Aapnu Gujarat
ગુજરાત

સુરેશ પટેલ હત્યા કેસ : બંને શખ્સ ૫ એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર

શહેરના વાસણા વિસ્તારમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં થોડા દિવસો પહેલાં જ ધોળાદહાડે ફાયરીંગ કરી સુરેશ શાહ નામના ટ્રાન્સપોર્ટના વેપારીની કરપીણ હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં પકડાયેલા આરોપી એલમખાન મુરીદખાન જતમલેક અને રફીક અબ્દુલભાઇ સુમરાને ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીઓને તા.૫મી એપ્રિલ સુધીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. ક્રાઇમબ્રાંચ તરફથી બંને આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચ તરફથી રિમાન્ડ અરજીમાં જણાવાયું હતું કે, સુરેશ શાહ હત્યા કેસમાં શહેર ક્રાઇમબ્રાંચે વાસણા એપીએમસી પાસેથી ગઇકાલે આરોપી એલમખાન મુરીદખાન જતમલેક અને રફીક અબ્દુલભાઇ સુમરાની ધરપકડ કરી લીધી હતી. સુરેશભાઇની હત્યા માટે બંને આરોપીઓને રૂ.૫૦ લાખની સોપારી અપાઇ હતી. બંને આરોપીઓએ સુરેશભાઇની હત્યાનું કાવતરૂ પાર પાડતા પહેલાં કેટલાય દિવસો સુધી તેમની રેકી કરી હતી અને આખરે કેવી રીતે તેમને મોતને ઘાટ ઉતારવા તેનું પ્લાનીંગ કરી સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. આરોપી એલમખાન પાટડી તાલુકાના જેજરી ગામે ખેતીવાડીનો ધંધો કરતો હતો પરંતુ તેના મિત્ર રાજુ શેખવાને ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ શાહ સાથે મનદુઃખ થયેલું હતું. તેથી તેની અદાવતમાં રાજુ શેખવાએ વેપારી સુરેશ શાહની હત્યા માટે તેને રૂ.૫૦ લાખમાં સોપારી આપી હતી. જેથી એલમખાને આ હત્યાના કાવતરામાં બાજુના ગામમાં રહેતા તેના મિત્ર રફીક સુમરાને બોલાવ્યો હતો અને સમગ્ર કાવતરૂં સમજાવ્યું હતું. રાજુ શેખવાએ આ હત્યા માટે એલમખાનને રૂ. પંદર લાખ એડવાન્સમાં અને બે દેશી તમંચા અને પિસ્ટલ પણ આપ્યા હતા. ક્રાઇમબ્રાંચની તપાસમાં બંને આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસથી ખરડાયેલો હોવાનું પણ સામે આવ્યું હતું. આ કેસમાં બંને આરોપીઓ હત્યાનો ગુનો આચર્યા બાદ કયાં કયાં છુપાયા હતા અને તેઓને કોણે કોણે આશરો આપ્યો હતો, તેની તપાસ કરવાની છે. વળી, આ સમગ્ર ષડયંત્રમાં રાજુ શેખવા સહિત સંડોવણી ધરાવતા અન્ય આરોપીઓને પકડવાના બાકી હોઇ તેમના વિશે આરોપીઓ પાસેથી જાણકારી મેળવવાની છે. આરોપીઓને સાથે રાખી જુદા જુદા સ્થળોેએ જવાનું છે.
આ સંજોગોમાં ન્યાયના હિતમાં આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૦-૩-૨૦૧૮ના રોજ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટના વેપારી એવા સુરેશભાઇ શાહ(ઉ.વ.૫૦) વાસણા વિસ્તારમાં આવેલી લાવણ્ય સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ ખાતે દર્શન કરવા આવ્યા હતા, ત્યારે અચાનક જ આવેલા હુમલાખોરોએ પહેલા સુરેશભાઇને પાછળથી માથામાં પાઇપ ફટકારી હુમલો કર્યો હતો, જેથી નીચે પડી ગયેલા સુરેશભાઇ પર હત્યારાઓએ દેશી તમંચામાંથી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી તેમની હત્યા કરી દેવાઇ હતી.

Related posts

ખેડૂતોના દેવા માફી સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા શુક્રવારે ‘રસ્તા રોકો’ આંદોલન

aapnugujarat

સોમનાથમાં આવેલાં હિંગળાજ માતાજીનાં મંદિરમાં ચમત્કાર સર્જાયો

aapnugujarat

નર્મદા જિલ્લામાં યોજાનારા કલા મહાકુંભ-૨૦૧૭ અન્વયે તા. ૧૭ મી જુલાઇ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1