Aapnu Gujarat
બ્લોગ

શિયાળામાં તડકો ગમે ચૂંટણીમાં ભડકો ગમે

સામાન્ય રીતે કોઈપણ નાની-મોટી ચૂંટણીમાં નાનાં-મોટાં સંઘર્ષ થયાં કરે છે. દરેક કાર્યકર્તા પોતાને પંચાયતની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની કે વિધાનસભાની ટિકીટ મળે તેવી અપેક્ષા રાખતો હોય છે. પંચાયતની ચૂંટણીમાં ટિકીટ ન મળતાં ગામમાં એકબીજાનાં પ્રતિસ્પર્ધી આમને-સામને આવી જાય છે અને એટલું જ નહીં એકબીજાની ઉપર લાકડીઓથી હુમલો કરે છે અને કેટલીક જગ્યાએ તો ગામની અંદર એક-બે મૃત્યુ પણ થઈ જાય છે. જો પંચાયતની ચૂંટણીમાં આવું થતું હોય તો વિધાનસભાની ચૂંટણીમાં તો મોટો ભડકો જ જોવા મળે ને ! બધાં યાદીની રાહ જોઈને બેઠાં હતાં. ભાજપનાં લોકોએ એક પછી એક તેમનાં ઉમેદવારોની યાદી જાહેર કરી, ક્યાંક પસંદગી પામેલાં ઉમેદવારો સામે હોબાળો પણ થયો છે, કેટલીક જગ્યાએ લોકોએ નારાજગી પણ બતાવી છે તો કેટલાંક લોકો તો ગાડીઓ ભરીને કમલમની ઓફિસે લોકોને ખડકી દીધાં અને ‘અમને ન્યાય આપો, અમને ન્યાય આપો’નાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યાં તો કોઈક વળી અમારે ત્યાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવું કહીને વિરોધ કરવા લાગ્યાં તો કેટલાંક ઉમેદવાર માટે લોકો કહેવા લાગ્યાં આ તો કદીપણ અમારાં વિસ્તારમાં ડોકાયા જ નથી, આમને કદી અમે જોયાં જ નથી, તો કેટલાંક વળી ઉમેદવારો માટે કહેવા લાગ્યાં આ ઉમેદવાર બહુ ઘમંડી છે, અમારી સાથે શાંતિથી વાત પણ કરતાં નથી માટે અમારે ત્યાં આ ન ચાલે તો ક્યાંક આ જાતિનો ઉમેદવાર અમારે ત્યાં ના ચાલે, અમારે તો આ જાતિનો જ ઉમેદવાર જોઈએ તેવા પોકારો કરવા લાગ્યાં. પાર્ટીનાં પદાધિકારીઓ ‘જાયે તો જાયે કહાં’ કોઈકને તો આ બધાંની વાત સાંભળવા લોકોની વચ્ચે મોકલવા પડે. આ ઢાલનું કામ ભાજપની કમલમ ઓફિસે કૌશિક પટેલને સોંપાયું હોય તેવું લાગતું હતું પરંતુ ચારેબાજુ ઉંચા-પહોળા માણસો તેમની રજુઆતો કરતાં હતાં તો તેમની વચ્ચે ઓછી ઉંચાઈ ધરાવતા કૌશિક પટેલ શાંત પાડવાનો પ્રયત્ન કરતાં હતાં. ભાજપનાં કાર્યકર્તાઓ પોતાની રજુઆતો કરીને શાંતિથી પરત ફરતાં હતાં તો બીજીબાજુ કોંગ્રેસનાં ઉમેદવારોની યાદી જેવી જાહેર થઈ ત્યાં તો પાસનાં કાર્યકર્તાઓ ધમાલે ચઢ્યાં. જોતજોતામાં તો કિડીયારુ ઉભરાય તેમ પાસનાં લોકો સુરત કોંગ્રેસની ઓફિસે અને અમદાવાદમાં કોંગ્રેસનાં મુખ્ય કાર્યાલય પર લોકોનાં ધાડેધાડા ઉમટી પડ્યાં અને પાસનાં કન્વીનરો કહેવા લાગ્યાં અમને પૂછ્યા વિના પાસનાં લોકોની ટિકીટ કેમ જાહેર કરી, અમને વિશ્વાસમાં લીધાં નથી તેમ કહીને સુરતમાં તથા અમદાવાદમાં પાર્ટીના કાર્યાલય સામે ભડકો કર્યો. સુરતમાં તો ઓફિસનાં કાચ તોડી, ફર્નિચરને પણ નુકસાન પહોંચાડ્યું. આ સમાચાર મળતાં જ અમદાવાદ કોંગ્રેસનાં કાર્યાલય પર તાત્કાલિક હાજર રહેલાં નાનાં-મોટાં આગેવાનો રફુચક્કર થઈ ગયાં, તેટલું જ નહીં મુખ્ય દરવાજા પણ બંધ થઈ ગયાં. ઓફિસમાં ચાલતી લાઈટો પણ બંધ કરી દેવામાં આવી. કાર્યાલય પર અંધારપટ છવાઈ ગયું, વધુ વાત બગડે નહીં તે માટે સુરત અને અમદાવાદમાં પોલીસ તંત્ર દોડતું આવ્યું અને વાતાવરણ વધુ ડહોળાય નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો. મોડી રાત સુધી ટીવી ચેનલોવાળા ઘડીકમાં સુરત કોંગ્રેસનું કાર્યાલય તો અમદાવાદ સ્થિત મુખ્ય કાર્યાલયને બતાવવા લાગ્યાં.
આમ જનતા ઘરે બેઠાં બેઠાં સવારે તડકાની રાહ જુએ છે તેમ રાતનાં લોકો કોંગ્રેસ અને ભાજપનાં ભડકા નિહાળતા હતાં. લોકોનાં મનમાં એક સવાલ થતો હતો કે હજુ તો ચૂંટાયા નથી, સરકાર બની નથી ત્યાં જ કોઈપણ પાર્ટીનાં ઉમેદવાર આવું વર્તન કરતાં હોય તો ચૂંટાયા પછી તે શું ન કરે ? એનો પ્રશ્ન લોકમુખે ચર્ચાતો હતો પરંતુ આપણે આશા રાખીએ કે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય જે કોઈપણ ઉમેદવારો પાર્ટી તરફથી નિશ્ચિત થાય તેઓ ગુજરાતની ‘શાણપ’, ‘પ્રતિષ્ઠા’ અને ગુજરાતનું જે ‘ગૌરવ’ છે તે હણાય નહીં અને ગુજરાત શાંતિપ્રિય છે તેની સાબિતી માટે ચૂંટણીઓ પણ શાંતિપૂર્વક પાર પડે તેવી આપણે બંન્ને પાર્ટી પાસે અપેક્ષા રાખીએ, નહીં તો કેટલાંક લોકોને શિયાળામાં કેટલાંક લોકોને તડકો ગમે છે તે તેમ ઘણાં લોકોને આ ચૂંટણીઓમાં ભડકો જોવો ગમે છે.

Related posts

ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિનાં જનક સામ પિત્રોડા

aapnugujarat

સદીના અંત સુધી હિંદુ કુશ પર્વતોના ૧/૩થી વધારે ગ્લેશિયર પીગળી જશે

aapnugujarat

बहुत ही सुन्दर मैसेज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1