અનેક દેશમાં ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી માટેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે ત્યારે અમેરિકાએ યુરોપ જનારા મુસાફરોને આતંકી હુમલાની ચેતવણી આપી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે યુરોપયાત્રા કરનારા સામે જોખમ છે. અમેરિકા ઘણા લાંબા સમયથી યુરોપ જનારા અમેરિકી નાગરિકોને હુમલાની વાત કરી વોર્નિંગ આપે છે.
નાતાલ અને ન્યૂ યરના તહેવાર નજીક આવી રહ્યાં છે ત્યારે યુરોપમાં આતંકી હુમલો થવાનાં એંધાણ આપ્યા છે. ગત ડિસેમ્બરમાં જર્મનીના બર્લિનમાં આવેલા ક્રિસમસ બજાર અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તુર્કીના ઇસ્તંબૂલના એક નાઇટ ક્લબમાં હુમલો થયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં હતાં.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ર્બિલનના ક્રિસમસ બજારમાં એક જેહાદી એ ટ્રકથી હુમલો કર્યો હતો. જેમાં ૧૨ લોકોનાં મોત નીપજ્યા હતાં. ટ્રક ડ્રાઇવરે બે કિમી સુધી ટ્રક હંકારી અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
જ્યારે ઇસ્તંબૂલમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થયેલા હુમલામાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આઇએસઆઇએસ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ગન સાથે આવેલા એક શખ્સે ગોળીબાર કરી ૩૯ લોકોનાં ઢીમ ઢાળી દીધાં હતાં.
અમેરિકાના વિદેશમંત્રાલયે ચેતવણી આપી છે કે, બ્રિટન, ફિનલેન્ડ, ફ્રાન્સ, રશિયા, સ્પેઇન અને સ્વિડનમાં થયેલા હુમલા પરથી કહી શકાય છે કે, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ તથા અલ કાયદા ક્રિસમસ કે ન્યૂ યરના દિવસે યુરોપમાં ત્રાટકવા માટે સજ્જ છે. અમેરિકાનું સૈન્ય સતત આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. આતંકી મૂવમેન્ટને લઇને અમેરિકી સૈન્ય સતર્ક થઇ ગયું છે.