Aapnu Gujarat
ગુજરાત

ડો.મનમોહન સહિતના નેતા ગુજરાતની મુલાકાતે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ વર્તમાન ભાજપ સરકાર એક પછી એક વિવાદોમાં ફસાઇ રહી છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઇ રહ્યો છે. કોંગ્રેસને સરકાર પર માછલાં ધોવાનો મોકો મળી ગયો છે. નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓ તો કોંગ્રેસ માટે પહેલેથી જ હુકમના એક્કા જેવા લોકોમાં વટાવવા માટેના હતા પરંતુ એ પછી તાજેતરમાં પાટીદારોને ખરીદવાના ભાજપના પ્રયાસના પર્દાફાશ, બારોબાર વિકાસ પરવાનગી આપવાના રૂ.૫૦૦ કરોડના કૌભાંડ અને હવે સિવિલ હોસ્પિટલમાં ૨૦ જેટલા નવજાત શિશુઓના મોતની ઘટનાઓ કોંગ્રેસ માટે તો, સળગતા મુદ્દાઓ હાથમાં લાગી ગયા જેવી સાબિત થઇ છે. કોંગ્રેસે ઉપરોકત તમામ મુદ્દે ભાજપ અને મોદી સરકારને ઘેરી લીધી છે અને હવે કોંગ્રેસ તેના માસ્ટર સ્ટ્રોકના ભાગરૂપે આગામી દિવસોમાં તેના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ સહિતના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા જઇ રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ખાસ કરીને રાજયસભાની એહમદ પટેલની જીત બાદ જે પ્રકારે કોંગ્રેસમાં નવી ઉર્જા અને નવા પ્રાણ ફુંકાયા એ પછી સરકારને વિવાદમાં ફસાવતી એક પછી એક ચાલુ રહેલી ઘટનાઓને લઇ ગુજરાતમાં અચાનક કોંગ્રેસની તરફેણમાં વ્યાપક લોકજુવાળ ઉભો થયો, જેને લઇ કોંગ્રેસમાં ખરેખર આ વખતે ચૂંટણી જીતવાની આશા જન્મી છે. નહી તો, છેલ્લા ૨૨ વર્ષોથી ભાજપના એકચક્રી શાસનથી કોંગ્રેસ જાણે હિંમત જ હારી ગઇ હતી કે, તેઓ ચૂંટણી જીતી શકે જ નહી પરંતુ આજે અચાનક પરિસ્થિતિ અને સંજોગો બદલાયા છે. ભાજપના વિવાદો અને વિવાદીત નિર્ણયો સામે કોંગ્રેસ માટે સારુ વાતાવરણ પેદા થયું છે. આ સંજોગો અને પરિસ્થિતિનો લાભ વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાતથી ખાટી લેવા માટે કોંગ્રેસે તેની ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે નવેમ્બર મહિનામાં કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓને ગુજરાત રાજયમાં ચૂંટણી પ્રચાર અર્થે ઉતારવાનું આયોજન હાથ ધર્યું છે. જેમાં તા.૭મી નવેમ્બરે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાતની મુલાકાતે આવશે તો, તા.૬થી ૯ દરમ્યાન સામ પિત્રોડા ગુજરાતનો પ્રવાસ કરશે. તા.૧૮ અને ૧૯ નવેમ્બર દરમ્યાન કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂર પણ ગુજરાતની મુલાકાત લેવાના છે. તો આ સિવાય કોંગ્રેસ દ્વારા તેમના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયા, આનંદ શર્મા અને પંજાબમાં તાજેતરમાં કોંગ્રેસને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નવજોતસિંહ સિધ્ધુને પણ પ્રચારાર્થે બોલાવવાનું આયોજન થઇ રહ્યું છે. આમ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં તેના તમામ દિગ્ગજોને ચૂંટણીના રણમેદાનમાં પ્રચારાર્થે ઉતારી વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ તરફી મોટાપાયે લોકજુવાળ ઉભો કરવાની આ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તેના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યા છે.

 

Related posts

Around 27 structures partly demolished by AMC, found unsafe on Lord Jaganath Rath yatra route

aapnugujarat

दक्षिण गुजरात में विभिन्न हिस्सों में बारिश का माहौल

aapnugujarat

अल्पेश-धवलसिंह की स्थिति नहीं घर के, न घाट के जैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1