Aapnu Gujarat
ગુજરાત

રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને 4 દિવસનું અલ્ટીમેટમ

ભાજપના નેતા પરશોત્તમ રુપાલાના મામલે ક્ષત્રિયો જરાય ઢીલ મૂકવાના મૂડમાં નથી. રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરી ત્યાર પછી લગભગ એક મહિનાથી તેમનો વિરોધ ચાલે છે અને રાજકોટમાં રૂપાલાની ટિકિટ કાપવા માગણી થઈ રહી છે. ભાજપે આ માગણી સ્વીકારી નથી અને રુપાલાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ક્ષત્રિયોએ રવિવારે રાજકોટ નજીક રતનપર ખાતે એક વિશાળ મહાસંમેલન યોજ્યું હતું. ખુલ્લા મેદાનમાં યોજાયેલા અને ચાર કલાક સુધી ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં તમામ વક્તાઓએ ભાજપને ચેલેન્જ કરી છે અને ચાર દિવસની અંદર રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ‘રૂપાલાની ટિકિટ નહીં કપાય તો દેશભરમાં ભાજપનો બહિષ્કાર થશે’ એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી શરૂ થયેલું આ આંદોલન હવે આખા દેશમાં ફેલાય તેવી શક્યતા છે.

રવિવારે રાજકોટના મોરબી રોડ પર શહેરથી લગભગ 15 કિ.મી. દૂર રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું તેમાં અભૂતપૂર્વ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ હાજરી આપી હતી. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે 19 એપ્રિલે સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થશે. તે સમયે રુપાલા ચૂંટણીના મેદાનમાં હશે તો હવે ભાજપ વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે. આ આંદોલન ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા ત્યાર પછી સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી. ક્ષત્રિયોના મહાસંમેલનમાં લગભગ 50,000 લોકો હાજરી આપશે તેવી ધારણા હતી, પરંતુ વાસ્તવિક આંકડો લગભગ સવા લાખને પાર કરી ગયો હતો. આયોજકોનું કહેવું છે કે બે લાખથી પણ વધારે ક્ષત્રિયોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

રતનપુરમાં અગાઉ ક્યારેય આવું માનવ મહેરામણ જોવા મળ્યું નથી. નજર પડે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની હાજરી જોવા મળતી હતી જેમાં ક્ષત્રાણીઓ કેસરી સાડી પહેરીને ઉમટી પડી હતી. ક્ષત્રિયોએ આ સંમેલનમાં કહ્યું કે આઝાદીના 75 વર્ષમાં નથી જોવા મળી તેવી ઐતહાસિક એકતા આજે જોવા મળી છે. અમારા સાલિયાણા બંધ થઈ ગયા, અમારા રજવાડા ગયા, મંત્રીપદ ગયું છતાં ચૂપ રહ્યા અને મર્યાદા જાળવી. પરંતુ પરશોત્તમ રુપાલા ભાન ભૂલીને રોટી-બેટીના વ્યવહારની વાત કરી તેનાથી ક્ષત્રિય સમુદાયમાં આ વિશાળ આંદોલન શરૂ થયું છે. તેમણે દાવો કર્યો કે આંદોલનમાં કોઈનો દોરીસંચાર નથી. ક્ષત્રિયોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેમને રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાય બીજું કંઈ જોઈતું નથી. કેટલાક આગેવાનોએ તો એવું પણ કહ્યું કે રૂપાલાએ સિંહના મોઢામાં હાથ નાખ્યો છે.

ક્ષત્રિય મહાસંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું કે, જુના જમાનાની જેમ અમે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો છે. રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં નહીં આવે તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે. તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો, બાંધી જોજો. ક્ષત્રિય સમાજના આંદોલનનું પાર્ટ 1 અહીં પૂરું થાય છે. હવે જો રૂપાલા ફોર્મ ભરશે અને પાછું નહિ ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે.

આ આખા વિવાદના મૂળ પરશોત્તમ રૂપાલાની એક ટિપ્પણીમાં રહેલા છે. રુપાલાએ રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સમારોહમાં સભા સંબોધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, અંગ્રેજોએ રુખી સમાજ પર દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ. મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

Related posts

સોમનાથ મંદિરમાં નિયમિત સેનેટાઈઝની કામગીરી

editor

રાજ્યભરમાં ૩૦૦ નવા સીએનજી પંપ ખોલાશે, ૧૦૦૦ રૂપિયામાં પીએનજી ગેસ જોડાણ : મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

૫૦ લાખની રદ્દ થયેલી નોટો સાથે બે શખ્સો સનાથલ ચોકડી પાસેથી ઝડપાયા

aapnugujarat
UA-96247877-1