Aapnu Gujarat
બ્લોગ

રામસેતુ : વિજ્ઞાનને શ્રદ્ધા સુધી દોરી જતો પુલ

પથ્થરોમાં રામ લખેલું હતું એટલે ય પથ્થરો તરતા હતા. પછી તો કેટલાક સંશોધનો એવા ય થયા છે કે જેમાં વિશિષ્ઠ પ્રકારના અમુક પથ્થરો પાણીમાં તરી શકતા હોય છે.તમિલનાડુના છેડે આવેલો પામ્બન ટાપુ અને શ્રીલંકાની ઉત્તરે આવેલો મન્નાર ટાપુ.. દરિયાને કારણે બન્ને એકબીજાથી નોખા પડે છે તો દરિયામાં જ આવેલા એક પુલને કારણે એકબીજા સાથે જોડાયેલા પણ છે. એ પુલને રામસેતુ ગણવો કે નહીં એ વિષય શ્રદ્ધાનો છે. નદી વચ્ચે સિમેન્ટના તોતિંગ પિલ્લર ઉભા કરીને બાંધવામાં આવ્યો હોય એવો એ પુલ નથી. થોડો અલગ પ્રકારનો છે. કેમ કે મૂળ તો પુલના નામે ઓળખાતુ એ બાંધકામ શંખ અને છિપલાનો પાળો છે. દરિયાની સપાટી નીચે આવેલો એ પાળો આવન-જાવન માટે વાપરી શકાય એવો નથી. એટલે એક રીતે એ પુલ નથી, પરંતુ બીજી રીતે છે ય ખરાં. પુલ કેમ નથી અને કેમ છે? વિગતવાર સમજીએ..
ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયામાં ૫૦ કિલોમીટરથી માંડીને ૮૦ કિલોમીટર સુધીનું અંતર છે. આટલા પાતળા વિસ્તારમાંથી પસાર થતાં પાણીને આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો પ્રમાણે સમુદ્ર નહીં પરંતુ સમુદ્રધુની કહેવાનો ધારો છે. આ વિસ્તાર પાકની સમુદ્રધુની તરીકે ઓળખાય છે. એ જાણીતી વાત છે કે કરોડો વર્ષ પહેલા આજની માફક અલગ અલગ ખંડો હતા નહીં. એક જ વિશાળ ખંડ હતો.. કાળક્રમે તેમાંથી વિવિધ ખંડો છૂટા પડયા. ભારતનો જમીની ભાગ અલગ પડયો અને એમાંથી શ્રીલંકા જેવા નાના ટાપુ પણ રચાયા. ઉપગ્રહની તસવીરમાં જોઈએ તો શ્રીલંકા અને ભારત દરિયા તળીયે પાતળા બાંધકામ વડે એકબીજા સાથે જોડાયેલા હોવાનું સ્પષ્ટ દેખાય છે. જાણે ભારતની નીચે દોરી વડે નાનકડો ફુગ્ગો બાંધ્યો હોય.. એ દોરી એ જ રામસેતુ.હિન્દ મહાસાગરનો બન્ને તરફથી આવતો પ્રચંડ પ્રવાહ ભારત અને શ્રીલંકા વચ્ચે સંકોચાય છે. એટલે પાણી છૂટથી વહેવાને બદલે અટકતું અટકતું આગળ વધે છે. અને એટલે જ દરિયામાં રહેતા શંખ-છીપલાં અહીં મોટી સંખ્યામાં ભેગા થયા છે. એટલા બધા કે તેની સળંગ પાળી બની ગઈ અને દૂરથી દેખાવ પુલ જેવો લાગવા લાગ્યો. ભારત-શ્રીલંકા વચ્ચે દરિયો ઘણો છીછરો છે. ક્યાંક ક્યાંક તો પાણી ચાર ફીટ જેટલુ જ ઊંડું છે. એટલે એક સમયે તો શંખ-છીપલાનો પુલ દરિયાની બહાર પણ દેખાતો હતો.સવા પાંચસો વર્ષ પહેલા ૧૪૮૦માં હિન્દ મહાસાગરમાં ભયંકર તોફાન આવ્યુ હતુ. એ તોફને દરિયા ઉપર દેખાતા શંખ-છીપલાને પણ પોતાના ભેગા ઉપાડયા અને પુલને ખંડિત કરી નાખ્યો. પરિણામ એ આવ્યું કે પાણી નીચેના પાળા-પાળી યથાવત રહ્યાં, ઉપરના સાઈકલોનમાં તણાઈ ગયા. તો પણ પુલ એટલે કે પાળો ૫૦ કિલોમીટર સુધી તો લાંબો હતો જ. વર્ષોથી દરિયાના તળિયે પથયરાયેલા એ પુલને સદીઓ સુધી સુતાં જ રહેવાનું હતું. પણ જાગવાનો પ્રસંગ આવ્યો ૨૦૦૫માં સત્તાધારી યુપીએ સરકારે ’સેતુસમુદ્રમ્‌ શિપીંગ કેનાલ પ્રોજેક્ટ’ને મંજૂરી આપી. એ વખતે વિપક્ષમાં રહેલા ભાજપે હોબાળો મચાવ્યો. એ પુલને રામે બાંધેલો રામસેતુ ગણાવ્યો અને પુલ કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર હોવાનો તર્ક રજૂ કર્યો. સેતુસમુદ્ર પ્રોજેક્ટ આગળ વધે તો ભારત-શ્રીલંકા વચ્ચેનો દરિયો સાફ કરવો પડે. એમ કરે એટલે થોડો ઘણો બચેલો પુલ પણ તૂટી જાય. રામે બાંધ્યો હોવાનું મનાતો હોય એ પુલ કેમ તોડી શકાય! બસ, દેશભરમાં વિરોધ થયો એટલે પછી સરકારે એ પ્રોજેક્ટ પડતો મુક્યો. બીજી મહત્ત્વની વાત એ છે કે રામેશ્વરમના કાંઠે થોરિયમનો ભંડાર ભુગર્ભમાં ધરબાયેલો પડયો છે. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તો એ બધો થોરિયમનો જથ્થો નાશ પામે અને ભારતે અત્યંત મોંઘા બળતણથી હાથ ધોવા પડે. માટે પણ સમુદ્રમ પ્રોજેક્ટને બ્રેક મારવાની સલાહ ભારતના કેટલાક વિજ્ઞાાનીઓએ સરકારને આપી હતી.ભારત અને શ્રીલંકા એકબીજા સાથે જોડાયેલા હતા, તેનો પુરાવો આ શંખ-છીપલાનો પાળો છે. તેના ભૌગોલિક પુરાવાઓ પણ સાંપડયા છે. એક સમયે ભાજપ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે અહીં પુલ હોવાના પુરાવા નાસાએ પણ આપ્યા છે. પરંતુ એ પછી અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ સ્પષ્ટતા કરી હતી કે પુલ હોવાનો અમારો કોઈ દાવો નથી. નાસાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે અમે માત્ર સેટેલાઈટ તસવીરો પુરી પાડીએ છીએ. તેમાં બે ખંડોને જોડતી કડી દેખાય તેનો મતલબ એવો નથી કે ત્યાં પુલ હતો. હકીકત એ છે કે એ રીતે સમુદ્ર તળિયે છીછરા પાળા હોય એવા સ્થળો જગતમાં અનેક છે.જહાજોને છેક શ્રીલંકા ફરીને જવું ન પડે અને પાકની સમુદ્રધુનીમાંથી પસાર થઈ શકે એટલા માટે ૧૯૯૭થી આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ હતો. મૂળ તો અહીં દરિયો ઊંડો કરીને મોટા જહાજો પસાર થાય એવો રસ્તો બનાવવો જોઈએ એવો આઈડિયા ૧૮૬૦માં અંગ્રેજ ઈજનેર આલ્ફ્રેડ ટેલરે આપ્યો હતો. ત્યારે કોઈએ ખાસ રસ લીધો નહીં. ભારત આઝાદ થયું પછી ૧૯૫૫માં સરકારે સેતુસમુદ્ર પ્રોજેક્ટ અંગે સમિતિની રચના કરી. સમિતિએ સલાહ આપી કે પ્રોજેક્ટ આગળ વધારવામાં વાંધો નથી. તેનાથી જહાજોની આવા-જાહીમાં ઘણો લાભ થઈ શકે એમ છે. પણ તેનો અમલ કરવાની તક આવી છેક ૨૦૦૫માં. દોઢ સદીથી ધૂળ ખાતા પ્રોજેક્ટની ફાઈલો યુપીએ સરકારે ફરીથી ખોલી અને પ્રોજેક્ટ આગળ ધપાવવા પ્રયાસ કર્યો, જે આગળ વધી શક્યો નહીં. યુપીએ સરકારે પ્રોજેક્ટ હાથમાં લીધો તેનો ફાયદો એ થયો કે સદીઓથી ભુલાઈ ગયેલો રામસેતુ ફરી ચર્ચામાં આવ્યો અને દેશ તેના વિશે જાણતો થયો.રામાયણ મુજબ રીંછ-વાનરોથી મદદથી લંકા જવા માટે શ્રીરામે સેતુ બનાવ્યો હતો. નલ-નીલ નામના બે વાનરોએ એ સેતુ બાંધ્યો હતો. પથ્થરો તરી શકતા નથી, પણ નલ-નીલને વરદાન હતું એટલે તેના હાથે દરિયામાં જતા પથ્થરો તરતા હતા. પથ્થરોમાં રામ લખેલું હતું એટલે ય પથ્થરો તરતા હતા. પછી તો કેટલાક સંશોધનો એવા ય થયા છે કે જેમાં વિશિષ્ઠ પ્રકારના અમુક પથ્થરો પાણીમાં તરી શકતા હોય છે. સેતુબંધ વખતે પથ્થરો તર્યા એ બાબત ભારતના જનમાનસમાં એવી વણાઈ કે રામના નામે તો પથ્થરો ય તરી જાય એવો રૃઢિપ્રયોગ ઘણી ભાષામાં થાય છે. ખેર, રામે સેતુ બાંધ્યો હતો એવી વ્યાપક કથા/શ્રદ્ધા છે અને શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવા શોધવાની જરૃર નથી પડતી! ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલો રામસેતુ કોઈ મિથક નહિ પણ હકીકત છે એવું હવે અમેરિકાના વિજ્ઞાનીઓ પણ માને છે. હમણા જ ત્યાંના કેટલાક ભૂગર્ભ વિજ્ઞાનીઓ અને આર્કિયોલોજિસ્ટની ટીમે સેટેલાઈટ દ્વારા પડાયેલી તસવીરો, રામસેતુ સ્થળ અને તે સંદર્ભ સાથે જોડાયેલા તથ્યોનું અધ્યયન કરી સાબિત કર્યુ છે કે રામ સેતુ એ કુદરતી રીતે બનેલો નહિ પણ માનવ સર્જિત સેતુ છે.અમેરિકાની સાયન્સ ચેનલ પર આ અધ્યયન આધારિત એક કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં આ વિજ્ઞાનીઓએ તસવીર સાથે સાબિત કર્યુ હતુ કે આ સેતુ માનવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે શું ભારત – શ્રીલંકાને જોડનાર રામ સેતુ હકીકતમાં હતો કે પછી તે એક કલ્પના છે? વિજ્ઞાનીઓનું વિષ્લેષણ કહે છે કે આ સેતુ હતોપઆ વિડિયોમાં તેમણે આ સેતુને માનવની શાનદાર ઉપલબ્ધિ ગણી છે.તેમનું માનીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેની ૩૦ માઈલમાં ફેલાયેલી બાલૂની પર્વતમાળા કુદરતી છે પણ તેના પર મુકવામાં આવેલા પથ્થર ત્યાંના નથી તે ક્યાંકથી લાવીની અહિં ગોઠવવામાં આવ્યા છે.રામસેતુ માત્ર હિન્દુઓમાં પવિત્ર ગણાતો નથી. પૃથ્વી પરના બીજા મહત્ત્વના બે ધર્મોમાં પણ રામસેતુ સ્થળનો ઉલ્લેખ છે અને તેની સાથે જુદી જુદી શ્રદ્ધાકથાઓ જોડાયેલી છે. એડમ્સ બ્રીજ એવું તેનું બીજું નામ છે અને તેની સાથે જોડાયેલી કથાઓ ખ્રિસ્તી અને ઇસ્લામમાં છે. આ બંને અબ્રાહમ પરંપરાના ધર્મમાં છે. એક જાણીતી સાયન્સ ચેનલ પર દાવો થયો કે આ સ્ટ્રક્ચર કુદરતી ઓછું લાગે છે અને મેનમેઇડ હોય તેમ લાગે છે. મતલબ કે ભારતને લંકાદ્વીપ સાથે જોડવા માટે પ્રાચીન સમયમાં મનુષ્યે પથ્થરો નાખીને સેતુ બનાવ્યો હતો તેવા અંદાજ અભ્યાસોને આધારે મૂકી શકાય છે.આ અંદાજ પાછળ પથ્થરો અને રેતીની ઉંમરમાં રહેલો તફાવત છે. કાર્બન ડેટિંગ જેવી પદ્ધતિ દ્વારા પદાર્થ કેટલો જૂનો છે તેનો અંદાજ લગાવી શકાય છે. રામસેતુમાંથી સંશોધકોએ રેતીના અને પથ્થરોના નમૂના લીધા. તેમના આશ્ચર્ય વચ્ચે રેતી ચાર હજાર વર્ષ જૂની હોય તેવો અંદાજ મળ્યો, જ્યારે પથ્થરો સાત હજાર વર્ષ જૂના જણાયા. રેતી અને પથ્થર વચ્ચે આટલો મોટો તફાવત જોઈને સંશોધકો વિચારમાં પડી ગયા. હિમયુગમાં દરિયાની સપાટી નીચી હતી ત્યારે બંને ભૂમિ જોડાયેલી હતી. બરફ ઓગળતા દરિયાની સપાટી વધી અને ભારત તથા લંકા વચ્ચે દરિયો આવી ગયો. એક લાંબા પટ્ટા જેવો ભાગ બહુ પાણીમાં ડૂબ્યો નહોતો. તેની આસપાસ રેતી જમા થતી રહી અને અત્યારે છે તેવો આકાર થતો ગયો. તે વખતે જો પથરાળ પ્રદેશ હોત અને પથ્થરો પણ પાણીમાં ડૂબી ગયા હોત તો તેની ઉંમર અને રેતીની ઉંમર સરખી હોવી જોઈએ. પણ પથ્થરો વધારે જૂના છે તેનો અર્થ એ કે તે અન્યત્રથી લાવવામાં આવ્યા છે.આ ધારણાને કારણે ફરી રામસેતુ ચર્ચામાં છે. રામસેતુ કોઈએ બહારથી પથ્થર લાવીને બાંધ્યો છે તેવું જો વધુ સંશોધનની સાબિત થાય તો કોણે બાંધ્યો આ સેતુ તેનો વિવાદ વધશે. વિવાદ એટલા માટે વધશે કે માત્ર રામની કથા તેની સાથે જોડાયેલી નથી. આદમ અને ઇવની કથા પણ તેની સાથે અન્ય ધર્મોના ગ્રંથોમાં જોડી દેવાયેલી છે.એડમ્સ બ્રીજ એટલે કે આદમનો સેતુ એવું નામ અંગ્રેજોએ ઘડી કાઢ્યું હોવાનું મનાય છે. પણ તેવું નામ આપવા પાછળ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ધાર્મિક અધિકારીઓનો આશય ખ્રિસ્તી ધર્મમાં મળતા વર્ણનને આ સાથે બંધબેસતું કરી દેવાનો કદાચ હતો. એ જ રીતે અંગ્રેજોએ લંકાના એક પર્વતને પણ તેમની પૌરાણિક કથાઓ સાથે જોડી દીધો. તેનું નામ પાડી દીધું એડમ્સ પીક – આદમનું શિખર. આ શિખર સાથે હિન્દુ અને બૌદ્ધ માન્યતાઓ જોડાયેલી જ હતી. તે જ રીતે ઇસ્લામની માન્યતાઓ પણ આ શિખર સાથે અને રામસેતુ સાથે જોડાયેલી છે.શ્રીલંકાનો આ પર્વત ૭૩૬૦ ફૂટ ઊંચો છે. તેના પર વિશાળ પગલાં જેવો આકાર જોવા મળે છે. પાંચ ફૂટ સાત ઇંચ લાંબા અને બે ફૂટ, છ ઇંચ પહોળા પગલાંને પવિત્ર પગલાં માની લેવાયા છે. હિન્દુઓ કહે છે કે ભગવાન શિવના આ પગલાં છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. તેમના મતે ભગવાન બુદ્ધના પગલાં અહીં પડ્યાં હતાં. ખ્રિસ્તી અને ઇસ્લામની આદમ અને ઇવની કથા સાથે આ પર્વતને જોડી દેવાયો છે. તે માન્યતા મુજબ આદમે તેનું પ્રથમ પગલું આ પર્વતના શિખર પર મૂક્યું હતું અને તેની જ આ નિશાની છે.આ શિખર પર આદમનું પ્રથમ પગલું પડ્યું તે કથા આગળ વધે છે અને તેની સાથે રામસેતુની કથા જોડાઈ જાય છે. આદમે અહીં ડગલું માંડ્યું, પણ ઇવનું આગમન બહુ દૂર અરબસ્તાનના રણમાં થયું હતું. ઇવને મળવા જવા માટે હોડી નહોતી તેથી ભૂમિ માર્ગે જવું પડે. પણ ભારતની ભૂમિ દૂર હતી અને વચ્ચે દરિયો. આખરે આદમે પોતાની વિશાળ તાકાત દ્વારા પથ્થરો મૂકી મૂકીને સેતુ બનાવ્યો અને ભારતની ધરતી પર થઈને રણ સુધીની સફર કરી.
આ પ્રાચીન કથાને કારણે મુસ્લિમો માટે પણ રામસેતુ પવિત્ર સ્મારક છે. કુરાનમાં આદમનો ઉલ્લેખ પયગંબર તરીકે ૨૫ વાર કરાયો છે. તેમને જન્નતમાંથી પૃથ્વી પર મોકલાયાં તેના કારણે તેમને રડવું પણ આવ્યું હતું. કેટલાક મુસ્લિમો માને છે કે ભારતની નીચે લંકાનો નકશો જોઈએ તો લાગે કે જાણે આંસુંનું ટીપું છે. આદમ અને ઇવની કથા જરા જુદી રીતે બાઇબલમાં પણ છે. આદમે ઉપરથી પૃથ્વી પર આવતી વખતે પ્રથમ પગલું લંકાના પર્વત પર મૂક્યું અને શિખર પર પંજો કોતરાઈ ગયો. આજે પણ તે છાપ દેખાય છે એમ શ્રદ્ધાળુ ખ્રિસ્તી અને મુસ્લિમ માને છે. આદમ એક હજાર વર્ષ રહ્યાં અને બાદમાં અરેબિયા ઇવને મળવા જવાનું થયું ત્યારે આ સેતુ બનાવ્યો. તેથી આ સેતુ એડમ્સ બ્રીજ છે એવું અંગ્રેજોએ પણ માની લીધું.રામસેતુ મેનમેઇડ છે તેવું સાયન્સ ચેનલે જણાવ્યું છે ત્યારે તે દિશામાં ચર્ચાઓ ચાલતી જ રહેશે.

Related posts

સવર્ણ અનામત : મોદીનો નવો દાવ

aapnugujarat

ભગવાન જગન્નાથની રથયાત્રા : રથયાત્રા – અનેરી મહા ભાવનાનું મહાપર્વ

aapnugujarat

ઝેર કોને કહેવાય ?? ચાણક્ય એ સરસ અને સચોટ જવાબ આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1