Aapnu Gujarat
ગુજરાત

કાકરાપાર -ગોરધા-વડને જોડતી ઉદ્દવહન સિંચાઈ યોજનાને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે : ગણપતસિંહ વસાવા

માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર -ગોરધા-વડને જોડતી ઉદ્દવહન સિંચાઈ યોજના અને દિણોદ-બોરીદ્રા-કંટવા ઉદ્દવહન સિંચાઈ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક આજરોજ માગરોળ તાલુકાના નાની નરોલી જી.આઈ.પી.સી.એલના સભાખંડમાં વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

રૂા.૫૧૧ કરોડના ખર્ચે તૈયાર થનાર કાકરાપાર-ગોરધા-વડને જોડતી ઉદ્દવહન સિંચાઈ યોજના સાકાર થવાથી માંગરોળના ૨૦ અને માંડવી તાલુકાના ૨૭ મળી કુલ ૪૭ ગામોની ૩૮૨૦૦ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. જેનાથી ૨૩,૦૦૦ કરતા વધુ ખેડૂતોને લાભ થશે. મોજણી અને સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આવતા મહિનામાં સિંચાઈ યોજનાનું કામ શરૂ થનાર છે. જયારે રૂા.૩૫.૫૭ કરોડના ખર્ચે તૈયાર થનાર દિણોદ-બોરીદ્રા-કંટવા ગામની સિંચાઈ યોજના અંતર્ગત ૪૪૮૦ એકર વિસ્તારને પાણી મળતુ થશે. જેની ૫૭ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

આ પ્રસંગે મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, સિંચાઈ યોજનાઓ પરિપૂર્ણ થવાથી આપણા વડીલોના વર્ષો જુના સપનાઓ સાકાર થશે. આદિવાસી સમાજના ખેડુતોમાં ઘરતીમાંથી સોનું ઉગાડવાની તાકાત રહેલી છે તેમ જણાવીને કહ્યું કે, રાજયના આ સૌ પ્રથમ સિંચાઈના પ્રોજેકટમાં ૩૬ કિ.મી. લંબાઈની મુખ્ય પાઈપ-લાઈન દ્વારા કાકરાપારથી પાણી લાવવામાં આવશે. રાજય સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે સંવેદનશીલ છે. વર્ષો સુધી ભૂતકાળની સરકારોએ માંગરોળ વિસ્તારમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે એક કોલેજ પણ શરૂ કરી શકયા ન્હોતા જેથી તેઓને ઉપવાસ પર બેસવાનો અધિકાર નથી. સિંચાઈનું પાણી આવે તે માટેની ઝડપથી કામગીરી કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત એલ.એન્ડ ટી. કંપનીને કામગીરી સોપવામાં આવી હોવાની વિગતો શ્રી વસાવાએ આપી હતી. સિંચાઈના પાણી ખેતરોમાં આવશે જેના પરિણામે પશુપાલન વ્યવસાયમાં ચાર ગણો વધારો થશે. મંત્રીશ્રીએ આ યોજનાનો દુષ્પ્રચાર કરનારાઓથી સાવચેત રહેવા સૌ કોઈને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દિલિપસિંહ રાઠોડે માગરોળથી ઝંખવાવના પૂર્વ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સિંચાઈની સુવિધાઓ મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરનારા મંત્રીશ્રી વસાવાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીના મહેનતુ ખેડૂતોને સિંચાઈ લાભ મળે તે માટે કરોડોના ખર્ચે યોજનાને ઝડપથી પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ વેળાએ સિંચાઈના ઈજનેરશ્રી પટેલે પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા ખેડૂતોને ઉદ્દવહન યોજનાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદનબેન, પ્રાંત અધિકારીશ્રી બારૈયા, શ્રી હર્ષદભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં માંગરોળ તાલુકાના ખેડૂતો, સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજાપુર ગાયત્રી મંદિર ખાતે યજ્ઞ યોજાયો

editor

Culture Camp-2019 at Hare Krishna Mandir, Bhadaj marked an end with Talents Day

aapnugujarat

વડાપ્રધાન મોદી સરદાર વલ્લભાઈ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે : મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1