Aapnu Gujarat
ગુજરાત

સ્વાઈન ફ્લૂ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે : આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી

આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના રોગને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહેલ છે. આરોગ્ય વિભાગના સઘન આયોજન અને સમયસરના પગલાંને લીધે ૬૮૧થી વધુ લોકોને સારવાર મળતા સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યભરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તથા આરોગ્યકર્મીઓની ટીમો દ્વારા ત્વરીત સારવાર પણ આપવામાં આવી રહી છે.

આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉમેર્યું હતું કે, સ્વાઈન ફ્લૂના રોગને નિયંત્રણમાં લેવા માટે તથા લોકોને ત્વરીત અને ઘનિષ્ઠ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ રોજ-બરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું કે, તા.૧લી જાન્યુઆરીથી ૧૫ ઓગસ્ટ-૨૦૧૭ સુધીમાં ૧૮૮૩ સ્વાઈન ફ્લૂના પોઝીટીવ કેસો મળ્યા છે જેમાં પ્રથમ ૬ માસમાં ૨૫૬ કેસ, જુલાઈમાં ૩૨૨ અને ઓગસ્ટમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૦૫ કેસ નોંધાયા છે, જે પૈકી ૯૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સારવાર દરમિયાન ૨૦૮ દર્દીઓના મૃ્ત્યુ સ્વાઈન ફ્લૂના કારણે થયા છે. જે મૃ્ત્યુ થયા છે તે પૈકી ૬૦ ટકા લોકોને એક યા બીજી ગંભીર બિમારી સાથે સ્વાઈન ફ્લૂ થવાથી મૃત્યુ થયું છે. જે પૈકીના ૩૬ ટકાને ડાયાબિટીસ, ૨૯ ટકાને હ્રદયની બીમારી, ૧૦ ટકાને ફેફસા-અસ્થમા-ટી.બી. જેવા રોગો, ૧૦ ટકાને કિડનીના રોગો, ૨ ટકાને જન્મજાત ખોડખાપણ અને ૧૫ ટકાને કેન્સર, એઈડ્સ થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ હતી.

મંત્રીશ્રી ચૌધરીએ ઉમેર્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યકર્મીઓ થકી પ્રથમ તબક્કામાં ઘરે-ઘરે જઈને ૪ કરોડથી વધુ લોકોના સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે. સાથે સાથે ૫ હજારથી વધુ એમબીબીએસ ડોકટરો સહિત ૧૭ હજારથી વધુ આરોગ્યકર્મીઓની ટીમો ખડેપગે સેવા બજાવી રહી છે. આ રોગની સારવાર માટે સરકારી   

 અને ખાનગી હોસ્પિટલોમાં એડલ્ટ વ્યક્તિઓ માટે ૪૫૦ અને બાળકો માટેના ૫૩ વેન્ટિલિટરની સુવિધા ઉપલબ્ધ છે. દવાનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. જેમાં ૧૫ લાખથી વધુ ટેમીફ્લૂ કેપ્સૂલ અને ૩ હજારથી વધુ ટેમીફ્લૂ સીરપનો જથ્થો ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, પ્રાઇવેટ કેમીસ્ટો સાથે પણ આ દવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર તેને ત્રણ પ્રીસ્ક્રીપ્શનથી આપવાની જુની પધ્ધતિને સરકારે બદલી હવે ફકત એક જ પ્રીસ્ક્રીપ્શનથી મળે તેવું આયોજન કરેલ છે અને ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર દ્વારા તેનું રોજે રોજના વપરાશનું મુલ્યાંકન કરવામાં આવે છે તેમજ તમામ દવાની દુકાનોમાં ઉપલબ્ધતાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, હાલ સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળના ૩૩૮ દર્દીઓ પૈકી બાય પેપ ઉપર ૩૨, ઓક્સીજનસપોર્ટ ઉપર ૯૪ જ્યારે વેન્ટીલેટર ઉપર ૯ દર્દીઓ એમ કુલ ૧૩૫ દર્દીઓ ઘનિષ્ટ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુનાં નિદાન માટે અંદાજે ચારથી પાંચ હજાર રૂપિયાનો ટેસ્ટીંગ ખર્ચ હોય છે. પરંતુ ખાનગી કે સરકારી દવાખાનાઓમાં સારવાર લેતા તમામનું વિનામૂલ્યે નિદાન સરકાર કરી આપે છે. જે માટે હાલ બી. જે. મેડીકલ/સોલા/એન.એચ.એલ. મેડીકલ કોલેજ -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને ભુજ એમ કુલ-૦૯ તબીબી મહાવિદ્યાલયોમાં સુવિધા ઉપલબ્ધ છે. તથા ૦૨ ખાનગી લેબોરેટરીને પણ મંજુરી આપવામાં આવી છે. અગાઉ આ ટેસ્ટ માટે પુના સેમ્પલ મોકલવા પડતા હતા પણ હવે ગુજરાતમાં ૦૯ જગ્યાએ વિનામુલ્યે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. રાજ્યમાં દરરોજ ઓસેલ્ટામીવીર (ટેમીફ્લૂ) વપરાશનું સઘન મોનીટરીંગ કરવામાં આવે છે. આજ દિન સુધી ૩૧,૦૦૦થી વધુ લોકોને દવા દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિવિધ સરકારી હોસ્પિટલોમાં ૪૫૦ અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૭ આઈશોલેશન બેડની વ્યવસ્થા છે. તેમજ પી.પી.ઈ કીટ-૧૬૦૦૦થી વધુ, એન-૯૫ માસ્ક ૫૨,૦૦૦થી વધુ અને ટ્રીપલ લેયર માસ્ક ૨૦,૪૬,૦૦૦થી વધુ ઉપલબ્ધ છે.

 મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં ૧૩૯૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૬૪ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૨૨ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તથા ૨૩ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને હોસ્પિટલના પ્રાંગણમાં આવેલ પંડિત દીનદયાળ જેનેરિક સ્ટોર એમ કુલ ૧૮૦૦ થી વધુ એકમોમાં વિનામૂલ્યે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજયની અંદર આરોગ્યકર્મીની કુલ ૧૭,૦૦૦ જેટલી ટીમો ફરજ બજાવી રહી છે. ઉપરાંત રાજયમાં ૪૩,૦૦૦ આશાબહેનો અને ઉષાબહેનો પણ પાયાની કામગીરી કરી રહેલ છે. આ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઇ ૪ કરોડ થી વધુ વ્યક્તિઓનુ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. બીજા તબક્કાના આવર્તનમાં ૨ કરોડથી વધુ વ્યક્તિઓને સર્વેલન્સની કામગીરી ચાલુ છે. રાજયમાં ૫૦૦૦થી વધુ એમ.બી.બી.એસ. ડૉકટરો ઘનિષ્ઠ સારવાર આપી રહ્યા છે, અને ૩૦૦૦થી વધુ આયુષ ડૉકટરો પણ સર્વેલન્સ તેમજ જનજાગૃતિની કામગીરી બજાવી રહયાં છે. મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન નીચે જિલ્લાનું સમગ્રતયા તંત્ર આ વિશાળ માનવબળ સાથે સ્વાઇન ફલુને નાથવા માટે ફરજ બજાવી રહેલ છે.

 આયુર્વેદ વિભાગ તરફથી વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર આશરે ૨૫ લાખ જેટલા લોકોને વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાઓ આપવામાં આવેલ છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજય સરકારની સાથે કદમથી કદમ મીલાવી આ સ્વાઇન ફલુને નાથવામાં મદદરૂપ થાય છે. તેવી જ રીતે પ્રાઇવેટ કેમીસ્ટ એસોસીએશન પણ આ કામગીરીમાં સહભાગી બનેલ છે. રાજ્ય સરકાર દ્વારા સ્વાઈન  ફ્લુના દર્દીના નજીકના સગાઓનું નિરિક્ષણ કરી જરૂર જણાય રોગ ન થાય તે માટેની ૦૫ દિવસ સુધી દવાઓ આપવામાં આવેલ છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Related posts

ગૃહરાજયમંત્રીના વિસ્તારથી કપાયેલી ગાયો મળતાં વાતાવરણ તંગ

aapnugujarat

सरदार सरोवर बांध में जलस्तर १३६ मीटर के निशान के पार

aapnugujarat

ચોરીના વાહન સાથે શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1