Aapnu Gujarat
Uncategorized

ભગવાન કૃષ્ણની મોક્ષભુમિ એવા ભાલપરા ગામને આંગણે યોજાયા ચતુર્થ સમુહ લગ્ન સંસ્કાર

ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મરણ સુધીનાં સોળ સંસ્કારો વર્ણવ્યા છે, પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે અને સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને સમય અને પૈસાના બચાવ માટે સમુહ લગ્ન એ દરેક સમાજ માટે આશીર્વાદરૂપ બન્યાં છે. આવા જ પવિત્ર સમુહ લગ્ન સંસ્કાર કૃષ્ણની મોક્ષભુમિ એવા ભાલપરા ગામના આંગણે યોજાયા હતાં પરંતુ આ સમુહ લગ્ન કાંઇક અલગ જ રીતે જોવા મળ્યા હતાં. અહીં સમાજ વ્યવસ્થાના ભાગરૂપે લગ્ન સંસ્કારની પવિત્ર વિઘીની સાથે ‘બેટી બચાવ અભિયાન’ની અને અદકેરી ઝાંખી જોવા મળી હતી
જી… હાં… ભાલપરા ગામ સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજીત ચતુર્થ સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે ‘બેટી બચાવ અભિયાન’ અંતર્ગત દરેક મંડપ સહિત ઠેર ઠેર બેટી બચાહનાં અસરકારક સુત્રો સાથેના બેનરો લગાવવામાં આવેલ અને સમુહ લગ્નમાં જોડાનાર દરેક સંતાનોના વાલીઓ અને મહેમાનોને બેટી બચાવ માટેના કાર્યમાં સહભાગી થવા અનુરોઘ કરવામાં આવ્યો હતો. ભાલપરા ગામના આંગણે યોજાયેલ સમુહ લગ્નનાં પ્રસંગની સાથે બાપ-દીકરીના કરૂણ સબંઘની થોડી વાતો રજૂ કરવાનું મન થાય.
દુનિયા નો સોથી કરુણ પ્રંસગ એટલે જ્યારે બાપ દીકરીને વળાવે છે. દીકરી જ્યારે નાની હોય ને બાપ એક વાર બોલાવે અને સાત વાર દોડીને આવતી હોય. દીકરી એક જ પાત્ર એવું છે જે બાપ ને લાડ લડાવતી હોય. બાપ અને દીકરીનો સંબંધ અલૌકિક છે. એ દીકરીને જ્યારે વળાવવાની થાય ત્યારે બાપની વેદના સમજવી હોય તો દીકરીનો બાપ થવું પડે.
કદાચ કોઈ ધિંગાણામાં જવાનું થાય તો એ રણસંગ્રામમાં ૫૦ દુશ્મનનાં માથા ઉતારી લે એવો મરદ બાપ હોય તો પણ જ્યારે એ દીકરીને વળાવે ને…!! કાકલુદી કરતો હોય.. .‘‘બાપા અમે ગામડાના માણસ, તમને સાચવવામાં ભુલ થઈ હોય તો તમે મોટા માણસો અમને નાના માણસ ગણી ને માફ કરજો.’’ વેવાઈ ને મળીને પણ બાપ એમ કહેતો હોય..
‘‘આજથી ૨૦ વર્ષ પહેલાં મે મારા ફળિયામાં એક વેલ વાવી’તી ..એનો ઉછેર મેં કર્યો અને બીજ એની જનેતા એ રોપ્યું. અત્યાર સુધી અમે એનું જતન કર્યું એને પ્રેમનું પાણી પાય.. ખાનદાનીનું ખાતર નાંખી ઉછેરી. મેં તમારા કુળેની માટી જોઇ અને એને મુળમાંથી ઉખેડીને તમારા ફળિયામાં રોપુ છું વેવાઈ. તમે બાપ બનીને એનું જતન કરજો..!!
એવામાં કોઈ આવીને બાપ ને કહે.. તમને બેન મળવા બોલાવે છે !! એ સમયે બાપનાં પગમાં કોઈકે એક એક મણની લોખંડની બેડીઓ નાંખી હોય એવા એના પગ ભારે થઈ જાય.. બાપ વિચારતો હોય કે હજુ હમણાં તો આ દીકરીનો જન્મ થયો ત્યારે આખા ગામમાં સાકર વહેંચવામાં હું ગયેલો. આ દીકરીને નવી નક્કોર પાટી લઇને અષાઢી બીજને દિવસે નિશાળે મુકવા હું ગયેલો મનને કઠણ કરીને બાપ એનું પાનેતર લેવા ગયો હોય. મનને કઠણ કરીને બાપે બધી ખરીદી કરી હોય બધાં પ્રસંગો ઉકેલ્યા હોય પણ બાપ રડ્યો ના હોય..
પણ આજ હવે એની મર્દાનગી પણ જવાબ આપી દે. કોઈ મરદની આંખમાં આંસુ સારા ન લાગે પણ દીકરીને વળાવતા બાપની આંખનાં આંસુ બહુ રુડા લાગે છે છેલ્લે જ્યારે બાપ દીકરી ને મળે ત્યારે બાપ-દીકરીનાં માથા ઉપર વહાલ ભર્યો હાથ મૂકીને એટલું માંડ બોલી શકે ’’બેટા સુખી થજો…’’
બાપ-દીકરીને મનમાં કહેતો હોય કે બેટા મારાં આ આંગણામાં તારાં ઉછેરમાં કાંઈ ભુલ થઈ હોય તો બેટા મને માફ કરજે. ગામમાંથી હું દસ બોર લાવ્યો હોવ તો પાંચ તને દેવા જોઈએ અને પાંચ ભાઈને એમાં ભુલથી તારા ભાઈને એકાદ બોર વધારે અપાયું હોય, સાતમ-આઠમના તહેવારો હોય તે કહ્યું હોય કે બાપુ મને ઝાંઝરી અપાવો અને તારી એ ઈચ્છા પૂરી કરવામાં મારાંથી થોડી વાર લાગી હશે પણ બેટા તું તારા આ ગરીબ બાપ ને માફ કરી દેજે..!!
દીકરી પણ એમ કહે કે બાપુ…મને મારા સાસરીયા આવવા દેશે તો હું આવીશ..પણ જો ન આવવા દે તો તમે એક આટો આવી જજો.. જોજો બાપુ..તમારી આ દીકરી ને ભુલી ન જતાં…!! એ ભુલી ના જતા..એ વાક્ય..સંભળાય..
અને બાપ ની પાંપણો માં સાત સાગર ના પાણી જે ફાટ ફાટ થતા હોય..એ મહામુસીબતે બાંધેલો બંધ તુટી જાય..અને આભને ટેકો દે એવો અડાભીડ આદમી પાનખર વડલા ની જેમ રોઈ પડે..દીકરી બાપ ને વળગી પડે બાપ દીકરી ને વળગી પડે..એ દ્રશ્ય..અવર્ણનીય હોય છે..!!
’’કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છુટી ગ્યો..
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં બાળ સિંહનો જન્મ

aapnugujarat

વર્ષના અંતે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ 278.76 કરોડ રૂપિયાની આવક સરકારી તિજોરીને આપી

aapnugujarat

રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના સંવેદનશીલ ગણાતા ગામડાઓ માં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1