Aapnu Gujarat
ગુજરાત

સરસપુરમાં લાખો શ્રદ્ધાળુ જમશે

આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા શહેરમાં નીકળનાર છે ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં જબરદસ્ત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રથયાત્રાના દિવસે સરસપુરમાં નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસોઇની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તમામ પોળોના રસોડાઓ ધમધમી રહ્યા છે. બીજીબાજુ, રથયાત્રા પહેલાં ગઇકાલે સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના રણછોડજી મંદિર ખાતે હજારો સાધુ-સંતો માટે વિશાળ ભંડારનું આયોજન કરાયું હતું. જેમાં આગંતુક સાધુ-સંતોને પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, શીરો-પૂરી જમાડી તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરાયું હતું. આ અંગે ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રામાં ભાગ લેવા માટે અયોધ્યા, હરદ્વાર, ચિત્રકુટ, કાશી, વૃંદાવન, દ્વારકા-સોમનાથ, નાસિક સહિતના દેશના જુદા જુદા ખૂણાઓથી હજારો સાધુ-સંતો આવ્યા છે. રથયાત્રાના બે દિવસ પહેલા ગઇકાલે દોઢક હજારથી વધુ સાધુ-સંતો માટે સરસપુરની વાસણશેરીમાં વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા આપી સન્માન કરાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રથયાત્રાના દિવસે રથયાત્રામાં આવનાર શ્રધ્ધાળુ ભકતો, સાધુ-સંતો, મંહતો, સ્વયંસેવકો, રથયાત્રિકો સહિત સૌકોઇ માટે વર્ષોથી પરંપરા મુજબ, સરસપુરની નવથી વધુ પોળોમાં જમવાની વ્યવસ્થા કરાતી હોય છે. આ માટે હાલ આ તમામ પોળોમાં રસોઇ બનાવવાનો રસોડાનો ધમધમાટ પૂરજોશમાં છે. સૌથી મોટુ રસોડુ લવાર શેરી, વાસણ શેરીનું હોય છે. આ સિવાય સાળવી વાડ, પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રિકો માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવી રહી છે, તો પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડી રહ્યો છે.

Related posts

સંસ્કૃતિના જતન માટે પ્રયાસો જારી : નીતિન પટેલ

aapnugujarat

કડીમાં પાર્કિંગ બાબતે બબાલ : પિતા – પુત્ર ઘાયલ

aapnugujarat

સેનામાં ફરજ બજાવી વતન પરત ફરતા મેહુલ રાઠોડ (નાઈ )નું ગામમાં સ્વાગત કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1