Aapnu Gujarat
ગુજરાત

જૂહાપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે થયેલા ઝઘડામાં યુવકની ક્રૂર હત્યા

શહેરના જૂહાપુરા વિસ્તારમાં ફતેહવાડી કેનાલ પાસે ઊતરાયણના દિવસે ધાબા પર પતંગ ચગાવી રહેલા ચાર શખ્સોને ગંદી મજાક અને ગાળો બોલાવાની ના પાડનાર એક યુવકને આ ચારેય જણાંએ આવેશમાં આવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક યુવકના ભાઇએ વેજલપુર પોલીસમથકમાં ચારેય શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુના અંગેની ફરિયાદ દાખલ કરતાં પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જૂહાપુરા વિસ્તારમાં ફતેહવાડી કેનાલ વિસ્તારમાં આવેલ મીમનગરમાં રહેતો સલીમ કુરેશી ઊતરાયણના દિવસે બપોરે તેનું કામ પૂરું કરીને ઘેર આવ્યો હતો ત્યારે બાજુના ધાબા પર પતંગ ચગાવવા ભેગા થયેલા સદામ, ખાલીદ, રફીક અને ભાઇજી નામના શખ્સો ગંદી મજાક-મસ્તી કરી રહ્યા હતા અને બિભત્સ ગાળો બોલી રહ્યા હતા, જેથી સલીમ કુરેશીએ આ શખ્સોને ગાળો નહી બોલવા તાકીદ કરી હતી, જેથી ચારેય શખ્સો ભડકયા હતા અને ઉશ્કેરાઇ ગયા હતા. ચારેય જણાંએ હમ લોગો કો જાનતા નહી હે, હમ કૌન હે તેમ કહી બબાલ શરૂ કરી હતી, અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ચારેય જણાં ભેગા મળી સલીમ કુરેશીને ઢોર મારી રહ્યા હતા તે દરમ્યાન તે પૈકીના એક શખ્સે તેની પાસેની છરી કાઢી સલીમના પેટમાં હુલાવી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં સલીમ ત્યાં જ ઢળી પડયો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, આડોશપાડોશના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ચારેય શખ્સો પર રોષે ભરાઇ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેને પગલે ચારેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. બીજીબાજુ, ઇજાગ્રસ્ત સલીમ કુરેશીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેનું ગઇકાલે કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મરનાર સલીમના ભાઇ ઇકબાલ નનુભાઇ કુરેશીએ ચારેય શખ્સો વિરૂધ્ધ વેજલપુર પોલીસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબની રાષ્ટ્ર હિતમાં મતદાનની અપીલ

aapnugujarat

કડી નગરપાલિકામાં ભગવો લેહરાયો

editor

ખેડૂતોને પડતા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં બીજી વખત વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1