Aapnu Gujarat
ગુજરાત

પ્રહલાદનગર પે એન્ડ પાર્કને બંધ કરાતાં લોકોને પરેશાની

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન માટેના નવા અભિગમ હેઠળ શહેરમાં નવા મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટને અમલમાં મુકાઇ રહ્યા છે. જેમાં પ્રહ્લાદનગર ગાર્ડન સામેના મલ્ટિલેવલ પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. પ્રહ્લાદનગર ગાર્ડન સામેના મ્યુનિસિપલ પ્લોટમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનનાર છે. જો કે આ વિશાળ પ્લોટનો અત્યાર સુધી પે એન્ડ પાર્ક તરીકે ઉપયોગ થતો હોવાના કારણે પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પાર્કિંગના મામલે આશીર્વાદરૂપ હતો. પરંતુ ગઇ કાલથી આ પે એન્ડ પાર્કને બંધ કરી દેવાયો છે, ત્યારે ઉનાળાના વેકેશનમાં પ્રહ્લાદનગર ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યા વધવાની હોઇ તેમના વાહનના પાર્કિંગ સહિતની સમસ્યા વધુ જટિલ અને માથાના દુઃખાવા સમાન બની રહેવાની શકયતા છે. પ્રજાની હાલાકી વધારીને અમ્યુકો અને ટ્રાફિક સત્તાધીશો સમગ્ર મામલાથી આંખ આડા કાન કરી રહ્યા હોવાનું ચિત્ર જાણે સામે આવી રહ્યું છે. પે એન્ડ પાર્ક બંધ કર્યા બાદ હવે આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની સતત ચાલતી ટોઇંગ ઝુંબેશના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હવે દશા ભૂંડી થવાની છે. અહીંં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં સહેજે અઢીથી ત્રણ વર્ષ લાગી જવાનાં હોઇ પાર્કિંગની વૈકલ્પિક વ્યવસ્થા વગર પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓ અને આસપાસના વિસ્તારના લોકો પાર્કિંગ ક્યાં કરશે તે મોટો પ્રશ્ન સર્જાયો છે. તંત્ર દ્વારા પ્રહ્લાદનગર ગાર્ડન સામેના પે એન્ડ પાર્કમાં આઠ માળ ઊંચું મલ્ટિલેવલ પાર્કિંગ કોમ્પ્લેક્સ બનાવવા માટે બે-ત્રણ દિવસ પહેલા ૧રથી ૧૩ ધટાદર વૃક્ષને કાપી નખાયાં હતાં ત્યારબાદ તેના બે ગેટ પૈકી એક ગેટને વાદળી પતરાની આડશથી બંધ કરી દેવાયો હતો. અહીંના પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરાયા બાદ ગઇ કાલથી સત્તાવાળાઓએ આ જગ્યાને કાયમ માટે બંધ કરી છે. પ્રહ્લાદનગર ગાર્ડન સામેનો આશરે ૭૦૦૦ ચો.મીટરનો વિશાળ જગ્યા ધરાવતો આ પે એન્ડ પાર્કનો પ્લોટ ગઇકાલથી બંધ કરાતા પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓ હવે પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેની ચિંતામાં ગરકાવ થયા છે. પ્રહ્લાદનગર ગાર્ડનની દીવાલને અડીને ટ્રાફિકને નડતરરૂપ ન હોય તે રીતે વાહન પાર્ક કરનારા મુલાકાતીઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવાતી ટ્રાઇંગ ઝુંબેશને પગલે ફફડાટ ફેલાયો છે. કોઇપણ નાગરિકનું વાહન રોડ પર દશ મિનિટ માટે પણ આડું અવળું પાર્ક કરાયેલું વાહન નજરે ચડે કે ટ્રાફિક પોલીસ તરત તે વાહન ઉપાડી જાય છે. આમાં પણ ટ્રાફિક પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને દંડે છે. ફોર વ્હીલર ચાલકો સામે કડકાઇથી કામ લેવાતું નથી. સમગ્ર મામલે રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, તેઓ ટ્રાફિક પોલીસની કામગીરીમાં તંત્ર દખલ ન કરી શકે. તેમ છતાં આ અંગે ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરીશ. પ્રહ્લાદનગર ગાર્ડન સામેના ૭૦૦૦ ચો.મીટર વિશાળ પ્લોટમાં તંત્ર દ્વારા રૂ.૪૦ કરોડના ખર્ચે બે બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોર વત્તા આઠમાળ ઊંચુ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાઇ રહ્યું છે. જેેમાં ૪૦૦ ટુ વ્હીલર અને ૩પ૦ ફોર વ્હીલરનું ર્પાકિંગ થઇ શકશે. મલ્ટિલેવલ પાર્કિંગ માટે તંત્ર દ્વારા બે વર્ષની મુદત નક્કી કરાઇ છે પરંતુ તેને બનતાં ઓછામાં ઓછા અઢીથી ત્રણ વર્ષ લાગશે તેમ જાણવા મળ્યું છે. આ મામલે ટ્રાફિક ડીસીપી (એડમિન) તેજસ પટેલે જણાવ્યું, પ્રહ્લાદનગર ગાર્ડનની બહાર જો કોઈ વ્યક્તિ વાહન પાર્ક કરશે તો તેનું વાહન ટો કરવામાં આવશે. ગાર્ડનમાં કોઈ પણ વ્યક્તિ આવશે તેણે તેનું વાહન આસપાસના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મૂકવું પડશે. આમ, ટ્રાફિક પોલીસે પોતાનું વલણ સ્પષ્ટ કરી દેતાં આમજનતાનો વાહન પાર્કિંગને લઇ મરો થઇ રહ્યો છે. વાસ્વતમાં પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવી એ તંત્રની જવાબદારી છે પરંતુ તંત્રની નિષ્ફળતાના વાંકે નિર્દોષ નાગરિકો દંડાય તેવી સ્થિતિ પેદા થઇ રહી છે.

Related posts

અમદાવાદમાં માલધારી યુવા ક્રાંતિ સભામાં હોબાળો

aapnugujarat

મુખ્યમંત્રીની સેના તૈયાર,24 મંત્રીઓએ શપથ લીધા

editor

વિરમગામનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે યુવા શક્તિ ગ્રુપ અને રામ મહેલ મંદિરનાં મહંતે આવેદનપત્ર આપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1