Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે. સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ખેંચાયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ક્યારે વરસાદ પડશે? તેની રાહ જોવાઇ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ સાત દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ક્યાં વરસાદ પડશે, તે અંગે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સપ્તાહની વાત કરવામાં આવે તો વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ખેડા, દાહોદ મહીસાગર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
આગામી સપ્તાહમાં વરસાદ થવા પાછળનું કારણ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ૭થી ૯ દરમિયાન વરસાદનું જોર વધશે.
નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની ખૂબ જ આશા સાથે રાહ જોવાઇ રહી છે. જુલાઇમાં ધડબડાટી બોલાવ્યા બાદ ઓગસ્ટ મહિનો તો કોરો નિકળી ગયો, હવે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહી છે. જોકે, જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો તેના કારણે સિંચાઈ માટેનું પાણી છે. સિંચાઈ માટેનું પાણી ન હોય તો મુશ્કેલી વધી હોત.
જોકે, ઓગસ્ટ મહિનામાં ગુજરાત પર એક પણ સિસ્ટમ ન આવી. જેના કારણે છેલ્લા ૧૦ વર્ષના ઓગસ્ટ મહિના સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં માત્ર ૧૦ ટકા જેવો વરસાદ નોંધાયો છે. એટલે કે ૯૦ ટકા વરસાદની ઘટ ઓગસ્ટ મહિનામાં રહી છે. વરસાદ ન થવાના કારણો ઘણા બધા છે. મુખ્ય કારણ છે કે, કોઈ સિસ્ટમ ગુજરાત પર ન આવી અને બીજું કારણ અલનીનોની અસર પણ જોવા મળી છે.
જોકે, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ જોઈએ તો રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ગુજરાત નોંધાયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ૬૬.૧૯ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૬૭.૯૬ ટકા જ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ ૧૩૬.૧૯ ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૧૦.૧૦ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૭૩.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. જોકે, આ વરસાદ પણ જુલાઈ મહિનામાં થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર ૧૦ ટકા પણ વરસાદ નોંધાયો નથી.

Related posts

સરદારનગરમાં બુટલેગરોનો આંતક : હુમલામાં ૩ ઘાયલ

aapnugujarat

વિચરતી વિમુકત જાતિના ઘરવિહોણા ૩૩ લાભાર્થીઓને સરકારની ભેટ

editor

भारतीय दलित साहित्य अकादमी द्वारा संगठन बनाने हेतु अहमदाबाद में मिटिंग का आयोजन

aapnugujarat
UA-96247877-1