Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીમાં નોટાએ બગાડયો ખેલ : કોંગ્રેસને હતાશા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં તો આવી જવાની છે પરંતુ કોંગ્રેસને આ જીતથી દૂર રાખવામાં અપક્ષ ઉમેદવારોના મત અને નોટા(કોઇપણ ઉમેદવાર નહી)ના મતોએ બહુ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં અપક્ષ અને નોટાએ કોઇના ધ્યાનમાં ના આવે તેવી છૂપી રમત રમી લીધી છે. જેના કારણે આજે ભાજપ સત્તા બચાવવામાં સફળ રહી અને કોંગ્રેસના અરમાનો પર પાણી ફેરવાયા. જો અપક્ષ અને નોટાના વોટ કોંગ્રેસને મળ્યા હોત તો, આજે પરિણામોનું ચિત્ર જ કંઇક ઔર હોત. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૪૯.૧ ટકા મતો મળ્યા છે, જયારે કોંગ્રેસને ૪૧.૪ ટકા મતો મળ્યા છે. તો તે પછી જો સૌથી વધુ મત કોઇને મળ્યા હોય તો તે અપક્ષ ઉમેદવારો છે. અપક્ષ ઉમેદવારોને ૪.૩ટકા એટલે કે, ૧૨,૯૦,૧૫૬ મતો મળ્યા. તો નોટા(કોઇપણ ઉમેદવાર નહી)ના વિકલ્પમાં ૧.૮ ટકા મતો એટલે કે, ૫,૧૫,૭૦૮ મતો પડયા હતા. અપક્ષ અને નોટાને મળેલ મતોની ટકાવારી એનસીપી, બસપા જેવા રાષ્ટ્રીય પક્ષને મળેલા મતોની ટકાવારી કરતાં પણ વધુ હતી. જે બહુ સૂચક અને મહત્વનું મનાઇ રહ્યું છે. જો અપક્ષ અને નોટાના આ મતો કોંગ્રેસમાં પડયા હોય તો ગુજરાતની ચૂંટણીના પરિણામો કંઇક ઔર જ હોત અને તો કદાચ કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ થઇ હોત. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ સૌથી વધુ નોટાના વોટ રાજકોટમાં પડયા છે. રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ પછી જો કોઇને વધુ મત મળ્યા હોય તો ત્રીજા ક્રમે નોટાનો નંબર આવ્યો હતો. એટલે કે, નોટાના વિકલ્પમાં દરેક બેઠકમાં ૨૨૦૦થી ૨૫૦૦ મતો પડયા હતા અને કુલ મળી આશરે ૧૮થી ૨૦ હજાર જેટલા નોટાના વોટ ઇવીએમમાં નોંધાયા હોવાની મહત્વની વિગતો સામે આવી હતી. રાજકોટવાસીઓએ ભાજપ અને કોંગ્રેસમાંથી કે અન્ય કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારને ઇચ્છતા નહી હોઇ તેઓએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ જો અપક્ષ અને નોટાના આટલા મતો કોંગ્રેસની ઝોળીમાં પડયા હોત તો પરિણામોનું ચિત્ર કંઇક અલગ જ હોત. ગુજરાતની જેમ હિમાચલ પ્રદેશમાં પણ ૦.૯ ટકા મતદાતાઓએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં અપક્ષ ઉમેદવારોને ગુજરાત કરતાં વધુ એટલે કે, ૬.૭ ટકા મતો મળ્યા છે. હિમાચલપ્રદેશમાં ભાજપને ૪૮.૫ ટકા અને કોંગ્રેસને ૪૧.૪ ટકા મતો મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ભાજપ એક પછી એક રાજયમાંથી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી રહી છે, જેમાં આજે હિમાચલ પ્રદેશની સત્તા પણ આંચકી લેવામાં ભાજપ સફળ રહ્યું હતું.

Related posts

સાબરકાંઠા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા સરકારને પોસ્ટકાર્ડ લખાયા

editor

પાવાગઢનું મહાકાળી મંદિર ૧ જૂન સુધી બંધ રખાશે

editor

જાતિવાદ-પરિવારવાદ સામેની લડાઇમાં વિકાસવાદ જ જીતશે : સંબિત પાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1