Aapnu Gujarat
બ્લોગ

માનસ ક્રાંતિના ઉદ્દગાતા જે. કૃષ્ણમૂર્તિ

આપણા ધર્મભીરુ દેશમાં ધાર્મિક નેતાઓનું કાયમ વર્ચસ્વ રહ્યું છે. ધાર્મિક નેતાઓનો પ્રભાવ અંગત અને સમાજજીવનમાં રહ્યો છે, પરંતુ હવે તો વેપાર જગતમાં પણ તેમની બોલબાલા વધતી જાય છે. એક કહેવત છે, ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી.’ અહીં રાજા તો જવા દો, શાસકોને પણ ન્યાય શીખવવાની નૈતિક જવાબદારી જે સંતો-મહંતોની છે તેઓ જ વેપારી બની રહ્યા છે! આવી સ્થિતિમાં અગાઉના સંતો-મહંતો-વિચારકોની યાદ આવ્યા વિના રહેતી નથી. આજે વાત કરવી છે એક મહાન વિચારક, જે. કૃષ્ણમૂર્તિની. દુનિયાને મૌલિક વિચારોની મબલખ મૂડી સોંપનારા જે. કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ ઊજવાઈ. વર્ષ ૧૯૮૬ની ૧૭મી ફેબ્રુઆરીએ તેમનું ૯૧ વર્ષની વયે નિધન થયેલું.આજે મહામંડલેશ્વર જેવા પદ મેળવવા માટે રીતસર રાજરમતો ચાલતી હોય છે, ત્યારે જે. કૃષ્ણમૂર્તિ એવા મહામાનવ હતા, જેમણે ‘જગતગુરુ’ જેવું પદ ઠુકરાવી દીધું હતું. એટલું જ નહીં પોતાને કેન્દ્રમાં રાખીને ચાલતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઓર્ડર ઑફ ધ સ્ટાર’નું પણ વિસર્જન કરીને સામાન્ય વ્યક્તિની જેમ, છતાં મહાન વ્યક્તિને છાજે એવું જીવન જીવ્યા હતા. લોકોને ગુરુ બનવાના ધખારા હોય છે અને શિષ્યોની સંખ્યા જોઈને ગજ ગજ છાતી ફુલાવતા હોય છે, જ્યારે જે. કૃષ્ણમૂર્તિએ ‘જગતગુરુ’નું પદ ત્યાગવા સાથે કહેલું, ‘હવેથી કૃપા કરીને યાદ રાખો કે કોઈ મારો શિષ્ય નથી, કારણ કે ગુરુ તો સત્યને દબાવે છે. સત્ય તો ખુદ તમારી અંદર જ છે. સત્યને શોધવા માટે મનુષ્યએ તમામ બંધનોથી મુક્ત થવું જરૂરી છે.’ તેઓ કહેતા સત્ય એક ‘માર્ગરહિત ભૂમિ’ છે અને તેના સુધી કોઈ પણ ઔપચારિક ધર્મ, દર્શક કે સંપ્રદાયના માધ્યમથી પહોંચી શકાય નહીં.હજુ થોડા દિવસ પહેલાં જ આપણે વેલેન્ટાઇન્સ ડે ઊજવી ગયા. પ્રેમ અંગે જે. કૃષ્ણમૂર્તિના વિચારો જાણીએ તો આપણી આખી દૃષ્ટિ જ બદલાઈ જાય. તેમણે પ્રેમ અંગે કહ્યું છે, ‘પ્રેમ વિના તમે કંઈ પણ ન કરી શકો, તમે કર્મની સંપૂર્ણતાને નહીં જાણી શકો. એકમાત્ર પ્રેમ જ મનુષ્યને બચાવી શકે છે. આ જ સત્ય છે. આપણે લોકો પ્રેમમાં નથી. વાસ્તવમાં આપણે એટલા સહજ-સરળ નથી રહી ગયા, જેવા આપણે હોવા જોઈએ, કારણ કે આપણે પ્રતિષ્ઠા પામવા, અન્ય કરતાં વિશેષ મેળવવા કે બનવાના પ્રયાસોમાં મથ્યા કરીએ છીએ. પ્રેમ કરવા માટે ઇચ્છારહિત બનવું પડશે.’ પ્રેમ વિશે બીજી પણ એક સુંદર વાત તેમણે કહેલી, ‘જ્યાં પ્રેમ હોય, ત્યાં જ નૈતિકતા, સહજતા અને સરળતા હોય છે, કારણ કે પ્રેમ પૂર્ણ જાગૃતિનું નામ છે.’આજે ચારેકોર હિંસા-યુદ્ધનો માહોલ છે ત્યારે જે. કૃષ્ણમૂર્તિના આ અંગેના વિચારો ગાંઠે બાંધી રાખવા જેવા છે, ‘માનવીમાં રહેલી હિંસાના પરિણામે દરરોજ આપણે દુનિયામાં ભયંકર બનાવો બનતા જોઈએ છીએ. તમે કહેશો, હું એ વિશે કંઈ કરી શકું તેમ નથી કે દુનિયા પર હું શી રીતે પ્રભાવ પાડી શકું? મારું માનવું છે કે જો તમે તમારી અંદર હિંસક ન હો તો, જો દરરોજ તમે શાંતિમય જીવન ગાળતા હો તો એટલે કે તમારું જીવન સ્પર્ધાત્મક, મહત્ત્વાકાંક્ષી કે ઈર્ષ્યાળુ ન હોય, જે જીવન શત્રુતા સર્જતું નથી, એવું જીવન ગાળતા હો તો દુનિયા પર તમે જબરો પ્રભાવ પાડી શકો છો. નાની ચિનગારી ભડકો થઈ શકે છે. આપણે આપણી સ્વલક્ષી પ્રવૃત્તિથી આપણા મત, આપણા ધિક્કાર, આપણા રાષ્ટ્રવાદથી દુનિયાને તેની વર્તમાન અંધાધૂંધીની સ્થિતિમાં લાવી મૂકી છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે તેમાં કંઈ કરી શકીએ એમ નથી ત્યારે આપણે આપણી અંદરની વ્યવસ્થાનો અનિવાર્યપણે સ્વીકાર કરી રહ્યા છીએ.’ જે. કૃષ્ણમૂર્તિ કહેતાં કે, ‘વ્યક્તિત્વના પૂર્ણ રૂપાંતરણથી જ વિશ્વમાંથી સંઘર્ષ અને પીડાને મીટાવી શકાય છે. આપણામાં ભૂતકાળનો બોજ અને ભવિષ્યનો ભય હટાવી દો અને આપણા મસ્તિષ્કને મુક્ત રાખો.’ કૃષ્ણમૂર્તિ કાયમ એ વાત પર ભાર મૂકતા હતા કે ‘દરેક મનુષ્યને માનસ ક્રાંતિની જરૂર છે.’ આજે સૌને મનીમાં રસ છે, માનસ ક્રાંતિની વાતો પુસ્તકોમાં બંધ છે, મન થાય તો તમે ક્યારેક એવાં પુસ્તકો ખોલજો અને વાંચજો!
વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ
૧ તમે સતત બદલાઓ છો, માટે તમારી જાતને સતત જોયા કરો. શાંત મન જાતને બરાબર જોઈ શકે છે.
૨તમારી અંદર સમસ્ત વિશ્વ રહેલું છે. જો તમને ‘જોતાં’ અને ‘શીખતાં’ આવડે તો દ્વાર ત્યાં જ છે અને ચાવી તમારા હાથમાં છે. તમારી પોતાની જાત સિવાય આ પૃથ્વી ઉપર બીજું એવું કોઈ નથી કે જે તમને એ ચાવી આપી શકે કે દ્વાર ખોલી આપી શકેપ.
૩ આપણે બ્રાહ્ય રીતે ખૂબ નમ્ર, સંસ્કારી છીએ, પણ જેનાથી મોટા ભાગના લોકો અજ્ઞાન છે, તેવા મનના ઊંડાણમાં વિશાળ અને જટિલ સંઘર્ષ, દુઃખ અને ભયનો મોટો વારસો પડેલો છેપ. આપણે મનુષ્યો લાખ્ખો વર્ષોથી જેવા છીએ તેવા જ છીએ – લોભી, ઈર્ષાળુ, આક્રમક, ચિંતાતુર અને હતાશ, પણ સાથે સાથે આપણા જીવનમાં અવારનવાર આનંદ અને પ્રેમના ચમકારા પણ આવી જાય છેપ. આપણે ધિક્કાર, ભય અને નમ્રતાનંે વિચિત્ર મિશ્રણ છીએ. આપણે હિંસા અને શાંતિ, બંને છીએ, બળદગાડાથી જેટ વિમાન સુધીની આપણે બાહ્ય પ્રગતિ સાધી છે, પણ મનોભૂમિકાએ મનુષ્ય જરાયે બદલાતો નથી. આપણી અંદર જ માનવજાતિનો આખો ઈતિહાસ લખાયેલો પડ્યો છે.
૪ તમે જીવન કરતાં મૃત્યુનો વિચાર વધુ કરો છો. જીવન દરમ્યાન શું થાય છે તેના કરતાં મરણ પછી શું થશે એમાં તમને વધારે રસ છે. જીવનમાં જેને ખરેખર રસ છે તેઓ માટે મૃત્યુ પ્રશ્નરૂપ નથી હોતું.
૫ પેલા પુષ્પ સામે તમે કેમ જોતા નથી ? આપણામાંથી મોટા ભાગના લોકોને કુદરતનું કોઈ જ મહત્વ નથી પણ આપણે આપણી ચિંતાઓ, આપણી આશાઓ, ઈચ્છાઓ અને અનુભવોમાં એટલા બધા કેન્દ્રિત થયેલા છીએ જેથી આપણે આપણી વિચારણાના પાંજરામાં પુરાઈ ગયા છીએ અને તેથી તેની બહાર કંઈ જ જોઈ શકતા નથી. તેવું ન કરશો. બધું જ જુઓ અને બધું જોવાથી તમે તમારું પાંજરું જોઈ શકશો.
૬ જોવા માટે આંખ જોઈએ. સાંભળવા માટે કાન જોઈએ અહંકારે જો તે બંધ કર્યા હોય તો, એંસી વર્ષ સતસંગમાં પડ્યા રહો તોપણ કંઈ થશે નહિ. શીખવાની વિનમ્રતા જોઈએ અને શીખ્યા હોય તો જીવવાની વીરતા જોઈએ.
૭ ધ્યાન અંગેનાં પુસ્તકો વાંચીને મૂર્ખ બનશો નહિ, તમે તમારું જીવન-પુસ્તક વાંચોપ. ધ્યાન એ ‘હું’રૂપી કેન્દ્રની સમજ છે અને તેથી કેન્દ્રની પેલે પાર જવાની ક્રિયા છે. ધ્યાન એટલે ‘હું’નો વિલય.
૮ યંત્રની માફક એક ને એક કાર્ય ન કરતાં તમારી માન્યતાઓ અને તમારા અનુભવો પ્રત્યે નવી રીતે જોવું જોઈએ. જો આમ કરશો તો તમારા મનમાં તાજી હવા પ્રવેશશે. એનો અર્થ એ થયો કે તમે અસલામત બનવા જોઈએ. તો જ તમે સત્યને, પ્રભુને પામી શકો.
૯ પોતાની જાતને સમજ્યા વિના ઈશ્વરને શોધી શકાય જ નહિ. તમારો ઈશ્વર પણ તમારી કલ્પનાઓનો બનેલો છે અને એથી તમે ઈશ્વરના નામે જ લડો છો અને પાયમાલ થાઓ છો. ‘ઈશ્વર’ શબ્દ ઈશ્વર નથી, મૂર્તિ ઈશ્વર નથી, તમે ઈશ્વરને ભજો છો, પણ તમારું જીવન ઈશ્વરી નથી. કાળની મર્યાદામાં જે છે તે સ્મૃતિ છે, જ્યારે ઈશ્વર કાળથી પર છે. માટે મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય.
૧૦ જો તમારા હૃદયમાં પ્રેમ હશે તો તમે જેમની પાસે કંઈ નથી તેમના તરફ પણ માન દર્શાવશો અને જેમની પાસે બધું જ છે તેમનાથી તમે ડરશો નહિ કે જેમની પાસે નથી તેમની અવગણના કરશો નહિ. બદલાની આશામાં આપેલું માન એ બીકનું પરિણામ છે. પ્રેમમાં ડર હોતો નથી.
૧૧ લોકો તમારા માટે શું ધારે છે અથવા તેઓ તમને કેવી રીતે જુએ છે એના ઉપર આધાર રાખ્યા વિના શું તમારું આચરણ અંદરથી જ પ્રગટી શકે ? તે અઘરું છે, કારણ કે પોતે અંદરથી કેવો છે તે મનુષ્ય જાણતો નથી. વળી અંદર તો સતત પરિવર્તન ચાલ્યા કરે છે.
૧૨ જ્યાં સ્નેહ, માયાળુતા અને અન્યનો વિચાર હોય છે ત્યાં નમ્રતા, સભ્યતા અને અન્યની દરકાર હોય છે. એનો અર્થ એ છે કે તે માણસ ખરેખર પોતાનો વિચાર ઓછો ને ઓછો કરે છે. આ એક અત્યંત અઘરું કામ છે. જ્યારે મનુષ્ય પોતાની ચિંતા નથી કરતો ત્યારે ખરેખર તે મુક્ત માનવી છે. પછી તે તાજા મનથી, સ્નેહની ઉત્કૃષ્ટ ભાવના સાથે આકાશને, પર્વતોને, ટેકરીઓને, જળાશયોને, પક્ષીઓને અને પુષ્પોને નિહાળી શકે છે.
૧૩ તમે ધર્મનો શો અર્થ કરો છો ? માન્યતાઓ, વિધિઓ, દુરાગ્રહો, ઘણાબધા વહેમો, પૂજા, શબ્દોનું પુનરાવર્તન, અસ્પષ્ટ, નિરાશામય ઈચ્છાઓ, કોઈ પુસ્તકોનું વાચન, ગુરુનું શરણ, પ્રસંગોપાત્ત મંદિરગમન વગેરેને મોટા ભાગના લોકો ધર્મ કહે છે. આ શું ધર્મ છે ? ધર્મ શું કોઈ રિવાજ, ટેવ, પ્રણાલિકા છે ? ધર્મ અવશ્ય એ બધાથી વિશેષ છે. ધર્મ એટલે સત્યની શોધ. તેને સંગઠિત શ્રદ્ધા, મંદિરો, દુરાગ્રહો કે વિધિઓ સાથે કોઈ જ સંબંધ નથી. આમ છતાં આપણી વિચારણા, આપણા વ્યક્તિત્વના તાણાવાણા, શ્રદ્ધાઓ, વહેમો વગેરેથી જકડાયેલાં છે. આથી દેખીતી રીતે જ આધુનિક માનવી ધાર્મિક નથી તેથી તેનો સમાજ પવિત્ર નથી, સમતોલ નથી.

Related posts

શિયાળામાં તડકો ગમે ચૂંટણીમાં ભડકો ગમે

aapnugujarat

Some small Gujarati Shayaris

aapnugujarat

ट्रंप का गोरखधंधा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1