Aapnu Gujarat
ગુજરાત

જીએસટીનો અમલ દોઢ વર્ષ માટે મોકૂફ રાખોઃ શંકરસિંહ

કોંગ્રેસ સાથે છેડો ફાડી જનવિકલ્પ મોરચાનું નેતૃત્વ સંભાળનાર પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપ સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ અને કેન્દ્રની મોદી સરકારને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, જન વિકલ્પના નેજા હેઠળ મેં છેલ્લા ૧૩ દિવસમાં રાજયભરમાંછ હજાર કિલોમીટરનો રાજયમાં પ્રવાસ કર્યો અને છેવાડાના માનવીને રૂબરૂ મળ્યો ત્યારે મેં અનુભવ્યું કે, લોકો બહુ દુઃખી છે, ત્રસ્ત છે. મહિલાઓ, ખેડૂતો, બેરોજગાર યુવાઓ બધાની હાલત કફોડી છે. જીએસટીથી વેપારીઓ આત્મહત્યા કરવા પ્રેરાયા છે તો લાખો કારીગરો બેકાર થઇ ગયા છે. નોટબંધીએ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર અને કન્સ્ટ્રકશન સહિતના સેકટરને તોડી નાંખ્યા છે. લોકો ભિખારી બની જાય અને આપઘાત કરવા પ્રેરાઇ જાય એટલી હદ સુધીનો ત્રાસ ના ગુજારો. માનવતા ખાતર પણ જીએસટીનો અમલ દોઢ વર્ષ સુધી મોકૂફ રાખો. અનામતના મુદ્દે કોઇ રાજકારણ ના થવું જોઇએ. ગુજરાતમાં બિનઅનામત સમાજ માટે ૨૫ ટકા અનામતની જોગવાઇ કરતો કાયદો પસાર કરો અને દિલ્હી સરકાર તેને બહાલી આપે. જીએસટી અને નોટબંધીના મુદ્દે ભાજપ અને મોદી સરકારને આડા હાથે લેતાં બાપુએ જણાવ્યું કે, જીએસટીના કારણે ગુજરાતની આર્થિક રાજધાની સુરત બેહાલ બન્યું છે. આશરે પંદર લાખ પરપ્રાંતીય કારીગરો સુરતમાંથી જતા રહ્યા છે, તો અન્ય પંદર લાખ કારીગરો બેકાર બન્યા છે. જીએસટીના લીધે ઉદ્યોગો મંદીના ખપ્પરમાં અને ત્રાહિમામ્‌ પોકારી શટરો પાડી રહ્યા છે. અર્થ વગરની નોટબંધીએ બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે. કાયદા અને કર પ્રજાની સુખાકારી અને ક્લ્યાણ માટે હોવા જોઇએ, તેમને ગળેટૂંપો દેવા માટે નહી. દોઢ વર્ષ સુધી જીએસટીનો અમલ મોકૂફ રાખવાની માંગણી કરતાં વાઘેલાએ જણાવ્યું કે, જીએસટી મોકૂફ રાખવાથી સરકારની આવકમાં બહુ ફેર નહી પડે અને ફેર પડે તો, જાહેરાતો પાછળ ઓછો ખર્ચ કરે. પેટ્રોલ-ડિઝલ પરનો વેટ-એક્સાઇઝ ઘટાડી તેના ભાવો સરકારે સસ્તા કરવા જોઇએ. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના લોકોની વેદના પરત્વે સંવેદના વ્યકત કરતાં જણાવ્યું કે, મારા ચૂંટણી પ્રવાસ દરમ્યાન મેં જોયું કે, લોકો ભાજપ-કોંગ્રેસથી પરેશાન છે અને તેમના પ્રશ્નો, વેદનાને વાચા આપવા અને તેમના આંસુ લૂછવા માટે બાપુના જન વિકલ્પ મોરચો જ સક્ષમ છે, તેવી શ્રધ્ધા રાખીને બેઠા છે. ખેડૂતોની લાગણી જાણતાં તેમણે જણાવ્યું કે, સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાની જરૂર છે અને તે પણ તાલુકા કક્ષાએ ખરીદ કેન્દ્રો ઉભા કરીને. ખેડૂતોની જેમ બેરોજગાર યુવાનો પણ અંધકારમાં ગરકાવ છે પરંતુ જો જનવિકલ્પ મોરચાની સરકાર બનશે તો, ૧૦૦ દિવસમાં જ તેઓને રોજગારી અપાશે. બાપુએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના પ્રજાજનોને દુઃખ-દર્દ સમજવામાં ભાજપ અને કોંગ્રેસ બંને નિષ્ફળ રહ્યા છે ત્યારે જન વિકલ્પ મોરચા દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં કહેવાતા હાઇકમાન્ડ દ્વારા નહી પરંતુ સ્થાનિક લોકો દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો ચૂંટણીમાં ઉતારવામાં આવશે. આ માટે જે લોકો મને મળવા માંગતા હોય તેઓને હું રૂબરૂમાં વન ટુ વન મળીશ. જેમાં તા.૬ઠ્ઠીએ શાહીબાગ સરકીટ હાઉસ ખાતે, ૭મીએ વડોદરા રાધેેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે, ૮મીએ ગાંધીનગર વસંતવગડોના મારા નિવાસસ્થાને અને ૧૪મીએ સૌરાષ્ટ્રના લોકોને રાજકોટ ખાતે સરકીટ હાઉસમાં બધાને મળીશ. વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા રહેશે અને ગુજરાતની જનતા અમારી હાઇકમાન્ડ રહેશે.

Related posts

મોદીના કાફલાની તપાસ કરનાર અધિકારીને શા માટે સસ્પેન્ડ કરાયા..? : અહેમદ પટેલ

aapnugujarat

વીએસ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને ટિફીન લાવવા પર પ્રતિબંધ મુકાયો

aapnugujarat

रिक्शा चालकों के द्वारा की गई हड़ताल फ्लोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1