Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન ચુંટણી : રાજપૂતોની નારાજગી ભાજપ માટે પડકાર

રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં વિપક્ષી કોંગ્રેસ સાથે ગળાકાપ સ્પર્ધાનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે અનેક પડકારો રહેલા છે. આ વખતે રાજપૂત સમુદાયના લોકો ભાજપથી નાખુશ દેખાઈ રહ્યા છે. રાજ્યમાં રાજપૂતો મૂળભૂત રીતે ભાજપના પરંપરાગત વોટર તરીકે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના ગાળા દરમિયાન કેટલાક પ્રકરણોનો ઉલ્લેખ કરીને રાજપૂત સંગઠનોએ હવે ભાજપ અને ખાસ કરીને મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે મોરચો ખોલી દીધો છે. ભાજપનું કહેવું છે કે રાજપૂત સમાજમાં કોઈપણ નારાજગી નથી. રાજપૂત પહેલાથી જ સંતુષ્ટ છે. આ વખતે પણ ભાજપને જ મત આપશે. રાજ્યની કુલ વસ્તીમાં આશરે ૧૨ ટકા રાજપૂત સમુદાયના લોકો છે. આશરે ૩૦ સીટો ઉપર હાર જીત નક્કી કરવામાં રાજપૂત સમુદાયની ભૂમિકા છે. રાજપૂત સમુદાયના મતદારોની દરેક સીટ પર ઉપસ્થિતિ ખૂબ જ ઉલ્લેખનિય રહી છે. જોધપુર ક્ષેત્રની ૩૩ સીટોમાંથી અનેક સીટો એવી છે જ્યાં રાજપૂતોની નારાજગીથી ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. જોધપુર જિલ્લાની ઓસિયા સીટ ઉપર અપક્ષ ઉમેદવાર મહેન્દ્રસિંહ ભાટી ભાજપના સમગ્ર જાતિગત સમીકરણને બગાડે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત જોધપુરની ફલોદી વિધાનસભા સીટ ઉપર પણ ભાજપની તકલીફ વધી ગઈ છે. અહીં પણ રાજપૂતોની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ સીટ પર ભાજપ તરફથી બબ્બારામ બિશ્નોઈ મેદાનમાં છે. જ્યારે અપક્ષ તરીકે ચુંટણી મેદાનમાં રહેલા રાજપૂત ઉમેદવાર કુંભસિંહ પરિણામ બદલવાની સ્થિતિમાં છે. રાજસ્થાનમાં રાજપૂત સમુદાયના લોકો પહેલા જનસંઘ અને ત્યારબાદ ભાજપના મત તરીકે રહ્યા છે પરંતુ ૨૦૧૬માં વસુંધરા રાજે અને રાજપૂતો વચ્ચે ખેંચતાણ વધી ગઈ હતી. પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજપૂત નેતા જશવંતસિંહના પુત્ર માનવેન્દ્રએ ભાજપ સાથે છેડો ફાડી લેતા સ્થિતિ વધુ વણસી ગઈ છે. સ્થાનિક જાણકાર લોકોના કહેવા મુજબ રાજપૂત સમુદાયની નારાજગીની પાછળ અન્ય કારણો પણ રહેલા છે. ફિલ્મ પદ્માવત વિવાદ, ગેંગસ્ટર આનંદપાલસિંહના એનકાઉન્ટર, રાજપૂત નેતા ગજેન્દ્ર શેખાવતને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના વસુંધરાના નિર્ણયને લઈને પણ નારાજગી છે. આ તમામ પ્રકરણથી રાજપૂત સમુદાયના લોકો નાખુશ છે. છેલ્લા કેટલાક મહિનામાં ભાજપે મનાવવાના તમામ પ્રયાસ કર્યા છે પરંતુ આ વખતે રાજપૂત સમુદાયના લોકો ભાજપ સાથે રહેશે કે કેમ તેને લઈને હાલમાં સસ્પેન્સની સ્થિતિ છે. રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે વિધાનસભાની ચુંટણી માટે મતદાન થશે.

Related posts

તમામ ડેટા ભારતમાં સ્ટોર કરવા ઓપરેટર્સને આદેશ : આરબીઆઈ પોતાની ડિજિટલ કરન્સી લાવશે

aapnugujarat

वैष्णो देवी और बांके बिहार मंदिर भी बंद

editor

મોદીનાં ૫ વર્ષ વિપક્ષના ૫૫ વર્ષો ઉપર ભારે : યોગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1