓળખ માટેની માગણી ઘણાં વર્ષોથી વિલંબિત હતી.લિંગાયત સમુદાય ૧૯૯૦ સુધી કોંગ્રેસની સાથે હતો. ૧૯૯૦માં કર્ણાટકના કેટલાક ભાગમાં હુલ્લડ થયા હતા. ૧૯૯૦માં કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાજીવ ગાંધીએ લિંગાયત સમુદાયના મુખ્યપ્રધાન વિરેન્દ્ર પાટિલને હટાવી દીધા હતા. જેના કારણે લિંગાયત સમુદાય કોંગ્રેસથી દૂર થયો હતો. લિંગાયત સમુદાયનો સાથ મળવાને કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કર્ણાટકમાં જનાધાર ૪.૧૪ ટકાથી વધીને ૧૬.૯૯ ટકા થઈ ગયો હતો અને બેઠકો ચારથી ચાલીસ થઈ હતી. જાતિ સમીકરણોના આધારે ૨૦૦૮માં લિંગાયત નેતા યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપને સત્તા પણ મળી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બંનેની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં તેજાબી કસોટી થશે, કારણ કે ચૂંટણી પરિણામો કેવળ કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપનું ભાવિ નક્કી કરશે, એટલું જ નહીં બલ્કે વર્ષાંતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની નિર્ણાયક ચૂંટણીઓમાં રાષ્ટ્રીય વિધાનસભાની ૨૨૪ બેઠક પર આગામી ૧૨મી મેના રોજ મતદાન થવાનું છે તો ૧૫મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.પક્ષોના ભાવિને પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કરશે. ઉપરાંત ૨૦૧૯માં સંસદીય ચૂંટણીઓને પણ અસર કરશે, જેથી વડાપ્રધાન મોદીની કાબેલિયતની કસોટી થશે.જો કે, અત્યાર સુધીના ઓપિનિયન પોલ્સ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાનું ચિત્ર રજૂ કરી રહ્યા છે, પરંતુ હજી એ જોવું રહ્યું કે, શું ચૂંટણીના છેલ્લા તબક્કામાં વડાપ્રધાન મોદીનો કરિશ્માઈ પ્રચાર ભારતીય જનતા પક્ષને સૌથી મોટા પક્ષ તરીકે ઊપસી આવવામાં મદદરૂપ થશે કે નહીં. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ ૨૦૧૪ બાદનાં ચૂંટણી પરિણામોને ધ્યાનમાં લઈએ તો કોંગ્રેસ શાસિત રાજ્યો પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે. મોદીમોજાં પર સવાર થઈને માત્ર ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, હિમાચલપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યો જ ભાજપે જીત્યા નથી પરંતુ ગોવા, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ યુતિ સરકાર રચવામાં પક્ષ સફળ નીવડયો છે. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ પડકારનો સામનો કરી રહ્યા છે, કારણ કે રાહુલના પ્રમુખપદ હેઠળ કોંગ્રેસે ઈશાનના રાજ્યોમાં સત્તા ગુમાવી છે. જો કર્ણાટકમાં સત્તા જાળવી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડે તો રાહુલ ગાંધીની આગેવાની વિશે પ્રશ્નો ઊભા કરાશે. એક વધુ પરાજય થવાથી જૂનો પક્ષ વિપક્ષોનું નેતૃત્વ કરવા માટેનું સ્થાન ગુમાવશે. સિદ્ધારમૈયા પર મદાર રાખીને કર્ણાટક જીતવાના પ્રયાસરૂપે રાહુલે છેલ્લા બે મહિનામાં ભારે પરિશ્રમ કર્યો છે અને લગભગ તમામ મતદાર ક્ષેત્રોમાં પ્રચાર કર્યો છે.એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક ખુંદી નાખ્યું. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનોની ફોજે પ્રચાર માટે જોર લગાવ્યું. જોકે ભાજપે કર્ણાટક ચૂંટણીમાં પહેલીવાર ગ્રાસરૂટ લેવલ સુધીનું પ્લાનિંગ કરી મતદારો સુધી પહોંચવા માટે ૧૦ લાખ હાફપેજ પ્રમુખો બનાવ્યા.કર્ણાટક કબજે કરવા ભાજપે રેલીઓ અને રોડ-શૉ ઉપરાંત માઈક્રો લેવલ પર પણ ઘણું કામ કર્યું છે. અમિત શાહે પેજ પ્રમુખ ફોર્મ્યુલાને કર્ણાટકમાં બખૂબી લાગુ કરી છે. તેમણે પહેલા હાફ પેજ પ્રમુખોની ટીમ બનાવી. જેથી પેજ પ્રમુખોના ખભા પરથી ભાર હળવો થાય. ભાજપે ૫૬ હજાર ૬૯૬ પોલિંગ બૂથો માટે દસ લાખ હાફ પેજ પ્રમુખો બનાવ્યા છે. એટલે કે એક પેજ પ્રમુખ પાસે ૪૫ થી ૫૦ મતદારોની જવાબદારી છે.અમિત શાહે ગુજરાતની ચૂંટણીમાં ઘણી બેઠકો પર ઓછા અંતરથી થયેલી હાર-જીત બાદ હાફપેજ પ્રમુખની રણનીતિ ઘડી. અને તેની જવાબદારી ચૂંટણી એડમિનિસ્ટ્રેટર મુરલીધરને સોંપી દીધી. રાજ્યમાં હાફ પેજ પ્રમુખો બનાવવાનું કામ ગત ડિસેમ્બરમાં શરૂ થયું હતું.

Related posts

। धर्म पथ ।

aapnugujarat

“ખુબ સરસ સ્વીકારવા જેવી વાત છે. …

aapnugujarat

આ 8 સંકેતો દર્શાવે છે કે તમારી ગર્લફ્રેન્ડ તમારાથી બ્રેકઅપ ઈચ્છે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1