Aapnu Gujarat
ગુજરાત

છોટા ઉદેપુર: નસવાડીના અધિક મદદનીશ ઈજનેર 2 લાખની લાંચ લેતા ઝડપાયા

રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર હરેશ ચૌધરીને રૂપિયા 2 લાખની લાંચ લેતાં વડોદરા અને નર્મદા ACBએ રંગે હાથે ઝડપી પાડ્યો છે. નસવાડી માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર હરેશ ચૌધરી દ્વારા વિકાસના કામોમાં ટકાવારી માગતા હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન વિભાગને મળી હતી. જેથી વડોદરા અને નર્મદાની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. નસવાડીના ડેપ્યુટી ઇજનેર દ્વારા ટકાવારી પેટે રૂપિયા 10 લાખની માગણી કરવામાં આવી હતી. જેના રૂપિયા 2 લાખ રોકડા અગાઉ લઈ લીધા હતા અને બીજા રૂપિયાની માગણી કરવામાં આવતી હતી.

મળતી માહિતી મુજબ, રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન (નાનો પુલ)નું કામ ફરિયાદીએ પૂર્ણ કર્યું હતું. જેના બિલના 1 કરોડ 20 લાખ મંજૂર થયા હતા. ત્યારે બિલની રકમ ચૂકવવા માટે 10% લેખે રૂપિયા 10 લાખની માગણી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નસવાડીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર હરિશ સરદાર ચૌધરીએ કરી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ACBને આ અંગે જાણ કરી હતી.

જે પૈકી અગાઉ 2 લાખ રૂપિયા ફરિયાદીએ ઈજનેરને આપ્યા હતા અને બીજા રૂપિયાની અવારનવાર ઓફિસે બોલાવી માગણી કરતા વાયદો કરી 2 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. જે નાણા ફરિયાદી આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ લાંચના છટકાની ટ્રેપ ગોઠવી હતી. સરકારી ઈજનેરે ફરિયાદી સાથે પોતાની ઓફિસમાં વાતચીત કરી અને 2 લાખની લાંચની માગણી કરી હતી, જે સ્વીકારતા તેઓ સ્થળ ઉપર જ પકડાઈ ગયા હતા.

આરોપી હરિશભાઈ સરદારભાઈ ચૌધરી વિશે મળતી માહિતી મુજબ, તેઓ અધિક મદદનીશ ઈજનેર, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, નસવાડીમાં વર્ગ-3ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેમનું રહેઠાણ 404, વેદાંત રેસિડેન્સી, કાન્હા ફ્લેટની પાછળ, સોમાતળાવ, ડભોઈ રોડ, વડોદરા છે અને મૂળ સરદારપુર, ચીકણા તા. સતલાસણ જી. મહેસાણાના છે. જ્યારે ટ્રેપનું સ્થળ આક્ષેપિતની ઓફિસ અધિક મદદનીશ ઈજનેર, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, નસવાડી ખાતે આવેલ છે.

Related posts

સવર્ણોને ૧૦ ટકા અનામતનો નિર્ણય ઐતિહાસિક : ભાજપ

aapnugujarat

વડોદરામાં ભરશિયાળે પાણીનો કકળાટ

aapnugujarat

 ગેરકાયદે રીતે ફી ઉઘરાવવા મામલે મુકતક કાપડિયાના જામીન રદ કરી રિમાન્ડની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1