Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ ઉપરના પોલીંગ સ્ટાફ સહિત પોલીસ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટથી કરાયું ઉત્સાહભેર મતદાન

નર્મદા જિલ્લામાં તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લાના નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ ઉપરના પોલીંગ સ્ટાફ, નોડલ ઓફિસર, પોલીસ જવાનો સહિતના અન્ય અધિકારીઓ-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ અને પ્રાયોજના વહિવટદારશ્રી તથા પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીશ્રી વી.બી. બારીયાની રાહબરી હેઠળ રાજપીપલાની સરકારી માધ્યમિક શાળા અને જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે જુદા જુદા દિવસોએ યોજાયેલા મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીશ્રી વી.બી. બારીયા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નર્મદા જિલ્લામાં ઉક્ત બન્ને વિધાનસભા વિસ્તારના ચૂંટણી ફરજ ઉપરનાં ૨૭૯૨ પોલીંગ સ્ટાફ પૈકી ૧૭૯૧ એ બેલેટ પેપર મેળવવા નિયત નમૂનામાં અરજી કરતાં તેમને બેલેટ પેપર પુરા પડાયાં હતા અને તેમાં ૧૨૬૫ નું મતદાન નોંધાયું છે. જ્યારે પોલીસ ફરજ ઉપરના તમામ ૧૯૬૭ જવાનોની માંગણી મુજબ બેલેટ પેપર પુરા પડાતાં તેમાં પણ ૧૬૬૫ જવાનોનું મતદાન નોંધાયું છે. આ સિવાય જિલ્લાનાં ૪૦ જેટલા ડ્રાઇવર-કંડક્ટર-કલીનરને પણ બેલેટ પેપર પુરા પડાયાં છે. જ્યારે નર્મદા જિલ્લા સિવાય જિલ્લા બહાર નોકરી કરે છે તેવા ૭૩૨ જેટલા અન્ય મતદારોની માંગણી મુજબ તેમને પણ બેલેટ પેપર પુરા પડાતાં, તેમાં પણ ૨૧ નું મતદાન થઇ જતાં તેમના બેલેટ પેપર અત્રે પરત મળેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી કચેરીમાં ખાસ મતદાન સુવિધા કેન્દ્રો પણ ઉભા કરાયાં છે. પોસ્ટલ બેલેટથી મતદાન માટે બાકી રહી ગયેલ હોય તેવા ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ/કર્મચારીઓ હજીપણ  તા. ૮ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ ડિસ્પેચીંગ કામગીરી સુધી પોસ્ટલ બેલેટથી તેમનું મતદાન કરી શકશે.

પ્રાપ્ય માહિતી મુજબ નાંદોદ વિધાનસભા બેઠકની ચૂંટણીનાં મતદાન માટે ચૂંટણી ફરજ ઉપરના કુલ- ૨૩૬૧ અધિકારી/કર્મચારીઓ પૈકી ૧૩૬૦ ની બેલેટ પેપરની માંગણી સંદર્ભે તમામને બેલેટ પેપર પુરા પાડવામાં આવ્યાં છે અને તે પૈકી ૯૭૧ જેટલાનું બેલેટથી મતદાન કરાયું છે. તેમજ ૧૪૦૮ જેટલા પોલીસ કર્મીઓને પણ તેમની માંગણી મુજબ બેલેટ પેપર પૂરા પડાતાં તેમાંથી ૧૧૨૩ જેટલા પોલીસ કર્મીઓએ મતદાન કર્યું છે. જ્યારે એસ.ટી.ના ૧૪ જેટલા ડ્રાઇવર-કંડક્ટરને પણ બેલેટ પેપર પુરા પડાયા છે. આ ઉપરાંત નર્મદા જિલ્લા સિવાય જિલ્લા બહાર નોકરી કરે છે તેવા ૫૮૯ જેટલા અન્ય મતદારોને પણ બેલેટ પેપર અત્રેથી પહોંચાડવામાં આવ્યાં છે, તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ ઉપરના કુલ- ૪૩૧ જેટલા પોલીંગ સ્ટાફને પુરા પડાયેલા બેલેટ પેપર પૈકી ૨૦૪ નું મતદાન નોંધાયું છે. જ્યારે પોલીસ ફરજ ઉપરના ૫૫૯ કર્મીઓને બેલેટ પેપર પુરા પડાતાં તે પૈકી ૫૪૨ નું મતદાન થયું છે. તેની સાથોસાથ ૨૬ જેટલા ડ્રાઇવર—કન્ડક્ટર-ક્લીનરની અરજી-માંગણી મુજબ બેલેટ પેપર પૂરા પડાયા છે. તદ્ઉપરાંત નર્મદા જિલ્લા સિવાય જિલ્લા બહાર નોકરી કરે છે તેવા ૧૪૩ ને તેમની માંગણી મુજબ બેલેટ પેપર પુરા પડાતાં તે પૈકી પણ ૨૧ નું મતદાન નોંધાયું છે.    

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરીમાં મત પેટીની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં બાકી રહેલા મતદારોને તેમના મતદાનના બેલેટ પેપર નાખવાની વ્યવસ્થા કરાઇ છે. તેવી જ રીતે મતદાન ટૂકડીની ડિસ્પેચીંગ સુધી વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. જ્યારે મત ગણતરીના દિવસે મત ગણતરી શરૂ થવાના નિયત કરાયેલા સમય પહેલાં પણ ટપાલ મતદાનની ટપાલો સ્વીકારવામાં આવશે.

Related posts

લોકરક્ષક દળના ઉમેદવારો વતી PMOને પત્ર લખાયો

aapnugujarat

સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો : વધુ ચારના મોત

aapnugujarat

વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1