Aapnu Gujarat
ગુજરાત

વાઘાણીએ સુરતમાં કોંગ્રેસીને હરામજાદા કહ્યું : નવો વિવાદ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છેલ્લા કેટલાક સમયથી બેફામ વાણીવિલાસ અને બફાટ કરવાને લઇ ભારે વિવાદમાં રહ્યા છે. જો કે, હવે તો હદ વટાવી દેતાં તેમણે સુરતમાં રવિવારે રાત્રે એક સભામાં કોંગ્રેસ માટે હરામજાદાઓ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓનો ઉચ્ચાર કરતાં વાઘાણીએ ફરી બેફામ વાણીવિલાસ કરતાં સમગ્ર જોરશોરથી ગરમાયો છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં વાઘાણીના આવા અપમાનજનક અને ચૂંટણી આચારસંહિતાના ભંગ થાય તે પ્રકારના ઉચ્ચારણોને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. કોંગ્રેસપક્ષના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં અત્યારથી જ હાર ભાળી ગયેલા અને હતાશ થઇ ગયેલા ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરવાનું બંધ કરે તેવી સાફ ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક વાઘાણીના બફાટ મુદ્દે વાઘાણી સહિત ભાજપ માફી માંગે તેવી જોરદાર માંગણી ઉચ્ચારી છે. કોંગ્રેસ તરફથી સમગ્ર મામલે ચૂંટણી પંચમાં વાઘાણી વિરૂદ્ધ ગંભીર ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ક્લેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટના સંદર્ભે વાઘાણીએ કોંગ્રેસને આવી ખુલ્લી ધમકી આપી હતી. જો કે, રાજ્યનું ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્રની જેમ ફરી એક વાર આ મામલે મૂકપ્રેક્ષક બની રહ્યું છે અને આવી ગાળાગાળી કરવા બદલ વાઘાણી સામે પગલાં લેવાનું તો દૂર, તેની ક્યાંય નોંધ સુદ્ધા લેવાઈ નથી. સુરતમાં ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર હેઠળના અમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા ઉમેદવાર દર્શના જરદોશના ચૂંટણી કાર્યાલયનું રવિવારે રાત્રે ઉદઘાટન કરવા વાઘાણી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે શરૂમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને તેના કાર્યકરો પર દાદાગીરી અને લુખ્ખાગીરી કરવાના આક્ષેપો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમારી લુખ્ખાગીરીનો એક બનાવ બન્યો છે, જો બીજો બનશે તો સુરત મૂકાવી દઈશું. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગાળો દેવી, બેફામ ઉચ્ચારણો કરવા એ જ ભાજપના સંસ્કાર છે અને જ્યાં સુધી જીતુ વાઘાણીને લાગે-વળગે છે, તો મારે એટલું જ કહેવું છે કે વાઘાણીને તેમના જ પક્ષમાં કોઈ ગંભીરતાથી લેતું નથી એટલે અમે પણ તેમની વાતને ગંભીરતાથી નથી લેતા. અલબત્ત, કોંગ્રેસી નેતાઓને ગાળો બોલવા અંગે અમે વાઘાણી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરીશું અને આશા રાખીએ કે ચૂંટણીપંચ આ વખતે તો ભાજપના કોઈ નેતા સામે ગંભીર પગલાં લેશે. સુરતમાં ફોર્મ ભરવાના છેલ્લે દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં ચોકીદાર ચોર હૈના નારાથી બબાલની શરૂઆત થઇ હતી. આ ઘટનાને ટાંકીને વાઘાણીએ કોંગ્રેસને વખોડતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની એક પણ સીટ નથી. જેથી તેઓ સત્તામાં આવવા માટે કોઇ પણ હદ સુધી જઇ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અરાજકતા ફેલાવવા નીકળી છે. સુરતમાં સીધી રીતે ભાજપને પહોંચી વળી શકતા નથી એટલે તેઓ તોફાન કરાવે છે, લુખ્ખાગીરી કરાવે છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસને ખુલ્લી ચીમકી આપી હતી કે, અમે કોઇને છેડવાના નથી અને અમને છેડશો તો કોઈને છોડીશું નહીં. એક બનાવ બન્યો છે, બીજો ન બનવો જોઈએ. બીજો બનાવ બન્યો તો તમને સુરત મુકાવતા વાર નહીં લાગે. હું કોંગ્રેસને કહું છું કે લોકસભાની ચૂંટણીમાં જેટલી તાકાત લગાડવી હોય લગાડી લેજો. પરંતુ અંધાધૂંધી અને અરાજકતાનું બંધ કરો. સુરતની અંદર તમે સીધા અમને પહોંચી શકતા નથી એટલે તમે તોફાનો કરાવો છો. હું ભાજપના પ્રમુખ તરીકે કહું છું, અમારે કોઈને છેડવા નથી, પણ અમને છેડશો તો તમને છોડીશું નહીં. કોંગ્રેસે હવે સમગ્ર મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 8 એપ્રિલે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

વંથલીમાં દલિત મહિલા પર થયેલાં અત્યાચારનાં વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપાયું

aapnugujarat

ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, ભાજપને વધુમાં વધુ ૮૦ સીટ મળશે : હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1