Aapnu Gujarat
રમતગમત

આઇએસઆઇએસે ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસી-રોનાલ્ડોની હત્યા કરવાની ધમકી આપી

રશિયામાં ૨૧મા ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે પોસ્ટર જારી કરીને સનસનાટી મચાવી દીધી છે. આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે જે પોસ્ટર જારી કર્યાં છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફૂટબોલ વર્લ્ડકપમાં તેઓ દુનિયાના મશહૂર ફૂટબોલર રોનાલ્ડો અને મેસીનું સર કલમ કરી નાખશે.
એક વિદેશી અખબારના જણાવ્યા અનુસાર આ આતંકવાદી હુમલાને ‘લોન વુલ્ફ’ દ્વારા અંજામ આપવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ‘લોન વુલ્ફ’ એ આતંકી હુમલો હોય છે, જેમાં એક આતંકવાદી એકલો મિશન પર નીકળે છે અને તેને પૂરું કરવાની કોશિશ કરે છે.આઇએસઆઇએસે ફોટોશોપ દ્વારા તૈયાર કરેલી કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે. આ પોસ્ટર્સમાં રોનાલ્ડો અને મેસીના સર કલમ કરતા દેખાડવામાં આવ્યા છે.
આતંકી સંગઠને ધમકી આપી છે કે ફૂટબોલનું મેદાન લોહીના રંગથી રંગી દેવામાં આવશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે દુનિયા એક એવા સંગઠન સાથે લડી રહી છે, જે ‘નિષ્ફળતા’ શબ્દ જાણતું નથી.એક તસવીરમાં મેસી અને રોનાલ્ડોના બંને હાથ બંધાયેલા છે અને તેમને જમીન પર જબરદસ્તીથી સૂવડાવી દેવામાં આવ્યા છે. બે આતંકીએ તેમની ગરદન પકડેલી છે. ગરદનની સામેની જગ્યાએ બ્લડ શેડ સાથે બ્લર કરી દેવામાં આવ્યા છે.
એક અન્ય પોસ્ટરમાં મેસી લાલ કપડાંમાં ઘૂંટણભેર બેઠેલો નજરે પડે છે. આતંકીઓએ તેના બંને હાથ બાંધી દીધા છે અને એક હાથ મેસીના માથા પર રાખ્યો છે. બેકગ્રાઉન્ડમાં ફૂટબોલ મેદાન દેખાડવામાં આવ્યું છે.ત્રીજા પોસ્ટરમાં દર્શકોથી ભરાયેલા ફૂટબોલ સ્ટેડિયમમાં આતંકી દેખાઈ રહ્યો છે, જેના હાથમાં હેન્ડ ગ્રેનેડ છે. પોસ્ટર પર લખ્યું છે, ‘જીત અમારી જ થશે.’ ચોથા પોસ્ટરમાં મેસીને જેલની પાછળ દેખાડવામાં આવ્યો છે અને તેની એક આંખમાંથી લોહી વહી રહ્યું છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર આ પોસ્ટર વફા મીડિયા ફાઉન્ડેશન તરફથી જારી કરવામાં આવ્યાં છે. વફા મીડિયા ફાઉન્ડેશનને ઇસ્લામિક સંગઠનનું મુખપત્ર પણ કહેવામાં આવે છે.સોશિયલ મીડિયા પર ચારેય પોસ્ટર ઝડપથી વાઇરલ થઈ રહ્યાં છે. ફૂટબોલ ચાહકો ઉપરાંત સમગ્ર દુનિયામાં આ ચારેય પોસ્ટરે સનસનાટી મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રોનાલ્ડો પોર્ટુગલ ફૂટબોલ ટીમનો કેપ્ટન છે, જ્યારે લિયોનેલ મેસી આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર છે. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮નો પ્રારંભ ૧૪ જૂનથી થઈ રહ્યો છે. પહેલો મુકાબલો મોસ્કોના લુજનિકિ સ્ટેડિયમમાં યોજાવાનો છે.

Related posts

कोहली को किसी तरह के बदलाव से बचना चाहिएः द्रवीड

aapnugujarat

પોન્ટિંગની વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂંક

aapnugujarat

ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ

editor

Leave a Comment

UA-96247877-1