Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાન લોકતંત્રની હત્યા કરી રાજકીય ષડયંત્ર ન કરે : પ્રવિણ તોગડિયા

ભેદી સંજોગોમાં રહસ્યમયરીતે ગુમ થયેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા સોમવારે મોડી રાત્રે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં નાટયાત્મક રીતે દાખલ થયેલા મળી આવવાના પ્રકરણમાં આજે વધુ એક નવું ડેવલપમેન્ટ સામે આવ્યું છે. ડો.પ્રવીણ તોગડિયાને આજે હોસ્પિટલમાંથી તેમની તબિયતમાં સુધારો નોંધાતા રજા આપી દેવામાં આવી હતી, ત્યારબાદ ડો.તોગડિયાએ એક પત્રકાર પરિષદ દરમ્યાન વડાપ્રધાન મોદી પર સીધા આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ક્રાઇમબ્રાંચનો દૂરપયોગ કરી લોકતંત્રની હત્યા કરી રાજકીય ષડયંત્ર ના કરે. તેમણે ક્રાઇમબ્રાંચ અને તેના જેસીપી જે.કે.ભટ્ટને પણ આજે આડા હાથે લઇ નાંખ્યા હતા અને જણાવ્યું હતું કે, આ તો ક્રાઇમબ્રાંચ છે કે, કોન્સ્પીરસી બ્રાંચ ? જે.કે.ભટ્ટ દિલ્હીના તેમના પોલિટીકલ બોસના ઇશારે મને અને મારા કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી સતત સંપર્કમાં હોવાનો સીધો આરોપ પણ તોગડિયાએ લગાવી આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે. વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાના મોદી અને ક્રાઇમબ્રાંચ પર ગંભીર આક્ષેપોને પગલે ફરી એકવાર ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ડો.તોગડિયાએ આજે સાફ શબ્દોમાં ચીમકી આપી હતી કે, તેઓ ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જઇ રહ્યા છે. આ માટે તેઓ તેમના વકીલ અને કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે. તોગડિયાએ સમગ્ર મામલામાં તપાસની માંગ કરતાં ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, જે.કે.ભટ્ટે છેલ્લા પંદર દિવસમાં વડાપ્રધાન સાથે કેટલી વખત વાત કરી તેની વિગતો અને ફોનકોલ્સની ડિટેઇલ્સ જાહેર કરવામાં આવે. જે.કે.ભટ્ટ દિલ્હીના તેમના પોલિટીકલ બોસના ઇશારે તેમને અને તેમના દેશભકત કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. જે.કે.ભટ્ટ દિલ્હીના બોસના ઇશારે કાયદો હાથમાં લઇ રહ્યા છે. તોગડિયાએ સીધો સવાલ કર્યો હતો કે, ક્રાઇમબ્રાંચ કોના ઇશારે મારી સામે લડી રહી છે? હું જેમના ઘેર ગયો હતો, તેમને રાત્રે બે વાગ્યે ઉઠાડીને ક્રાઇમબ્રાંચના ૨૦ લોકોએ તેમને ત્રણ કલાક સુધી ટોર્ચર કર્યું છે અને મારી વિરૂદ્ધ નિવેદન આપવા દબાણ કર્યું છે. મારા સમર્થકોને મારી વિરૂદ્ધ બોલવા દબાણ કરાઇ રહ્યું છે. ડો.તોગડિયાએ વધુ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ક્રાઇમબ્રાંચ દેશના લોકોને સીલેકટીવ વીડિયો બતાવી રહી છે, ૨૦૦૫માં પણ સંજય જોષીનો નકલી વીડિયો આ જ ક્રાઇમબ્રાંચમાં તૈયાર કરાયો હતો અને હવે આ જ ઇતિહાસનું પુનરાવર્તન કરી તોગડિયાને બદનામ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. જે.કે.ભટ્ટે જ દિવાળીના દિવસે વીએચપીના પ્રદેશ મંત્રી અશ્વિન પટેલની સીએમના ઇશારે ખોટી ધરપકડ કરી હતી, આજે એ જ જે.કે.ભટ્ટ પ્રવીણ તોગડિયાની ઇજ્જત પર હાથ નાંખી રહ્યા છે, મારો સીધો આરોપ છે કે, તે સતત વડાપ્રધાનના સંપર્કમાં છે અને મારી રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગ છે કે, ભટ્ટના ફોનકોલ્સની ડિટેઇલ્સ જાહેર સાર્વત્રિક કરવામાં આવે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાજસ્થાનમાં મારી સામે થયેલો કેસ ૨૦૧૫માં જ પડતો મૂકાયો હતો અને તેના પર એસડીએમ દ્વારા સહી પણ કરાયેલી છે. જો કેસ પડતો મૂકાયો હોય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ મારી ધરપકડ કરવા કેમ નીકળી હતી? તેમણે ક્રાઇમબ્રાંચની કાર્યપધ્ધતિ અને ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવી ક્રાઇમબ્રાંચ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની સાફ ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

બાવળા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળાએ આકર્ષણ જમાવ્યું

aapnugujarat

માતા જ બાળકીને ગરનાળામાં મૂકી આવી હતી

aapnugujarat

ડભોઈ શહેરમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1