Aapnu Gujarat
ગુજરાત

છરો બતાવીને લૂંટ કરતી ગેંગનો આરોપી ઝડપાયો

શહેરના મણિનગર, ઘોડાસર, ખોખરા સહિતના વિવિધ વિસ્તારોમાં નિર્જન કે જયાં અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ એકલદોકલ આવતા જતાં લોકોને છરો બતાવી લૂંટી ચલાવતી ટોળકીના એક લબરમૂછિયા આરોપીને શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી ટોળકીના અન્ય સભ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ આરંભી છે. શહેર ક્રાઇમબ્રાંચના નાયબ પોલીસ કમિશનર દીપન ભદ્રન અને મદદનીશ પોલીસ કમિશનર ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એન્ટી પ્રોપર્ટી સ્કવોડના અધિકારીઓ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે ઓઢવ રબારી કોલોની ચાર રસ્તા પાસેથી આરોપી શીવા ઉર્ફે ધીરુ મરાઠી કિશનભાઇ સોનવણે(ઉ.વ૨૦)(રહે.નવા બનાવેલ ઔડાના મકાનમાં, ઓઢવ ચાર માળિયા, કડિયાનાકા, ઓઢવ)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી કે, આજથી બે મહિના પહેલાં પોતે અને તેનો મિત્ર મયુર સોલંકીએ ઘોડાસર કેનાલ પાસે એક શખ્સના ગળા પર છરો મૂકી તેના ખિસ્સામાંથી મોબાઇલ અને રૂ.૧૦૦૦ રોકડાની લૂંટ ચલાવી હતી. આ સિવાય આરોપીએ અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી હતી. જે મુજબ, આજથી અઢી મહિના પહેલા પોતાના મિત્રો સાથે ચીલોડા પાસે સાબરમતી નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે ત્યાં ન્હાવા આવેલ ચાર-પાંચ જણાંના નદી કિનારે પડેલ કપડા અને ચાર મોબાઇલ ચોરીને નાસી ગયા હતા. જયારે એકાદ મહિના પહેલા મણિનગરમાં ઇલાજ મેડિકલ સ્ટોરની સામે ભૈરવ ભોજનાલય પાસે પોતાના મિત્રો સાથે જમવા બેઠા હતા ત્યારે જમવા આવેલા એક શખ્સને લાફો મારી તેની પાસેથી રૂ.૩૨૦૦ની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. આ જ પ્રકારે વીસેક દિવસ પહેલાં મણિનગર સેવન ડે બ્રીજ પરથી પોતાના મિત્રો સાથે મળી મોટરસાયકલ ઉભી રાખી વાત કરતાં બે શખ્સોને રાત્રિનો સમય હોઇ છરાની અણીએ ડરાવી તેઓની પાસેથી બે મોબાઇલ અને રૂ.૬૦૦૦ રોકડા લૂંટ કરી ભાગી ગયા હતા. પોલીસે આ તમામ ગુનાઓની કબૂલાતના આધારે ટોળકીના અન્ય આરોપીઓને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મળેલી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચની તપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે, આરોપી શીવા ઉર્ફે ધીરુ મરાઠી કિશનભાઇ સોનવણે અગાઉ પણ ખોખરા પોલીસમથક સહિતના મારામારી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના આરોપી મિત્ર મયુર સોલંકીને અગાઉ પોલીસે ઝડપી લીધો છે. જો કે, ક્રાઇમબ્રાંચે આરોપી શીવાની પૂછપરછના આધારે આ સમગ્ર મોડેસ ઓપરેન્ડીના આધારે અત્યાર સુધીમાં ચલાવાયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા અને અન્ય આરોપીઓને ઝબ્બે કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

ચંડોળા તળાવને કાંકરિયાની જેમ વિકસાવવા માટે તૈયારી

aapnugujarat

“પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ.ને અપાયો

aapnugujarat

વઢવાણા ખાતે પક્ષીઓની ૨૯મી વસ્તી ગણતરી સંપન્ન

editor

Leave a Comment

UA-96247877-1