Aapnu Gujarat
રાષ્ટ્રીય

આગામી 10 દિવસમાં 12 રાજ્યોનો પ્રવાસ ખેડીને જાહેર સભાઓ ગજવશે પીએમ મોદી

કેન્દ્રીય ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે લોકસભાની આગામી ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બાદ સમગ્ર દેશમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જશે. ચૂંટણીનું બ્યુગલ વાગે તે પહેલા જ પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે.

મીડિયા અહેવાલો અનુસાર પીએમ મોદી તેમના 12 રાજ્યોના પ્રવાસ દરમિયાન કુલ 29 કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનના ભાવિ કાર્યક્રમો અંગે જણવા મળ્યા મુજબ, પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ મોદી રાજધાની દિલ્હીમાં પણ એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી શકે છે.

સોમવારે પીએમ મોદી તેલંગાણાના આદિલાબાદમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન આદિલાબાદમાં એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી 5 માર્ચે તેલંગાણાના સાંગારેડ્ડીમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે. તેલંગાણા બાદ વડાપ્રધાન તમિલનાડુના કલ્પક્કમમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની મુલાકાત લેશે. પીએમ ચેન્નાઈમાં એક રેલીને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી બિહાર પણ જશે

આ પછી ઓડિશાના પ્રવાસે જવાનુ આયોજન છે. હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ ભેટમાં આપ્યા બાદ પીએમ મોદી એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. પીએમ મોદી ઓડિશાના ચંદીખોલમાં જનસભાને પણ સંબોધિત કરશે. ઓડિશા બાદ વડાપ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે રવાના થશે. 6 માર્ચે પીએમ મોદી કોલકાતામાં વિકાસ પરિયોજનાઓનું અનાવરણ કરશે. બારાસતમાં જનસભાને સંબોધવાનું આયોજન છે. અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ બાદ પીએમ મોદી બિહાર જશે. પીએમ મોદી બેતિયામાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

પીએમ મોદી દિલ્હીમાં એવોર્ડ ફંકશનમાં હાજરી આપશે

બિહાર બાદ વડાપ્રધાન 7 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે દિલ્હી પરત ફરશે. પીએમ મોદી એક મીડિયા ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રથમ નેશનલ ક્રિએટર એવોર્ડ્સમાં હાજરી આપશે. પીએમ મોદી 8 માર્ચની સાંજે આસામ જવા રવાના થશે. વડાપ્રધાન મોદી આસામના જોરહાટમાં પ્રખ્યાત અહોમ સેના કમાન્ડર લચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી જોરહાટમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

ઉત્તરપૂર્વ પછી યુપી અને દિલ્હીને ભેટ

આસામ બાદ પીએમ મોદી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી રાજધાની ઇટાનગરમાં અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ પણ કરશે. આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે. તેઓ સિલીગુડીમાં વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર PM મોદી 10 માર્ચે ઉત્તર પ્રદેશમાં હશે. વડાપ્રધાન આઝમગઢમાં વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. 11 માર્ચે પીએમ મોદી દિલ્હીમાં ‘નમો ડ્રોન દીદી’ અને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે સાંજે વડાપ્રધાન મોદી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

પીએમ મોદી ગુજરાત અને રાજસ્થાનની પણ મુલાકાત લેશે

12 માર્ચે પીએમ મોદી ગુજરાતના સાબરમતી અને રાજસ્થાનના પોખરણની મુલાકાત લેશે. 13 માર્ચના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું આયોજન છે. સમાજના વંચિત વર્ગનો સંપર્ક કરવા માટે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

Related posts

કાર્તિની સતત ત્રીજા દિવસે કઠોર પુછપરછ જારી રહી

aapnugujarat

अर्थ व्यवस्था को गति देने के लिए सरकार ने की घोषणाएं

aapnugujarat

આમ આદમીને નફાખોરીથી બચાવવા મોદી સરકારે બજારમાં ઉતાર્યા ૨૦૦ જાસૂસ!

aapnugujarat
UA-96247877-1