Aapnu Gujarat
ગુજરાત

સાવલીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ નારી સંમેલન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે, સમાજમાં મહિલાઓને બિચારી-બાપડી-લાચાર અબળા નહીં પરંતુ મહિલાઓ સામાજીક, આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ વધે તે માટેનું સામર્થ્ય સરકારે પુરૂં પાડ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્તમાન સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૫૦ ટકા પ્રતિનિધિત્વ પુરૂં પાડવા સાથે પોલીસ દળમાં ૩૩ ટકા મહિલાઓની ભરતી કરવાનો ઐતિહાસિક નિર્ણય લઇ મહિલાઓને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વડોદરા જિલ્લામાં સ્વતંત્રતા પર્વની રાજય સ્તરીય ઉજવણી અન્વયે સાવલી ખાતે રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ જિલ્લા સુશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિરાટ નારી શક્તિ સંમેલનમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જિલ્લાની ૪૦૦૦ હજાર ઉપરાંત ગરીબ પરીવારની મહિલાઓને રાંધણ ગેસ જોડાણનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ બે આંગણવાડી કાર્યકરોનું માતા યશોદા એવોર્ડ આપી બહુમાન કરવા સાથે આંગણવાડીના બાળકો માટે પૂર્વ પ્રાથમિક કીટ, પ્રધાનમંત્રી મુદ્ધા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્ટેન્ડઅપ, મિશન મંગલમ તેમજ સંકટ મોચન યોજના હેઠળ લાભોનું  લાભાર્થીઓને વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રજાની આશાઓ-અપેક્ષાઓ અને આકાંશાઓ પુરી પાડી સરકારે છેવાડાના માનવીને સુશાસનની અનુભૂતિ કરાવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ૫ કરોડ ગરીબ પરિવારોની મહિલાઓને રાંધણ ગેસ પુરા પાડવામાં આવશે. ગુજરાતે પણ આ યોજના હેઠળ સમગ્ર રાજયમાં ગરીબ પરિવારોને રાંધણ ગેસ પુરા પાડ્યા છે જેથી હવે ગરીબ મહિલાઓને ચૂલા ફુકવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તેમનું આરોગ્ય પણ સચવાશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસનો અલાયદો વિભાગ શરૂ કરી ૪૮ ટકા મહિલાઓની ચિંતા કરી સરકારે નારીશક્તિનું ગૌરવ-સન્માન વધાર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ બાંધકામ શ્રમિકો માટેની રાહત દરે ટીફીન સેવા, મા અન્નપૂણા, મા અમૃત્તમ, મા વાત્સલ્ય યોજના, ૧૮૧ અભયમ, મહિલા ઉદ્યોગ સાહસિકો માટેની યોજનાઓ, સસ્તી જેનેરીક દવાઓ સહિત વિવિધ યોજનાઓની વિશદ છણાવટ કરી ચોમાસાની ઋતુમાં પાણી જન્ય રોગચાળો, સ્વાઇનફ્લુ, મેલેરીયા જેવા રોગો સામે સમાજમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા મહિલાઓને આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહિલા સહિત રાજયની યુવા શક્તિને રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાઓ દ્ધારા ૧૦ લાખ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીના અવસરો પુરા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં અમદાવાદમાં યોજાયેલ મહિલા રોજગાર મેળામાં ૨૫ હજાર મહિલાઓને રોજગારી પુરી પાડી છે સરકારે છેલ્લા એક વર્ષમાં ૮૦ હજાર યુવાનોને સરકારી નોકરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયમાં ૩.૫૦ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નારીશક્તિના તપ-સાધના અને આરાધનાથી સમાજ અને રાષ્ટ્ર શક્તિશાળી બન્યા છે. આ અવસરે વડોદરા જિલ્લો તથા સાવલી તાલુકાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ-સંગઠનો દ્ધારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી આત્મારામ પરમારે નારી સશક્તિકરણ અભિયાનને બિરદાવતા જણાવ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો અને કન્યા કેળવણી જેવા અભિયાનો અમલમાં મૂક્યા હતા. જેને કારણે મહિલાઓ સશક્ત બની છે. મંત્રીશ્રીએ મહિલા ઉત્થાન માટે રાજય સરકારે અમલમાં મુકેલ અનેકવિધ યોજનાઓની વિગતો આપી મહિલાઓને તેના સવિશેષ લાભો લેવા જણાવ્યું હતું.

સાવલીના ધારાસભ્યશ્રી કેતનભાઇ ઇનામદારે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાની દિર્ધદ્ધષ્ટીથી દેશને નવી દિશા આપી છે. સાવલી તાલુકામાં મહિલા સંમેલન યોજના બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન આપી મહિલા ઉત્થાન માટે રાજય સરકારે આદરેલા પ્રયત્નોને બિરદાવી સાવલી તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૫૦ કરોડથી વધુ રકમના વિકાસ કામો થયા હોવાનું જણાવ્યું હતું.

પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધીએ સૌનો આવકાર કરતાં જણાવ્યુ કે, વડોદરા જિલ્લામાં ૩૧ હજાર ગરીબ પરિવારોને રાંધણગેસ જોડાણ પુરા પાડવામાં આવ્યા છે. અંતમાં આભારવિધિ મદદનીશ કલેકટર શ્રી રચિત રાજે કર્યુ હતું.

આ અવસરે ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, નિર્મલાબેન વાઘવાણી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નારીશક્તિ ઉમટી પડી હતી.

Related posts

रथयात्रा के रूट की सुरक्षा व्यवस्था का प्री-रिहर्सल

aapnugujarat

મા બહુચરાજીને અર્પણ થયેલા ફૂલોમાંથી બનશે ખાતર, ખેતરમાં પાકશે સોનારૂપી પાક!

aapnugujarat

સુરતમાં ભાજપના ઉમેદવારને ખેસ ખિસ્સામાં નાખીને ભાગવું પડ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1