Aapnu Gujarat
ગુજરાત

આવતીકાલે જાહેર રસ્તા પર ગ્રાહક જાગૃત્તિ મહાયજ્ઞનું આયોજન

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ગ્રાહકોની જાગૃતિ, તેમના હક્ક અને અધિકારોની લડાઇ માટે સતત વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે વિશ્વ અધિકાર દિવસની ઉજવણી દરમ્યાન સૌપ્રથમવાર એક અનોખો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના નેજા હેઠળ જૂની રૂપાલી સિનેમા સામે સરદાર બાગની ફુટપાથ પર જાહેરમાં ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ યોજી તેમાં પ્રજાના પૈસા લૂંટી ફરાર થઇ ગયેલા નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી જેવા મોટા ડિફોલ્ટર્સના નામજોગ સ્વાહા કરવામાં આવશે. આ પ્રસંગે સંખ્યાબંધ ગ્રાહકો દ્વારા આવા ડિફોલ્ટર્સની નામજોગ સ્વાહા ગ્રાહક મહાયજ્ઞમાં કરી અનોખી રીતે વિરોધ વ્યકત કરાશે. તો, જન ધન લૂંટ યોજના બનાવનારા આવા ડિફોલ્ટર્સ વિરૂદ્ધ બેનરો દર્શાવી દેખાવો યોજાશે. વિશ્વ અધિકાર દિવસની ઉજવણી દરમ્યાન આવતીકાલે બપોરે ૨-૩૦થી ૩-૩૦ દરમ્યાન જૂની રૂપાલી સિનેમા સામે સરદાર બાગની ફુટપાથ પર ભારત દેશના ૧૨૫ કરોડ અસંગઠિત ગ્રાહકોના હક્કો અને અધિકારોની સુરક્ષા અને સલામતી માટે સરકાર, પ્રશાસન, ગ્રાહક કોર્ટો, રાજકીય પક્ષો અને એનજીઓ સર્વોચ્ચ અગ્રીમતા આપે અને જાગો ગ્રાહક જાગો, સરકારને જગાડોના વિશાળ બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રો સાથે જોરદાર પ્રદર્શન અને દેખાવો પણ યોજવામાં આવશે. સાથે સાથે આ વખતની અનોખી ઉજવણીમાં ગ્રાહકોની જાગૃતિ માટે ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ યોજવામાં આવશે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ અંગે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષાને લઇ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર ગંભીર નથી અને તેથી ગ્રાહક સુરક્ષા ધારાના ૩૧ વર્ષો બાદ પણ જીવનના તમામ ક્ષેત્રોમાં ગ્રાહકો છેતરાઇ રહ્યા છે. આ માટે ગ્રાહકોની અજાગૃતતા, ઉદાસીનતા અને ફરિયાદ દાખલ કરવામાં આળસ પણ એટલા જ જવાબદાર છે પરંતુ હવે સમય પાકી ગયો છે કે ગ્રાહકોએ જાગવુ જોઇએ અને તેમની સાથે થયેલી છેતરપીંડી કે સેવામાં ખામી બદલ ગ્રાહક કોર્ટોમાં ફરિયાદ દાખલ કરી ન્યાય અને વળતર મેળવવા જોઇએ. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે સરકાર અને સીસ્ટમ પર પ્રહાર કરતાં ઉમેર્યું કે, દેશમાંથી નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, રોટોમેક કંપનીના કોઠારી, વીડિયોકોન, ડાયમંડ કંપનીના હસમુખ શાહ સહિતના મોટા કૌભાંડીઓ બેંકોમાંથી હજારો કરોડોની લોન લઇ વિદેશમાં ફરાર થઇ ગયા છે, તો તેમાંના કેટલાક હવે આ લોનની રકમ ભરપાઇ કરવામાં લાચારી દર્શાવી રહ્યા છે પરંતુ આ પૈસા સરકાર કે બેંકોના નથી પરંતુ દેશની ૧૨૫ કરોડ જનતાની મહેનત-પરસેવાની કમાણી છે. આ માટે કેન્દ્ર સરકાર, તમામ એજન્સીઓ, બેંક મેનેજમેન્ટ, સીએ-ઓડિટરો, સેન્ટ્રલ વિજિલન્સ કમીશન અને પોલીસ સહિતની સમગ્ર સીસ્ટમ અને તંત્ર જવાબદાર છે. વાસ્તવમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર, નાણાં મંત્રાલય, આરબીઆઇ અને બેંકો વિરૂદ્ધ સુઓમોટો રિટ દાખલ કરી રૂ.૧૦૦ કરોડથી વધુ રકમની લોન લેનાર તમામ ડિફોલ્ટરો સામે અસરકારક અને સબકસમાન પગલા ભરી તેઓને તાત્કાલિક જેલભેગા કરી દેવા જોઇએ. એટલું જ નહી, કેન્દ્ર સરકારે પણ વટહુકમ બહાર પાડી રૂ.એક કરોડથી વધુ લોન લેનાર તમામ ડિફોલ્ટરને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા અને પરિવારના સભ્યો સહિતની તમામની નામી-બેનામી મિલકતો જપ્ત કરવાની કાનૂની જોગવાઇ જારી કરવી જોઇએ એમ સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યું હતું.

Related posts

ભારત-જાપાનના મજબૂત સંબંધોનું વૈશ્વિક મહત્‍વ : ભારતની સ્‍વર્ણિમ આવતીકાલ માટે આ સહયોગ નવી આશારૂપ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી

aapnugujarat

પંચમહાલમાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મહિલાની પ્રસૃતિ કરાવાઈ

editor

એસ.પી.રિંગરોડ પરથી યુવતીની લાશ મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1