Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ સંદર્ભે જિલ્લાની બેન્કો સાથે બેઠક યોજીને  માર્ગદર્શન પુરૂ પાડતાં  નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ અંતર્ગત આદર્શ આચારસંહિતાના અમલીકરણ સંદર્ભે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ બાબતે જિલ્લાની તમામ બેન્કોના અધિકારીશ્રીઓ સાથે યોજેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ બેન્કોએ ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના એકાઉન્ટની લેવડ-દેવડ સબબે જરૂરી કાળજી રાખવા અને જરૂર જણાય ત્યારે તે અંગેનો રિપોર્ટ જિલ્લા ચૂંટણીતંત્રને કરવા સૂચના આપી છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના નોડલ અધિકારીશ્રી એસ.જી.ગામીત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પઠાણ, લીડ બેંક ઓફિસરશ્રી વિજયભાઇ વસાવા, મિડીયા નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા સહિત જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, ચૂંટણી સ્પર્ધાના પ્રત્યેક ઉમેદવારે ઉમેદવારી કરતાં પહેલા ઓછામાં ઓછા એક દિવસ અગાઉ ફક્ત ચૂંટણી ખર્ચ માટે પોતાનું અલાયદુ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. ઉમેદવારે તેની નામ નિયુક્તિ દાખલ કરતી વખતે ચૂંટણી અધિકારીને લેખિતમાં સંબંધિત બેન્કનો પોતાનો ખાતા નંબર આપવાનો રહેશે. ચૂંટણીની કામગીરી માટે ખર્ચવામાં આવનાર તમામ નાણાં, ઉમેદવારના પોતાના ફંડ સહિત કોઇપણ સાધનમાંથી મળેલા નાણાંને લક્ષમાં લીધા સિવાય બેન્કના ખાતામાં જમા કરાવશે. ચૂંટણી ખર્ચ માટે ઉમેદવારના નામે અથવા તેના ચૂંટણી એજન્ટ સાથે સંયુક્ત નામે બેન્કમાં ખાતું ખોલાવી શકાશે. સહકારી બેન્કો સહિત કોઇપણ બેન્કમાં ચાલુ અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાશે. ઉમેદવારે ચૂંટણી માટે ખોલેલા તેના બેન્કના ખાતામાંથી ક્રોસ્ડ એકાઉન્ટ પેયી ચેકથી જ ચૂંટણીનો તમામ ખર્ચ કરવાનો રહેશે. આમ છતાં, ઉમેદવારે કોઇ વ્યક્તિ / પેઢીને ખર્ચની કોઇ ચીજવસ્તુ માટે ચૂકવવાપાત્ર રકમ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રૂા.૨૦,૦૦૦/- થી વધતી ન હોય તો આવો ખર્ચ ચૂંટણી માટે ખોલેલા બેન્કમાંથી તે રકમ ઉપાડીને રોકડમાં કરી શકાશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા અને ઉત્તરદાયિત્વના હિતમાં ઉમેદવારે કોઇ એક વ્યક્તિ કે પેઢી પાસેથી રૂપિયા ૨૦ હજારથી વધુ રકમ દાન કે લોન સ્વરૂપે રોકડમાં મેળવી શકાશે નહિ અને આવા રૂા.૨૦ હજારથી વધુ રકમના તમામ દાન કે લોન ફક્ત એકાઉન્ટ પેયી (A/c Payee) ચેક અથવા ડ્રાફ્ટથી જ મેળવી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ વધુમાં શંકાસ્પદ વ્યવહાર અંગે ચૂંટણીપંચ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાની વિગતો આપતા ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂા.૧૦ લાખથી વધુ રકમનો બેન્કના ખાતામાંથી અસામાન્ય રીતે શંકાસ્પદ રીતે ઉપાડ થાય અથવા રોકડ જમા થાય અને ખાસ કરીને છેલ્લા બે મહિનામાં આવો કોઇ ઉપાડ કે રકમ જમા કરવામાં આવી ન હોય, એક બેન્ક ખાતામાંથી જિલ્લામાં / મતદાર વિભાગમાં ઘણી બધી વ્યક્તિઓના ખાતામાં આરટીજીએસ દ્વારા રકમની અસામાન્ય તબદીલી ખાસ કરીને અગાઉ જ્યારે આવી તબદીલી કરવામાં ન આવી હોય, રાજકીય પક્ષના ખાતામાંથી રૂા.૧ લાખથી વધુ રકમનો રોકડથી ઉપાડ અથવા રોકડ જતાં થયા હોય અથવા અન્ય કોઇ શંકાસ્પદ લેદડ-દેવડની બાબત ધ્યાને આવે તો બેન્કોને આવી તમામ વિગતોથી જિલ્લા ચૂંટણીતંત્રને વાકેફ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

શ્રી નિનામાએ આ બેઠકમાં એટીએમ વાન અને અન્ય દ્વારા રોકડના પરિવહન માટે માનક કામગીરી સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બેન્કની રોકડનું પરિવહન કરતી હોય એવી એજન્સીઓ/કંપનીઓની રોકડ વાન કોઇ પણ સંજોગોમાં બેન્ક સિવાયની કોઇપણ ત્રીજા પક્ષ/વ્યક્તિઓની રોકડ લઇ જઇ શકાશે નહિ. જિલ્લાની બન્ને બેઠકો માટેના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયા બાદ આ બેઠકો માટે ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારોની જરૂરી વિગતો જિલ્લાની તમામ બેન્કોને પુરી પાડવામાં આવશે તેમ પણ શ્રી નિનામાએ વધુમાં ઉમેર્યું હતું.

Related posts

વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

editor

CM to interact with nomadic tribes under ‘Mukhyamantri Saathe Mokla Mane’

aapnugujarat

સુરતમાં ઝડપાયું ૨૦૦૦-૫૦૦ની નકલી નોટ બનાવવાનું કારખાનું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1