Aapnu Gujarat
ગુજરાત

હવે રેસ્ટોરન્ટ માટે પોલીસની મંજૂરીનું લાયસન્સ નહીં લેવુ પડે : રાજ્ય સરકારે કર્યો નિર્ણય

ગુજરાત રાજ્યમાં આવેલા તમામ રેસ્ટોરન્ટ માટે પોલીસ તંત્ર પાસેથી લાયસન્સ લેવા તેમજ રિન્યુઅલ માટેની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પોલીસ (સુધારા) વિધેયક-ર૦૧૮ને રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૩(૧) અન્વયે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશનર પાસેથી લાયસન્સ લેવાની તથા સમયાંતરે તેના રિન્યુઅલ સબંધી મંજૂરી મેળવવાની રહે છે. આ કાર્યવાહીમાં રેસ્ટોરન્ટના વ્યવસાયિકોને મુશ્કેલીઓ પડતી હોવા અંગે રાજ્યના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતો અંગે રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. જેમાં રેસ્ટોરન્ટ માટે સક્ષમ ઓથોરીટી પાસેથી લાયસન્સ મેળવવા તથા તેના રિન્યુઅલની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો પ્રમાણમાં નાનો પરંતુ રેસ્ટોરન્ટ વ્યવસાયિકો માટે ખૂબ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટનો વ્યવસાય અગત્યનો સામાજિક વ્યવસાય હોવા ઉપરાંત રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ આપનારો હોવાથી તેના વિકાસમાં આવતા અવરોધો દુર કરી વ્યવસાયીકોને લાયસન્સ રાજમાંથી મુક્ત કરવા શ્રેણીબધ્ધ પગલા લેવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ના સેક્શન-૩૩(૧)ની સબંધિત સબ સેક્શનની જોગવાઇ રદ કરવાની કાર્યવાહી હાથ ધરીને અધિનિયમમાં (સુધારો) રજૂ થતાં હવેથી રાજ્યની તમામ રેસ્ટોરન્ટને પોલીસ અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કે રિન્યુઅલ કરાવવાનું રહેશે નહીં.
આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નીતિ-૨૦૧૫થી જાહેર કરવામાં આવેલી નીતિ હેઠળ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે રાજ્ય સરકારે મનોરંજન કર, લકઝરી ટેક્ષ, વીજળી કરમાંથી મુક્તિ સહિતની છૂટછાટો જાહેર કરી છે. આ પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થવાથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૪.૪૮ કરોડ પ્રવાસીઓ રાજ્યમાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮-૦૯માં પ્રવાસીઓની સંખ્યા ૧.૫૮ કરોડ હતી એટલે કે, પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.

Related posts

રાહુલ શર્મા હવે ગુજરાતમાં પોતાનો પક્ષ રચીને ચૂંટણી લડશે

aapnugujarat

રાજ્યના અનેક વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી હડતાળ પર

aapnugujarat

સીટવાઈઝ લાઈવ વેબ કાસ્ટિંગ કરવા માટે પંચ દ્વારા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1